ઢાકાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી) અને તેના નેતા તારિક અન્વરે આવકારી છે. તેઓને આશા છે કે આ વિજયના લીધે લાંબા સમયથી અટકેલી તિસ્તા જળ વહેંચણીનો પ્રશ્ન પણ ઉકેલાશે. અગાઉ બીએનપીએ તેને ઉકેલવામાં અવરોધ નાખવા બદલ મમતા સરકાર પર આક્ષેપ કર્યો હતો. હવે બંગાળમાં ભાજપ જીતતા ભારત-બાંગ્લાદેશ સંબંધમાં સુધારાની આશા છે.
વાસ્તવમાં આ જળવિવાદ બંને દેશો વચ્ચે ખટરાગ ઉત્પન્ન કરતો રહ્યો છે. 2011ની સમજૂતી પ્રમાણે સિક્કીમમાંથી નીકળતી આ નદીનું 42.5 ટકા જળ ભારત તેની સિંચાઈ તથા પીવાના પાણી માટે થઈ શકે જ્યારે બાંગ્લાદેશ 37.5 ટકા જળ તે હેતુ માટે વાપરી શકે. બાકીનું 20 ટકા જળ વહેવા દેવું જોઈએ, પરંતુ પશ્ચિમ બંગાળની મમતા સરકારે તેમાં વાંધા-વચકા ઉભા કર્યા હતા.
બંને દેશો વચ્ચે 54 નદીઓ વહે છે પરંતુ હજી સુધીમાં માત્ર ગંગા અને કુશિયારા નદીઓના જળની વહેંચણી અંગે જ સમજૂતી સાધી શકાઈ છે. આવામાં પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થતા બાંગ્લાદેશ ‘પોઝિટિવ ડેવલપમેન્ટ'ની આશા રાખે છે. તે રાજકારણને બદલે સહયોગની આશામાં છે.

