અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના ખાસ અતિથિ તરીકે પધારેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવીને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ (IKF) 2026નો કરાવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ પતંગ મહોત્સવ ભારત જર્મનીની મૈત્રીનું પ્રતીક બન્યો છે. બન્ને દેશના મહાનુભાવોએ પતંગ ચગાવીને ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી. વડાપ્રધાન મોદી અને ચાન્સેલર મર્ઝે પતંગ ચગાવ્યા પછી રિવરફ્રન્ટ ખાતે ખાસ તૈયાર કરાયેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદી અને મર્ઝે, પતંગ બનાવનારા કારીગરો દ્વારા તૈયાર કરાતી પતંગ બનાવવાની કળાનું જીવંત નિદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું.
ગુજરાત ટૂરિઝમ વિભાગ દ્વારા આયોજિત રંગબેરંગી આકાશી મહોત્સવમાં ચાલુ વર્ષે 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતનાં 13 રાજ્યોના 95 પતંગબાજો પોતાની અવનવા રંગો અને આકારની પતંગો સાથે ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના 12 જિલ્લાઓમાંથી 871 પતંગબાજો પણ કલાનું પ્રદર્શન કરી રહ્યા છે.

