ઢાકાઃ બાંગ્લાદેશમાં સતત હિન્દુવિરોધી હિંસાનો માહોલ છે, ત્યારે ફેની જિલ્લાના દાગનભુઈયામાં રવિવારે રાત્રે અજાણ્યા શખ્સોએ 28 વર્ષીય હિન્દુ યુવક સમીરકુમાર દાસની ચાકુ મારીને હત્યા કરી દીધી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર સમીરની હત્યા આયોજનબદ્ધ રીતે દેશી હથિયારોથી કરવામાં આવી છે. આમ બાંગ્લાદેશમાં માત્ર 23 દિવસમાં જ 8 હિન્દુ યુવાનોની હત્યા કરી દેવાઈ છે.
મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર સમીર રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે ઓટોરિક્ષા લઈને ઘરેથી નીકળ્યો હતો. મોડીરાત સુધી જ્યારે તે પાછો ન ફર્યો ત્યારે પરિવારે તેની શોધખોળ શરૂ કરી. રાત્રે લગભગ 2 વાગ્યે જગતપુર ગામના એક ખેતરમાં સ્થાનિક લોકોને તેનો મૃતદેહ મળ્યો હતો. આ પહેલાં 5 જાન્યુઆરીએ નરસિંદી જિલ્લામાં હિન્દુ દુકાનદાર શરત ચક્રવર્તી મણિની હત્યા કરાઈ હતી.
જેલમાં બંધ હિન્દુ ગાયકનો જીવ ગયો
બાંગ્લાદેશની એક જેલમાં બંધ હિન્દુ ગાયક અને સાંસ્કૃતિક કાર્યકર પ્રલય ચાકીનું સારવારના અભાવે મૃત્યુ થયું. તેમને 11 જાન્યુઆરીની રાત્રે લગભગ 9 વાગ્યે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને રાજશાહી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પ્રલય પ્રખ્યાત સાંસ્કૃતિક આયોજક અને અભિનેતા સ્વર્ગસ્થ લક્ષ્મીદાસ ચાકીના પુત્ર હતા. પ્રલય પ્રતિબંધિત આવામી લીગના જિલ્લા સાંસ્કૃતિક સચિવ હતા.

