લંડનઃ એપ્રિલ 2025માં ગોલ્ફ ડેની જોરદાર સફળતાના પગલે ઈસ્ટ આફ્રિન એશિયન્સ (EAA) કોમ્યુનિટી દ્વારા શનિવાર 6 ડિસેમ્બર 2025ના રોજ હેરોસ્થિત લોકપ્રિય બ્લુ રૂમ ખાતે સામાજિક અને સંસ્મરણોને તાજી કરાવતી યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 300 જેટલા ઈસ્ટ આફ્રિકન એશિયન્સ તેમના પરિવારો અને મિત્રો સાથે અપેક્ષિત પુનર્મિલન અર્થે એકત્ર થયા હતા. આ ઈવેન્ટની માગ એટલી જોરદાર રહી કે આયોજકોને સમારંભના સ્થળની ક્ષમતાને ધ્યાનમાં રાખી હાજર વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત રાખવાની ફરજ પડી હતી જેના કારણે ઘણા મિત્રોએ નિરાશ થવું પડ્યું હતું. અભૂતપૂર્વ પ્રતિભાવના કારણે EAA ના ભાવિ કાર્યક્રમો માટે વેળાસર બૂકિંગની જરૂરિયાત નજરમાં આવી છે.
આયોજકોએ આ યાદગાર સાંજને અવિસ્મરણીય રીતે સંભવ બનાવનારા તમામ સ્પોન્સરો પ્રતિ હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરી હતી અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સ્પોન્સરોની નોંધ લેવામાં આવી હતી. સ્પોન્સરશિપ માટેનો રસ અપેક્ષા કરતાં વધુ રહેવાથી વ્યવસ્થાના કારણોસર તેમની સંખ્યાને પણ મર્યાદિત કરાઈ હતી. પ્રોત્સાહક બાબત એ છે કે મોટા ભાગના વર્તમાન અને નવા સ્પોન્સરોએ ભાવિ ઈવેન્ટ્સ માટે સપોર્ટ આપવામાં રસ દર્શાવ્યો છે.
આ યાદગાર સાંજમાં સી.બી. પટેલ, યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષાબહેન માધવાણી, હેરોના મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલ, ઈન્ટિગ્રિટી ઈન્ટરનેશનલના ટોની મથારુ, કાઉન્સિલરો મીનાબહેન પરમાર અને કાન્તિભાઈ રાબડીઆ, સુભાષભાઈ ઠકરાર OBE, જાફર કપાસી OBE અને પૂર્વ ઈસ્ટએન્ડર સ્ટાર અને હવે આર્ટિસ્ટ અને માસ્ટર ઓફ સેરિમની નીતિનભાઈ ગણાત્રા OBE સહિત વિશિષ્ટ આમંત્રિત મહાનુભાવોએ શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ, લાયકા રેડિયો અને Out and About (ઝી ટીવીનો એક હિસ્સો) સહિત અનેક અગ્રણી મીડિયા સંસ્થાઓએ ઈવેન્ટને સપોર્ટ કર્યો હતો. પોતાની વિશિષ્ટ શૈલીમાં સાંજને યાદગાર બનાવવા બદલ ધ્રૂવભાઈ ગઢવીને ખાસ બિરદાવાયા હતા. ZEE TV પર 21મી ડિસેમ્બર, રવિવારે સાંજના 5.00 કલાકે આ ઈવેન્ટનું બ્રોડકાસ્ટ કરાયું હતું. ઉપસ્થિત મિત્રોમાં લગભગ બધી કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ રહ્યું હતું, જેમના થકી ઈસ્ટ આફ્રિકામાં સાંસ્કૃતિક, ધાર્મિક અથવા સામાજિક અવરોધો વિના એક સમયે સંવાદી અને ગાઢપણે જોડાયેલા જીવનની યાદો તાજી થઈ હતી. મહેમાનો લંડન, તેમની હોમ કાઉન્ટીઝ, મિડલેન્ડ્સ તેમજ છેક યુનાઈટેડ સ્ટેટ્સથી પણ ઈવેન્ટમાં હાજરી આપવા આવ્યા હતા જે ઈસ્ટ આફ્રિકન એશિયન ડાયસ્પોરાની વૈશ્વિક પહોંચ દર્શાવે છે.
સર્વશ્રી હર્ષદભાઈ કોઠારી (સ્વાગત અને સમાપન), ટોની મથારુ, કાઉન્સિલર અંજનાબહેન પટેલ, સી.બી. પટેલ, હાઈ કમિશનર નિમિષાબહેન માધવાણી દ્વારા સંબોધનો કરવામાં આવ્યા હતા. આ સંબોધનો સાંજનું મહત્ત્વપૂર્ણ હિસ્સો બની રહેવા સાથે આયોજકોએ સંકેત આપ્યો હતો કે આગામી ઈવેન્ટ આયોજનમાં મનોરંજન અને ઊજવણી પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ઈવેન્ટના હેડલાઈન સ્પોન્સર્સ સાન્ડેઆ હોલસેલ દ્વારા ગૂડી બેગ્સ આપવામાં આવી હતી જ્યારે સિટીબોન્ડ ટ્રાવેલ અને કેન્યા એરવેઝના સહયોગથી રોમાંચક રેફલમાં પ્રથમ વિજેતાને ઈસ્ટ આફ્રિકાની બે રિટર્ન ફ્લાઈટ ટિકિટ્સ જાહેર કરવામાં આવી હતી. સિટીબોન્ડ ટ્રાવેલના સીઈઓ હિતેશભાઈ મહેતા અને કેન્યા એરવેઝના પુનીતા એબ્રેઓના હસ્તે ઈનામ વિતરણ કરાયું હતું. નીતુ શાહ અને તેમના સાથીઓના પરફોર્મન્સ સાથે આ યાદગાર સાંજમાં મ્યુઝિકની ભૂમિકા કેન્દ્રસ્થાને રહી હતી. નીતુએ લોકપ્રિય બોલીવૂડ હિટ્સ સાથે મનપસંદ સ્વાહિલી ગીતો સાથે મહેમાનોને ખુશ કરી દીધા હતા અને ઊંડા સંસ્મરણો ઉભરી આવ્યાં હતાં અને કેટલાકના માટે તો તેમના આફ્રિકન મૂળિયાંની લાગણીસભર યાદો બહાર આવી હતી.
અંગત સંદેશામાં સી.બી પટેલે કદરદાની દર્શાવતા જણાવ્યું હતું કે, ‘પ્રિય હર્ષદ, કલ્પનાશીલ અને સુનિયોજિત પ્રોજેક્ટ બદલ હાર્દિક અભિનંદન. તમારા આગોતરાં વિચાર, આયોજન તથા પ્રતિભાશાળી વ્યક્તિઓ અને એન્ટ્રેપ્રીન્યોર્સને પ્રેરણા આપવાની ક્ષમતા કાબિલેતારીફ છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ તમારી સાથે જ છે. સરસ કાર્ય.’
આમંત્રિત મહેમાન સુભાષભાઈ ઠકરાર OBEએ જણાવ્યું હતું કે, ‘હર્ષદ અને તેમની કમિટીએ યાદગાર બોલીવૂડ અને આફ્રિકન ગાયનો, સારું ભોજન અને વિચારપ્રેરક સંબોધનોથી ભરપૂર ઈવેન્ટ યોજ્યો છે. આ હવે એક જ પ્લેટફોર્મ છે જ્યાં ઈસ્ટ આફ્રિકન એશિયનો મળે છે. આ ગ્રૂપે તમામ સેકર્ટ્સમાં નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા અને સફળતા દર્શાવી છે.’
પૂર્વ સાંસદ અને જસ્ટિસ મિનિસ્ટર શૈલેષભાઈ વારાએ લખ્યું હતું કે,‘આ અમૂલ્ય ઈન્ટિશિયેટિવ માટે હર્ષદ કોઠારીને અભિનંદન. આમાં મને સૌથી સારું પાસું એ લાગ્યું કે તેમાં ઈસ્ટ આફ્રિકન એશિયન કોમ્યુનિટીના ઈતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. આ કોમ્યુનિટી પાસે અનેક દેશો તથા ખંડોને આવરી લેતી અને પરિવારોની પેઢીઓને આવરી લેતી ઘણી કહેવાલાયક દિલધડક કથાઓ છે. આજની પેઢી અને હવે આવનારી પેઢીઓ માટે તેમના પૂર્વજોએ સામનો કરવો પડેલા સંઘર્ષો, મુશ્કેલીઓ અને પડકારો તેમજ તેમના વિજયો અને સિધ્ધિઓ વિશે જાણવું વિશેષ મહત્ત્વનું છે. આ આ સંસ્થાને ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું.’
ઈન્ટિગ્રિટી ઈન્ટરનેશનલ ગ્રૂપના ટોની મથારુએ લખ્યું હતું કે, ‘યુકેને આર્થિક, પ્રોફેશનલ, સાંસ્કૃતિક અને સિવિક જીવનમાં ઈસ્ટ આફ્રિકન એશિયનોના નોંધપાત્ર યોગદાનની કદર કરવા માટે આનાથી વધુ સમયસરની કોઈ પળ ન હોઈ શકે. ઈસ્ટ આફ્રિકન એશિયન ઓર્ગેનાઈઝેશનની સ્થાપના અને નેતૃત્વ મારફત હર્ષદ કોઠારીએ ડાયસ્પોરાને એકસંપ બનાવ્યો છે અને વ્યાપક કોમ્યુનિટીઓમાં મજબૂત સપોર્ટનું નિર્માણ કર્યું છે. EAA ના સારી રીતે ભરચક ઈવેન્ટ્સની સફળતા આ વિઝનને પ્રતિબિંબિત કરે છે તેમજ ઈસ્ટ આફ્રિકન એશિયનોની ટકાઉ ઊર્જા, વૈવિધ્યતા અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને હાઈલાઈટ કરે છે.’ સંખ્યાબંધ અન્ય પોઝિટીવ સંદેશાઓ પ્રાપ્ત થયા હતા જેમાં હર્ષદભાઈ કોઠારી અને તેમની ટીમ દ્વારા કોમ્યુનિટી સંબંધો અને સહભાગી વિરાસતની જાળવણીની અનોખી પહેલની પ્રશંસા કરવામાં આવી હતી.
વર્ષ 2026માં વધુ ઈવેન્ટ્સનું આયોજન કરાયું છે. જેઓને રસ હોય તેમને [email protected] પર હર્ષદભાઈ કોઠારીનો સંપર્ક સાધવા અને www.eastafricanasians.com પર રજિસ્ટ્રેશન કરાવવાનો અનુરોધ છે.
તસવીર સૌજન્યઃ
રાજ બકરાણીઆ - PR Mediapix
પૂર્વ આફ્રિકન એશિયન સમુદાયના ગૌરવવંતા વારસાની ઉજવણી
મને મારા પરિવાર સાથે 'ઈસ્ટ આફ્રિકન એસોસિએશન' (EAA) ના કાર્યક્રમમાં હાજર રહેવાની તક મળી, જે મારા માટે આનંદની વાત છે. શ્રી હર્ષદભાઈ કોઠારીની આગેવાનીમાં યોજાયેલો આ પ્રસંગ ખૂબ જ પ્રેરણાદાયી હતો, જેમાં પૂર્વ આફ્રિકન એશિયન સમુદાયના ઈતિહાસ અને તેમના વર્ષો જૂના વારસાની ઉજવણી કરવામાં આવી.
મને એ જાણીને ખૂબ ગમ્યું કે EAAનું કામ માત્ર સંસ્કૃતિને સાચવવાનું જ નથી, પણ તે આપણને એકબીજા સાથે જોડવાનું અને આપણા ઈતિહાસ પર ગર્વ લેવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઘણા વર્ષો પછી સમુદાયના જૂના મિત્રો અને જાણીતા લોકોને ફરી મળીને મને ખૂબ આનંદ થયો.
આ કાર્યક્રમ મારા માટે ખાસ છે કારણ કે મારો પરિવાર પણ આ વાર્તાનો એક ભાગ છે. 55 વર્ષ પહેલાં, અમે અમારા જન્મસ્થળ 'કેન્યા'ને છોડીને યુકેમાં જીવનની નવી શરૂઆત કરી હતી. અમે અમારી સાથે ઈસ્ટ આફ્રિકાનો એ જ ઉત્સાહ, સંસ્કૃતિ અને મજબૂત મનોબળ લઈને આવ્યા હતા જે આજે પણ અમારી સાથે છે.
હું EAAને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારા સમયમાં પણ અમારા સંપૂર્ણ સહકારની ખાતરી આપું છું. આપણો વારસો એ માત્ર યાદ રાખવાની વસ્તુ નથી, પણ તે આપણે રોજ જીવીએ છીએ અને આપણી નવી પેઢીને આપીએ છીએ.
આ પ્રસંગે મને એક વિચાર આવ્યો: "આ કાર્યક્રમે મને યાદ અપાવ્યું કે આપણો વારસો આજે પહેલાં કરતાં વધુ જરૂરી અને મહત્વનો છે—તે આપણને એકબીજા સાથે જોડે છે અને નવી પેઢીને પ્રેરણા આપે છે."
સાથે જ, હું 'કેન્યા એરવેઝ'ના પુનીતા એબ્રિઓનો આભાર માનું છું. તેમણે આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈને રફલ ડ્રોના વિજેતાઓ માટે પૂર્વ આફ્રિકાના કોઈપણ સ્થળની બે ઈકોનોમી ક્લાસ ટિકિટ આપીને સુંદર સહયોગ આપ્યો. આપણે બધા મળીને એવા સમુદાયની ઉજવણી કરીએ, જેનું કામ આવનારી પેઢીઓ માટે કાયમ પ્રેરણા બન્યું રહેશે.
- હિતેશ મહેતા, ડિરેક્ટર, સિટીબોન્ડ ટ્રાવેલ

