મરૂ-ગુર્જર શૈલીના સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો: તારંગા તીર્થ

- જ્યોત્સના શાહ Wednesday 13th May 2026 06:26 EDT
 
 

પચ્ચીસેક વર્ષ અગાઉ મેં સપરિવાર-મિત્ર મંડળ સહિત તારંગા તીર્થની યાત્રા કરી હતી. એ સમયે તીર્થની દિવ્યતા દિલો-દિમાગમાં વસી ગઇ હતી. ફરી એ તીર્થયાત્રા કરવાની અદમ્ય ભાવના હતી. વર્ષો બાદ મારા મનના એ ભાવ ભગવાન સુધી પહોંચ્યા અને પુન: એ તીર્થ યાત્રા કરવાનો અવસર સાંપડ્યો. ગયા વર્ષે મારા જેઠ-જેઠાણી-એમના દિકરા-વહુએ મને એ
તીર્થની યાત્રા કરાવી. વહેલી સવારે વડોદરાથી કારમાં જવા નીકળ્યાં. લગભગ ૧૧ વાગ્યાની આસપાસ અમે એ તીર્થની પાવન ભૂમિ પર પગ મૂક્યો અને એની દિવ્યતા રોમેરોમમાં રોમાંચ જગાવી ગઇ.
આ તીર્થના મૂળ નાયક જૈનોના બીજા તીર્થંકર ભગવાન અજીતનાથ છે.
આ ભવ્ય-કલાત્મક મંદિરનો લગભગ ૨૩૦ x ૨૩૦ ફૂટના ચોરસ વિસ્તારનો વ્યાપ છે. અંદર પ્રવેશતાં મા પદ્માવતીની મૂર્તિ અને રાજા કુમારપાળની મૂર્તિ બિરાજમાન છે. સૌ પ્રથમ અમે ધર્મશાળાની એક રૂમ ભાડે લઇ નાહી-ધોઇ પૂજા-સેવા કરવા ગયા. મૂળ નાયક અજીતનાથ ભગવાનની સંગેમરમર - આરસપ્હાણની ૨.૭૫ મીટરની ઊંચાઇ ધરાવતી પ્રતિમાની પૂજા કરી. એ વેળા ઉપજેલ ભાવ શબ્દમાં વર્ણવી ન શકાય! અનુભૂતિનો એ વિષય. મંદિરની જમણી બાજુએ પ્રથમ તીર્થંકર ભગવાન આદીનાથ સહિત ૨૦ તીર્થંકરોના પગલાં છે. ડાબી બાજુ ગોમુખજીનું મંદિર અને, સમવસરણ અને જંબુદ્વીપના ચિત્રો છે. પૂર્વમાં મા અંબાની અને દ્વારપાળની પ્રતિમા છે. ગગનને આંબતું લાકડાની કોતરણી વાળું મનોહર શિખર ટગર વુડનું બનેલ છે જે ફાયર પ્રુફ છે અને આશ્ચર્યની વાત એ છે કે એની અંદરથી પાણી નીકળે છે. સાત શિખરો અને એના પર ફરકતી ધજાઓ મનને હકારાત્મક ભાવ અને ઊર્જાથી ભરી દે છે. તારંગાનો સંસ્કૃત અને પાલી ભાષામાં અર્થ તરંગો/મોજા /વેવ્સ થાય છે.
એ અગાઉ દિગમ્બર જૈનોના ત્રણ ટેકરીઓ પર મંદિર હતા. ત્યાં નેમિનાથ અને મલ્લિનાથ તીર્થંકરોની પ્રતિમાઓ વિક્રમ સંવત ૧૨૯૨માં સ્થાપિત કરાઇ હતી. કહેવાય છે કે એની ગુફાઓમાં ૩૫,૦૦૦,૦૦૦ મુનિઓ-સાધુઓને મોક્ષની પ્રાપ્તિ (ગાંધર્વો વારાદત્તા અને સાગરદત્તા સહિત) થઇ હતી. એ ભૂમિનો પ્રતાપ અને પ્રભાવ જ અનેરો છે. અત્રે ૧૪ શ્વેતામ્બર અને ૫ દિગમ્બરના મંદિરો છે. ૯૦૦ વર્ષ પહેલાની આ ગૌરવગાથા આપણા સાંસ્કારિક વારસા સમાન છે. એના બે શિખરોના નામ કોટીશીલા અને સિધ્ધશીલા છે.
ભોજનશાળામાં જમ્યા બાદ પત્રકારનો જીવ એટલે એનો ઇતિહાસ જાણવાની જિજ્ઞાસા ન જાગે તો નવાઇ! સંશોધન આદર્યું.
ભૌગોલિક માહિતી : ગુજરાતના મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકામાં ખેરાલુ નજીક આવેલ આ ટેકરીઓ અરવલ્લિ પર્વતમાળાની છે. તળેટીમાં આવેલ તારંગાહીલ રેલ્વે સ્ટેશન સૌથી નજીકનું સ્ટેશન છે. અમદાવાદથી ૧૪૦ કિ.મી. દૂર અને સમુદ્ર સપાટીથી ૩૬૪ મીટર ઊંચાઇ પર આવેલ આ તીર્થનું મહત્વ ૧૨મી સદીથી રહ્યું છે. રૂપેન નદી અને સાબરમતી નદીના કિનારે, કુદરતી સૌંદર્યની વચમાં વસેલ આ તીર્થના દર્શન કરવા એ પુણ્યની બારી ખૂલવા જેવું છે.
ઇતિહાસ : ૧૨મી સદીમાં સોલંકી વંશના રાજા કુમારપાળે (૧૧૪૩-૧૧૭૪)કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી મુખ્ય મંદિર બંધાવ્યું હતું. મરૂ-ગુર્જર શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સમું એનું સ્થાપત્ય છે. એના ઘુમ્મટ અને થાંભલાઓની કોતરણી રાણકપુરના મંદિર જેવી મનમોહક છે. શત્રુંજય પર્વત જેવી એની મહત્તા છે. શિખરો અને મંડપોની કલાત્મક બાંધણી ખૂબ જ ‘ગૂંચવણભરી’ છે.
સોમપ્રભાચાર્ય લિખિત “કુમારપાળ પ્રતિબોધ’’ ગ્રંથમાં જણાવ્યા મુજબ સ્થાનિક બૌધ્ધ રાજા વેણી વત્સ રાજા અને જૈન સાધુ ખાપુતાચાર્ય દ્વારા વિક્રમ સંવત ૧૨૪૧માં દેવી તારા માટે આ મંદિર બનાવ્યું હતું. એથી એ શહેરનું નામ તારાપુર રાખવામાં આવ્યું હતું.
એક રેફરન્સ મુજબ જૈન શ્રેષ્ઠી શ્રી વસ્તુપાળના ભાઇ તેજપાળે ફાગણ સુદ બીજ, વિક્રમ સંવત બીજના શ્રી આદીશ્વર અને નેમિનાથ ભગવાનની મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રી નાગેન્દ્ર ગચ્છાચાર્ય શ્રી વિજયસેન સૂરીજીના હસ્તે એ મંદિરમાં કરાવી હતી.
૧૪મી સદીમાં મોગલ સમ્રાટોના મંદિરો પરના આક્રમણમાં આ મંદિરને પણ નુકશાન પહોંચ્યું હતું. સમયે-સમયે એના જીર્ણોધ્ધાર થતા રહ્યા છે.
મૂળ અજીતનાથની પ્રતિમા ધ્વંસ થઇ હતી. એના સ્થાને ૧૪૭૯માં ઇડરના શ્રેષ્ઠી ગોવિંદ સાધુએ નવી પ્રતિમા બનાવડાવી મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. નવી પ્રતિમા બનાવવા તેઓ આરાસુર ગયા અને મા અંબાના પૂજન-અર્ચન કરી ત્યાંથી પત્થર લાવી ભગવાન અજીતનાથની નવી મૂર્તિ બનાવડાવી હોવાનો ઉલ્લેખ છે.
એ સમયનો મંદિરનો ઢાંચો આજેય અકબંધ છે. કાર્તિકી અને ચૈત્રી પૂનમે એની યાત્રા કરવાનું વિશેષ મહત્વ છે.
૧૨મી સદી પહેલા તારંગા હીલ્સ ચોથીથી આઠમી સદી દરમિયાન બૌધ્ધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. ૧૯૩૮ના આર્કીયોલોજીકલ અહેવાલમાં ઐતિહાસિક પ્રમાણ મુજબ જેમ વડનગરમાં બુધ્ધિસ્ટનો પ્રભાવ ચોથી-આઠમી સદીમાં હતો એમ તારંગા હીલ્સમાં હોવાનું પણ જણાવાયું છે. વડનગરથી નજીક આ તીર્થ છે. અહિં તારણ માતા અને ધારણ માતાના મંદિરો પણ આવેલા છે. પ્રાચીન ગુફાઓ પણ છે. જે જોગીદાની ગુફાઓ તરીકે જાણીતી છે. એમાં ચાર બુધ્ધિસ્ટ મૂર્તિઓ છે જે બોધિવૃક્ષ નીચે ધ્યાની બુધ્ધા તરીકે સુવિખ્યાત છે. એ ગુફાઓનો બૌધ્ધ સાધુઓ સદીઓ પૂર્વે ધ્યાન માટે ઉપયોગ કરતા હતા. આ શાંત અને રમ્ય સ્થળની મુલાકાત લેવા જેવી છે. અમે તારંગાથી અંબાજી અને કુંભારિયાજીના દર્શને ગયા હતા. એની વાત આગળ પર કરીશું.


comments powered by Disqus