દુબઈઃ અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે પાકિસ્તાનને પોતાને મધ્યસ્થી તરીકે પ્રોજેક્ટ કરવા કરેલા પ્રયાસો હવે તેને જ ભારે પડી રહ્યા છે. પાકિસ્તાને પોતાને મધ્યસ્થી તરીકે પ્રોજેક્ટ કરતાં યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ) સાથે તેના સંબંધો વણસી ચુક્યા છે. યુએઈ ખાતેથી ખાસ કરીને પાકિસ્તાની શિયા કામદારોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ અમેરિકા-ઈરાન વચ્ચે વાતચીત માટે પાકિસ્તાને મહત્વની ભૂમિકા અદા કરી છે, પરંતુ યુએઇ તેનાથી ખુબ નારાજ છે. ઈરાને યુએઈના વિસ્તારોને નિશાન બનાવીને કરેલા હુમલાની પાકિસ્તાને આલોચના પણ નથી કરી. નારાજ યુએઇ હવે તેના દેશમાં વસી રહેલા પાકિસ્તાનીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ વીતેલા સપ્તાહોમાં હજારો પાકિસ્તાની શિયા મુસ્લિમોને યૂએઇમાંથી હદપાર કરવામાં આવ્યા છે. તે પૈકી કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે હદપાર કરતાં પહેલાં તેમને કોઈપણ કારણ આપ્યા વિના અટકમાં રાખવામાં આવ્યા હતા.
પાકિસ્તાની શિયા સમુદાયના લોકોનું કહેવું છે કે તેઓ ઈરાન સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધ ધરાવતા હોવાથી તેમના જૂથને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. શિયા સંગઠનોનું કહેવું છે કે એપ્રિલના મધ્યથી અત્યાર સુધીમાં યૂએઈમાંથી હજારો પરિવારો હદપાર થઈ ચુક્યા છે. જોકે પાકિસ્તાનના શિયા સમુદાયો દ્વારા થઈ રહેલા આક્ષેપો સંબંધમાં યૂએઈ દ્વારા હજી કોઈ જાહેર નિવેદન સામે નથી આવ્યું. બીજી તરફ પાકિસ્તાને પણ આ પ્રકારે સામૂહિક હદપારીના પગલાં લેવાયા હોવાના દાવાને ફગાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ઈરાન યુદ્ધને કારણે યુએઈ અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ખટરાગ પેદા થયો છે.

