ભારતીય લોકશાહીનું ‘વન પાર્ટી નેશન’ તરફ પ્રયાણ ચિંતાજનક

Wednesday 13th May 2026 06:04 EDT
 

બ્રિટનની જેમ આ મહિને ભારતમાં પણ રાજ્ય વિધાનસભાઓ અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઇ. વિરોધાભાસ એ રહ્યો કે બ્રિટનમાં મુખ્ય પ્રવાહની રાજકીય પાર્ટીઓ નબળી પડી અને અન્ય પાર્ટીઓ મજબૂત બની જ્યારે ભારતમાં એકમાત્ર ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બનીને ઉભરી રહી છે. એક દાયકા કરતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રચારમાં ભારતને કોંગ્રેસમુક્ત બનાવવાની પ્રતિજ્ઞા જાહેર કરી હતી. 2014માં ભાજપ નવી દિલ્હીમાં સત્તામાં આવ્યો ત્યારથી મુખ્ય વિપક્ષ એવી કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પાર્ટીઓનું અસ્તિત્વ સમાપ્ત થઇ રહ્યું હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. તો શું ભારત એક રાજકીય પાર્ટીની દિશામાં આગળ વધી રહ્યો છે?
2024ની લોકસભાની ચૂંટણીમાં સંપુર્ણ બહુમતી પ્રાપ્ત ન થતાં ભાજપે તેની વ્યૂહરચનાઓમાં મોટાપાયે બદલાવ કરી રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેમાં મહદ્દ અંશે મોટી સફળતા પણ અંકિત કરી છે. દક્ષિણના રાજ્યોને બાદ કરતાં આજે 22 રાજ્યમાં ભાજપ અથવા તો તેના એનડીએ ગઠબંધનની સરકારો સત્તામાં છે. તાજેતરમાં ભાજપે જાયન્ટ કીલર તરીકે ઉભરતાં પશ્ચિમ બંગાળમાં પહેલીવાર સત્તા હાંસલ કરી છે.
આજની ભારતીય રાજનીતિની તસવીર સ્પષ્ટ કહી રહી છે કે ભારતના વિરોધપક્ષોમાં રાજકીય શક્તિ રહી જ નથી. વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતી લોકશાહી જાણે કે વન પાર્ટી નેશન તરીકે જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી એક ઇલેક્શન વિનિંગ મશીન તરીકે ઉભરી આવી છે. સ્થિતિ એવી સર્જાઇ છે કે કોઇપણ વિપક્ષ નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે વાસ્તવિક રાજકીય સ્પર્ધા કરવાની સ્થિતિમાં જ રહ્યો નથી. કોઇપણ લોકશાહી માટે આ સારા સંકેત નથી. મજબૂત લોકશાહી માટે મજબૂત વિપક્ષ પણ એટલો જ આવશ્યક છે. જોકે ભારતના વિપક્ષો પણ તેમના કર્યાં જ ભોગવી રહ્યાં છે. આંતરિક હૂંસાતૂંસી, પ્રજાવિમુખ નીતિઓ, ભ્રષ્ટાચાર અને સત્તા માટે વિચારધારા વિરોધી નિર્ણયોને કારણે જ ભારતમાં વિપક્ષોનું પતન થઇ રહ્યું છે.
એવા આરોપ મૂકાય છે કે ભારતીય જનતા પાર્ટી સામ, દામ, દંડ અને ભેદ દ્વારા વિપક્ષનો ખાત્મો કરી રહી છે પરંતુ વિપક્ષી નેતાઓ શા માટે ભાજપની આ નીતિની શરણાગત સ્વીકારી રહ્યાં છે? ખાટલે ખોડ તો તેમનામાં પણ રહી છે. જ્યારે જનતા તેમનું સમર્થન કરે છે ત્યારે તેઓ જનહિતમાં કામ કરવાને બદલે પોતાના ઘર ભરવામાં જ અને પરિવારના ઉદ્ધારમાં જ રચ્યાં પચ્યાં રહે છે. તમારા કુકર્મોનો લાભ વિરોધી ઉઠાવે તે તો સર્વસામાન્ય બાબત છે. વિપક્ષ ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગના આરોપ મૂકતો રહે છે પરંતુ સૌથી પહેલાં તો તેમણે આત્મનીરિક્ષણ કરવાની જરૂર છે કે તેમણે એવા તો કેવા કર્મ કર્યાં છે કે જેના કારણે કેન્દ્રીય એજન્સીઓને તેમની સામે કાર્યવાહી કરવાની તક મળી રહે છે. એક મજબૂત સરકાર દેશને મજબૂત નેતૃત્વ આપી શકે છે પરંતુ સાથે સાથે એક મજબૂત વિપક્ષ સરકારને સરમુખત્યાર બનતાં અટકાવી શકે છે. ભારતને આજે ખરેખર એક મજબૂત વિપક્ષની જરૂર છે અને તે દૂરસુદૂર ક્ષિતિજ પર પણ દેખાઇ રહ્યો નથી.


comments powered by Disqus