2026ના આગમનની સાથે સમગ્ર વિશ્વમાં બદલાઇ રહેલી ભૂરાજકીય સ્થિતિએ ભલભલા નિષ્ણાતોને માથું ખંજવાળતા કરી દીધાં છે. નવા વર્ષના પ્રારંભની સાથે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને એક પછી એક આંચકા આપી રહ્યાં છે. વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોનું અપહરણ કરીને અમેરિકાના ડિટેન્શન સેન્ટરમાં કેદ કરી દીધાં છે તો બીજીતરફ ગ્રીન લેન્ડ પર કબજો જમાવવા હાકલા પડકારા કરી રહ્યાં છે. સૌથી ધ્યાન કેન્દ્રિત કરનારી બાબત એ છે કે વેનેઝુએલાના ગાઢ મિત્ર ગણાતા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને આ મામલામાં અત્યાર સુધીમાં કોઇ હરફ પણ ઉચ્ચાર્યો નથી. રશિયા તરફથી ઔપચારિકતા પુરતું ટ્રમ્પના પગલાંનો વિરોધ કરતું એક માત્ર નિવેદન જારી કરીને સંતોષ માની લેવાયો છે.
સવાલ એ પણ છે કે શું પુતિન અમેરિકા સામે નબળા પૂરવાર થઇ રહ્યાં છે કે પછી એક સમજી વિચારેલી વ્યૂહરચના અંતર્ગત આગળ વધી રહ્યાં છે. પહેલાં સીરિયામાં રશિયા તરફી પ્રમુખ બશર અસદને અમેરિકાએ પદભ્રષ્ટ કરી દેશ છોડવા મજબૂર કરી ટ્રમ્પે કઠપૂતળી સરકારની રચના કરાવી દીધી. વેનેઝુએલામાં નિકોલસ માદુરોને ઘરમાંથી ઉઠાવી લાવીને સત્તાના સમીકરણો જ પોતાના હાથમાં લઇ લીધાં અને તાજેતરના સપ્તાહમાં ઇરાનમાં ઇસ્લામિક શાસન સામે ભડકેલો જનાક્રોશ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે. આમ વૈશ્વિક સ્તરે જોઇએ તો પુતિનના 3 ગાઢ સાથી સીરિયા, વેનેજુએલા અને ઇરાન ભયાનક કટોકટીમાં સપડાયાં છે. ટ્રમ્પ કટ્ટર સામ્યવાદી એવા ક્યૂબાને પણ પોતાની શરતે સંધિ કરવા દબાણ કરી રહ્યાં છે. તેમ છતાં રશિયા અને પુતિન તરફથી ટ્રમ્પને કોઇ પડકાર આપવામાં આવી રહ્યો નથી તે અચંબો પમાડનારું છે.
એ વાતમાં કોઇ શંકા નથી કે છેલ્લા 4 વર્ષથી પુતિન યુક્રેન યુદ્ધમાં ફસાયેલા છે અને તેમની પ્રાથમિકતા પણ યુક્રેનમાં પોતાના લક્ષ્યાંકો હાંસલ કરવાની જ છે. આવી સ્થિતિમાં તેઓ અમેરિકાનો વિરોધ ટાળવા કાળજી લઇ રહ્યાં હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. તાજેતરમાં અમેરિકી કોસ્ટ ગાર્ડે રશિયન ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કરને જપ્ત કર્યું ત્યારે પણ રશિયા દ્વારા સંયમિત વિરોધ નોંધાવીને સંતોષ માની લેવામાં આવ્યો.
એ વાતમાં કોઇ શંકા નથી કે યુક્રેનમાં પુતિનને ધાર્યા પ્રમાણેની સફળતા હાંસલ થઇ શકી નથી. લશ્કરી મહાસત્તા એવો રશિયા ચાર વર્ષ પછી પણ યુક્રેનને ઝૂકાવવામાં નિષ્ફળ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ અને અમેરિકી વ્યૂહરચનાકારો પુતિનને યુક્રેનમાં વ્યસ્ત રાખીને પોતાના લક્ષ્યાંકો હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યાં છે. આર્થિક પ્રતિબંધો અને ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધે પુતિનને નબળાં તો બનાવી જ દીધાં છે. તે ઉપરાંત રશિયાના મિત્ર ગણાતા દેશો પર અમેરિકાના પ્રહારો રશિયાના વૈશ્વિક પ્રભુત્વને ઓછાં કરી રહ્યાં છે. વેનેઝુએલા અને ઇરાનનું પતન રશિયા માટે કુઠારાઘાત સમાન પુરવાર થશે.
જોકે અટકળ એવી પણ છે કે પુતિનનું ભેદી મૌન રશિયન હિતોની જાળવણી માટે છે. ગ્રીન લેન્ડ પર અમેરિકા કબજો જમાવે તો નાટો વેરવિખેર થવાની સંભાવનાઓ પ્રબળ છે. પુતિન નાટોના અંતની રાહ જોઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગ્રીન લેન્ડ અમેરિકા અને યુરોપને સામસામે લાવી શકે છે. આવી સ્થિતિમાં પુતિન અમેરિકાનો સાથ આપી યુરોપમાં પોતાનું પ્રભુત્વ વધારવાના પ્રયાસ કરી શકે છે. એક અટકળ એવી પણ ચાલી રહી છે કે વૈશ્વિક વ્યવસ્થામાં અમેરિકા, રશિયા અને ચીન ત્રણે સાથે મળીને નવો મોરચો ઊભો કરી બાકીના તમામ દેશોને કદ પ્રમાણે વેતરી નાખવાની વેંતમાં પણ હોય. વૈશ્વિક ભૂરાજકીય પરિપેક્ષ્યમાં 2026 અત્યંત મહત્વનું બની રહેશે એ વાતમાં કોઇ શંકા નથી. 1945માં બીજા વિશ્વયુદ્ધના અંત પછી જેમ વૈશ્વિક વ્યવસ્થા બદલાઇ તેવી જ રીતે વિશ્વમાં એક નવું ધ્રુવીકરણ આકાર લઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
