સ્કોટલેન્ડની હોલીરૂડ, વેલ્સની સેનેડ અને ઇંગ્લેન્ડની 136 કાઉન્સિલ અને 6 શહેરના મેયરની ચૂંટણીના પરિણામ ગયા સપ્તાહમાં જાહેર થઇ ગયાં. આ પરિણામોએ ન કેવળ કેન્દ્રમાં સત્તાધારી લેબર પાર્ટી અને વડાપ્રધાન સર કેર સ્ટાર્મરની રાજકીય શાખનું ધોવાણ કર્યું પરંતુ સ્ટાર્મરના નેતૃત્વ પર ગંભીર સવાલો સર્જવાની સાથે સાથે યુકેમાં બે મુખ્ય રાજકીય પાર્ટીના પ્રભુત્વના યુગના અંતની શરૂઆતના સંકેત પણ આપી દીધાં છે. મુખ્ય પ્રવાહની લેબર પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટીના વળતા પાણી સ્પષ્ટ જોઇ શકાય છે. રિફોર્મ યુકે, ગ્રીન પાર્ટી, લિબરલ ડેમોક્રેટ, એસએનપી અને પ્લાઇડ કમરી જેવી પાર્ટીઓ વધુ મજબૂત બનીને સામે આવી છે.
બ્રિટિશ મતદાર હવે વિભાજિત થઇ ચૂક્યો છે અને તેની સાથે દેશમાં મલ્ટીપોલર પોલિટિક્સનો પ્રારંભ થયો છે. મતદારોમાં વિભાજન એટલી હદે વિસ્તરી ચૂક્યું છે કે સ્કોટલેન્ડ અને વેલ્સમાં સેન્ટર-લેફ્ટ સેશનિસ્ટ પાર્ટીઓને બહુમતી હાંસલ થઇ નથી. તેવી જ રીતે ઇંગ્લેન્ડની 136 કાઉન્સિલમાંથી 60 કરતાં વધુ કાઉન્સિલમાં ત્રિશંકુ પરિણામ હાંસલ થયાં છે. અત્યાર સુધી કન્ઝર્વેટિવથી નારાજ મતદારો લેબરની અને લેબરથી નારાજ મતદારો કન્ઝર્વેટિવના પાલામાં જતાં હતાં પરંતુ હવે તેમને નાની પાર્ટીઓ વિકલ્પ તરીકે હાંસલ થઇ ચૂકી છે. મતદારોએ આ વખતની ચૂંટણીમાં સ્પષ્ટપણે આ ટ્રેન્ડ પર કામ કર્યું છે. સવાલ એ છે કે શું બ્રિટિશ મતદારો હવે મુખ્ય પ્રવાહની બંને રાજકીય પાર્ટીઓની નીતિઓથી અકળાઇ ચૂક્યાં છે?
છેલ્લા 14 વર્ષથી શાસનમાં રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીની નીતિઓથી નારાજ બ્રિટિશ મતદારોએ 2024ની સંસદની ચૂંટણીમાં લેબર પાર્ટીને ખોબલે ખોબલે મત આપીને વધાવી લીધી પરંતુ ફક્ત બે વર્ષમાં સ્ટાર્મર સરકારની નીતિઓના કારણે મતદાર હવે પોતાને લેબરથી અળગો કરી રહ્યો હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. મતદારો કન્ઝર્વેટિવોની નીતિઓથી પણ દાઝેલાં છે તેથી હવે તેઓ રિફોર્મ યુકે જેવી જમણેરી વિચારધારા ધરાવતી પાર્ટીને સમર્થન કરતાં પણ ખચકાઇ રહ્યાં નથી. ઇંગ્લેન્ડની કાઉન્સિલની ચૂંટણીઓ અને સ્કોટલેન્ડની સંસદીય ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે રિફોર્મ યુકે એક મજબૂત પાર્ટી બનીને ઉભરી આવી છે અને મતદારોને વિકલ્પ પૂરો પાડવામાં સક્ષમ છે. ન કેવળ રિફોર્મ પરંતુ ગ્રીન પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ પણ વધુ મજબૂત બનીને બહાર આવી છે.
બ્રિટિશ રાજનીતિના મુખ્ય પ્રવાહની બંને પાર્ટીઓની પીછેહઠ અને નાની પાર્ટીઓનો ઉદય શું મતદારોના અસંતોષનો પરિપાક છે? કોરોના મહામારી પછીના વર્ષોમાં મતદારોની વધેલી આર્થિક ચિંતા, વધેલા કરબોજ અને કોસ્ટ ઓફ લિવિંગ ઉપરાંત સ્થાનિક સત્તામંડળો દ્વારા પાયાની જરૂરીયાતો માટે થઇ રહેલી ઉપેક્ષાઓએ મતદારોમાં નિઃશંકપણે અસંતોષ વધાર્યો છે. આ અસંતોષનું પ્રતિબિંબ બ્રિટિશ મતદારોના અન્ય પાર્ટીઓમાં વધી રહેલા વિશ્વાસમાં જોવા મળી રહ્યું છે. એક વાત તો સ્પષ્ટ બનીને સામે આવી છે કે મોટા પાયા પર મતદારો મુખ્ય પ્રવાહની બંને પાર્ટીને અલવિદા કહી રહ્યાં છે. અલગ અલગ વિસ્તારોમાં તેઓ પોતાના હિતોની તરફેણ કરી શકે તેવી વૈકલ્પિક રાજકીય પાર્ટીઓની તરફેણ કરી રહ્યાં છે. તો શું આ કન્ઝર્વેટિવ અને લેબરનું અસ્તાચળ તરફ પ્રયાણ છે કે મતદારો હંગામી વિકલ્પો અપનાવી બંને પાર્ટીને સજા ફટકારી રહ્યાં છે?
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સ્થાનિક સ્તરની ચૂંટણીના પરિણામ અને રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીના પરિણામ અલગ અલગ મુદ્દાઓ પર આધારિત હોય છે. હા, તેમ કહી શકાય પરંતુ સ્થાનિક સ્તરે છીનવાતો જનાધાર રાષ્ટ્રીય સ્તરે પણ મુશ્કેલી પેદા કરી શકે છે અને ભાવિ રાજકીય સ્થિતિના સંકેત પણ આપી દે છે. મુખ્ય પ્રવાહની લેબર અને કન્ઝર્વેટિવ પાર્ટી માટે આ પરિણામ લાલ બત્તી સમાન પૂરવાર થયાં છે. હજુ મોડું થયું નથી. યોગ્ય નીતિઓ દ્વારા તેઓ પોતાનો જનાધાર પરત હાંસલ કરી શકે છે. જો ગંભીરતાથી આગળ વધવામાં નહીં આવે તો નાજૂક બનેલી બ્રિટિશ રાજકીય વ્યવસ્થામાં અનેક ધ્રુવ જોવા મળી શકે છે...
