યુ-ટર્ન બની લેબર સરકાર, 18 મહિનામાં 7 નિર્ણયમાં પીછેહઠ

Friday 16th January 2026 00:48 EST
 

સર કેર સ્ટાર્મરની સરકાર યુ-ટર્નની સરકાર બની રહી છે. 18 મહિના પહેલાં 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં સત્તારૂઢ થયેલા વડાપ્રધાન સ્ટાર્મર હાઉસ ઓફ કોમન્સમાં પ્રચંડ બહુમતી છતાં પોતાની જ પાર્ટીના બેક બેન્ચર્સના વિરોધના કારણે અત્યાર સુધીમાં વિવિધ મુદ્દે સાત વાર યુ-ટર્ન લઇ ચૂક્યાં છે. તાજેતરમાં જ શરાબ પર લદાયેલી લેવીના મામલે પબ માલિકો અને સાંસદોના દબાણના કારણે વડાપ્રધાન પીછેહઠ કરવાની ફરજ પડી રહી છે. સરકાર હવે પબ માલિકોને આર્થિક પેકેજ આપવા વિચારણા કરી રહી છે.
નોન-ડોમ સ્ટેટસ નાબૂદીના કારણે અમીરોના પલાયનથી થઇ રહેલા નુકસાનના કારણે પણ હવે સરકાર ધનવાન રોકાણકારોને આકર્ષવાના પગલાં લેવા મજબૂર બની રહી છે. ચાન્સેલર રીવ્ઝે નોન-ડોમ સુધારાના કારણે થયેલી અસરોની સમીક્ષા કરવાનો આદેશ આપવો પડ્યો છે.
લેબર સરકારના 18 મહિનાના શાસનમાં આ પહેલીવાર બની રહ્યું નથી. આ પહેલાં રીવ્ઝના પ્રથમ બજેટમાં એપ્રિલ 2026થી 1 મિલિયન પાઉન્ડથી વધુની ફાર્મ સંપત્તિઓ પર ઇનહેરિટેન્સ ટેક્સ લાગુ કરાયો હતો. ગ્રામીણ લેબર સાંસદોના બળવાના ભયથી સરકારે ક્રિસમસના બે પહેલાં થ્રેશહોલ્ડ 2.5 મિલિયન પાઉન્ડ કરવાની ફરજ પડી.
સત્તામાં આવ્યાના સાડા ત્રણ સપ્તાહમાં જ ચાન્સેલરે વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ પર સકંજો કસ્યો પરંતુ સ્થાનિક ચૂંટણીઓમાં કારમા પરાજય પછી આ નિર્ણય પણ પરત લેવાની ફરજ પડી હતી. તેવી જ રીતે પર્સનલ ઇન્ડિપેન્ડન્સ પેમેન્ટના મામલે પણ માત્ર 6 મહિનામાં સરકારને નિર્ણય બદલવો પડ્યો હતો. ગ્રૂમિંગ ગેંગની નેશનલ ઇન્કવાયરી હોય કે ટુ ચાઇલ્ડ બેનિફિટ કેપની વાત હોય લેબર સરકારને પોતાના જ નિર્ણયોમાં પીછેહઠ કરવી પડી છે.
હકીકત એ છે કે લેબર પાર્ટીની લોકપ્રિયતા તળિયે બેઠી છે. હવે તો રિફોર્મ યુકે બાદ કન્ઝર્વેટિવ પાર્ટી પણ લેબરથી આગળ નીકળી ચૂકી છે. દેશહિતમાં દવાના કડવા ડોઝ આવશ્યક હોય છે પરંતુ રાજનીતિમાં જનતાની બેરૂખી કોઇને પોષાતી નથી અને તેના કારણે જ સ્ટાર્મર સરકાર એક પછી એક યુ-ટર્ન લઇ રહી છે.


comments powered by Disqus