VYO યોજિત વિશ્વ હિન્દુ પ્રેરણા મહોત્સવમાં લાખ્ખો વૈષ્ણવો ઉમટ્યા

- કોકિલા પટેલ Friday 16th January 2026 01:55 EST
 
 

ગુજરાતની ગાયકવાડી નગરી વડોદરાના વિશાળ નવલખી મેદાનમાં વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત સપ્તાહના દિવ્ય મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખ્ખો વૈષ્ણવો ઉમટ્યા હતા. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની દિવ્ય અધ્યક્ષતામાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ગત 21 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર દરમિયાન યોજાયો હતો. આ દિવ્ય મહોત્સવ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO)ના 15 વર્ષ તથા વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત થયો હતો. વૈષ્ણવ સંપ્રદાયના આ ઐતિહાસિક મહોત્સવનો આરંભ 21 ડિસેમ્બરે બપોરે વ્રજધામ સંકુલ ખાતે છપ્પન ભોગના મનોરથના દિવ્ય આયોજન સાથે થયો હતો. બપોરે 1 વાગ્યે વડોદરાના માર્ગો પર નીકળેલી શોભાયાત્રામાં ધ્વજા-પતાકા, બેન્ડ-વાજા, ભજન મંડળીઓ, વિવિધ સાંસ્કૃતિક નૃત્યો તેમજ બાળકોની આકર્ષક વેશભૂષા સૌ માટે સવિશેષ આકર્ષણ બન્યું હતું. એ સાથે હાથી, ઘોડા સાથે હજારો વૈષ્ણવોની મેદની સાથે નીકળેલી શોભાયાત્રાએ ભક્તિ અને સંસ્કૃતિનું અનોખું દ્રશ્ય સર્જયું હતું. મહોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે ‘ભારતીય તીર્થદર્શન’ની અદ્ભૂત ઝાંખી સાથે 29થી વધુ પવિત્ર તીર્થો તેમજ 64 કુંડનું પવિત્ર જળ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ બન્યું હતું.
ભાગવત કથાના પાવન પ્રારંભ દિવસે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ શ્રીમદ ભાગવત મહાપુરાણના દિવ્ય તત્વ અને તેના જીવન ઉપયોગી અર્થનું અત્યંત ગહન અને હૃદયસ્પર્શી વિવેચન કરતાં જણાવ્યું કે, ભગવત શબ્દના દરેક અક્ષર પાછળ ઊંડો આધ્યાત્મિક અર્થ રહેલો છે. ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વં એટલે વૈરાગ્ય અને ત એટલે તપ. આ ચાર તત્વો માનવજીવનને શુદ્ધ, સંતુલિત અને સાત્વિક બનાવે છે. જેજેશ્રીએ જણાવ્યું કે ભાગવતજી ભગવાન શ્રીકૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન શ્રીકૃષ્ણ જેમ પોતાની લીલાઓ દ્વારા ભક્તોને જીવનનો માર્ગ બતાવે છે તેમ ભગવતજી શબ્દ ભાવ અને તત્વ દ્વારા માનવજીવનને સાચી દિશા બતાવે છે. જીવનમાં આવતા સંઘર્ષ, સ્મસ્યાઓ અને વ્યક્તિના જુદા જુદા સ્વભાવની કસોટી વચ્ચે સેવા, સત્સંગ અને ભગવાનમાં પૂર્ણ સમર્પણ એ સૌથી શ્રેષ્ઠ ઔષધિ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ સર્વ વેદોના સારરૂપ ગ્રંથ છે.
વૈદિક બ્રાહ્મણો દ્વારા 1008 ભગવદ પોથીપૂજન
વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહની પોથીપૂજન મહોત્સવના શુભપ્રારંભે પ્રેરણાયુક્ત 9-Pના નવરત્નોનું મહત્ત્વ સમજાવતાં પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ કહ્યું કે, પ્રેરણા, પ્રેમ, પરમાર્થ, પુરુષાર્થ, પરોપકાર, પ્રસન્નતા, પરિપક્વતા, પ્રતિક્ષા અને પ્રભુકૃપાથી આપણા જીવનને કૃતાર્થ કરીએ. આ નવરત્નો થકી આપણે આપણું જીવન સફળ બનાવવું જોઈએ.
પ્રેરણા એ જીવનની શરૂઆત છે. પ્રેરણારૂપી ઝરણું એ દરેક કાર્યના શુભ શરૂઆતનું ઉદ્ગમસ્થાન છે જેના થકી ઊર્જા, શક્તિ અને ભક્તિ દ્વારા પ્રેરણાસ્ત્રોત વહેતો રહેવાનો છે. પ્રેમ પણ એવો કે જે કર્તવ્યરૂપી પ્રેમ, ઠાકોરજી પ્રત્યેનો નિષ્કામપ્રેમ, નિઃસ્વાર્થ સેવા, પ્રેમ અને આપણા લક્ષ્યને પ્રેમ કરી જીવનમાં પુરુષાર્થ દરેક પ્રત્યે પરોપકાર ભાવના અને હંમેશા પ્રસન્નતાયુક્ત જીવનશૈલી કરતા રહીએ. દરેક કાર્યો પ્રભુ માટે કરીએ એવી ભાવના સાથે પરમાર્થને અંગિકાર કરીએ. દરેક સંજોગોમાં પરિપક્વતા રાખવી અને પ્રતિક્ષા રાખી જીવનના દરેક તબક્કે ધીરજના ફળ મીઠાં એ દ્રઢ ભાવથી શ્રીઠાકોરજીના આશીર્વાદ અને કૃપાથી બધું થઈ રહ્યું છે તે ભાવ સાથે જીવનની દરેક ક્ષણનો આનંદ લઈશું તો જ્યારે સમય આવશે ત્યારે પ્રભુ પ્રસન્ન થશે.
લાખ્ખો વૈષ્ણવો ઉમટ્યાઃનવલખી મેદાનનો મંડપ નાનો પડ્યો
ભાગવત સપ્તાહ મંગલ મહોત્સવના બીજા દિવસે VYO એજ્યુકેશનના બાળકો દ્વારા ‘જય હો શ્રીનાથજી’ અને ‘શ્રી મધુરાષ્ટકમ’ની સંગીતમય નૃત્યુની ઝાંખી કરાવતાં વિશાળ મંડપ તાળીઓ સાથે ગુંજી ઊઠ્યો હતો. જેજેશ્રીએ જણાવ્યું કે, શ્રીમદ ભાગવતના 12 સ્કંદ એટલે ભગવાનના 12 અંગ જ છે. દરેક સ્કંદ પ્રભના એકએક અંગ સમાન છે. શ્રીમદ વલ્લભચાર્યજીએ ભારતના દરેક ખૂણે ખૂણે પોતાના પ્રિય ગ્રંથ શ્રીમદ ભાગવત ગ્રંથનું રસપાન કરાવ્યું હતું ત્યાં આજે સુંદર બેઠકજી બિરાજે છે અને અહીં ભારતભરમાં વૈષ્ણવો ઝારીચરણ સ્પર્શ તથા શ્રીપ્રભુને ભોગ ધરાવીને આનંદ લે છે. શ્રીમદ ભાગવત ગ્રંથનું રસપાન કરીએ ત્યારે જીવનનું કલ્યાણ, ઉત્કર્ષ, ઉન્નતિ, સત્ય પ્રેરણા, ભક્તિમય, કૃષ્ણમય અને આનંદમય જીવન થઈ જાય છે. દરેક તીર્થો ભાગવતમાં સમાયેલા છે. દરેક તીર્થો ભાગવતમાં એકત્રિત થયાં છે. જેજેશ્રીએ પ્રથમ સ્કંદમાં જણાવ્યું કે આ જગતનું સર્જન કરનાર શ્રીકૃષ્ણ સ્વયં જ છે તથા વેદનો શબ્દાર્થ અને ભાવાર્થનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, વેદનું બીજ એટલે ગાયત્રી મંત્ર વિશે જેજેશ્રીએ કહ્યું કે 24 અક્ષરના ગાયત્રી મંત્રમાં 24 અવતાર છે. ગાયત્રી એ બ્રહ્મનું નામ છે. જેજેશ્રીએ એક સરસ સંદેશ આપતાં કહ્યું કે આપણે આપણા જીવનના દરેક નિર્ણયો બુદ્ધિથી લઈએ છીએ એટલે આપણે આપણી બુદ્ધિને સત્સંગ, જ્ઞાન દ્વારા પરિપક્વ અને સદવિચારયુક્ત બનાવવા જોઈએ. વ્યસનમુક્તિ માટે પણ સ્વયંબુદ્ધિ પર અંકુશ હોવો જરૂરી છે.
પૂ. વ્રજરાજકુમાર મહોદયશ્રી (જેજેશ્રીએ) જણાવ્યું કે ત્રિભુવનના સુંદર જગતનું નિર્માણ કરનાર ભગવાનનું દરરોજ ધ્યાન કરીએ જેથી બ્રહ્માંડના સર્જક દ્વારા આપણી બુદ્ધિ અને મનનું નિયંત્રણ શક્ય થઈ શકે આપણે બુદ્ધિ અને મનને શ્રીઠાકોરજીના ચરણોમાં રાખવી જોઈએ. સેવા, સત્સંગ, જપપાઠ, હરિનામ સંકિર્તન દ્વારા બુદ્ધિ અને મનમાં સુંદર વિચારો ગ્રહણ કરીને સત્ય તરફ જઈને શ્રીકૃષ્ણની અનુભૂતિ કરીએ. આપણે ઈર્ષાને મનમાંથી દૂર કરીએ તો ભગવાનનો વિચાર આવશે અને હૃદય શુદ્ધ થશે ત્યારે શ્રીકૃષ્ણ સ્વયં આપણા હૃદયમાં બિરાજમાન થશે.
સત્સંગમાંથી જે શાંતિ મળશે એવી શાંતિ દુનિયાના કોઈપણ એન્ટરટેઈન્ટમેન્ટમાંથી નહીં મળે. જીવનમાં ખોટી અપેક્ષા ના રાખવી કારણ કે અપેક્ષા એ સૌથી મોટું દુઃખ છે. ઘરે બિરાજતા ઠાકોરજી જ સાક્ષાત છે એમાં ક્યારેય શંકા ના રાખવી. આજના આધુનિક યુગમાં મોબાઈલ પર નિયંત્રણ અતિ જરૂરી છે. એવો જેજેશ્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો.
VYO એજ્યુકેશનના બાળકોના નૃત્યસંગીત
વિશ્વભરમાં વૈષ્ણવ યુથ ઓર્ગેનાઈઝેશન હેઠળ હજારો યુવાન બાળકોમાં હિન્દુ સંસ્કાર – સંસ્કૃતિનું સંવર્ધન થઈ રહ્યું છે. વિશ્વ હિન્દુ પ્રેરણા મહોત્સવના ત્રીજા દિવસે VYO એજ્યુકેશનના બાળકોએ પૂજ્ય જેજેશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સ્વમુખે ગવાયેલ ‘શ્રી યમુના યમુના’ અને ‘છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ’ના મધુરસંગીત સાથે સભામંડપમાં નૃત્યુ કર્યું ત્યારે સભામંડપ ‘જય યમુને મહારાણી’ અને ‘જય શ્રીકૃષ્ણ’ના જયઘોષથી વાતાવરણ ગાજી ઉઠ્યું હતું. જેજેશ્રીએ જણાવ્યું કે, ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ મહામંત્રના મહાજાપ કરવાથી સર્વ દોષો દૂર થાય છે તેમજ મન અને ચિત્ત નિર્મળ બને છે.
ઘર છોડ્યા સિવાય પ્રભુને પ્રાપ્ત કરી શકે અને પ્રભુમાં મન લગાડીને પ્રભુપ્રાપ્તિનો આનંદ લેવો હોય તો એક જ નિષ્કામ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ પુષ્ટિમાર્ગ છે. આત્મકલ્યાણના માર્ગ માટે નવરત્નોના આભૂષણરૂપે જણાવ્યું કે ધર્મનું પાલન કરવું, પ્રારબ્ધમાં સંતુષ્ટ રહેવું, ગુરુજનના ચરણની પૂજા કરવી, વિષયવાસના વસ્તુથી દૂર રહેવું, મનવાણીથી કોઈ જીવને હેરાન ન કરવા, આવશ્યક સિવાયની વધુ વસ્તુઓનો ત્યાગ કરવો, પ્રભુસેવા સત્સંગ કરવો અને મૌન રાખી પ્રભુનું ધ્યાન કરવું. પ્રભના ચરણારવિંદનો રંગ શ્યામ છે જે શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, પ્રભુના ચરણારવિંદનો નીચેનો ભાગ લાલયુક્ત છે. જે શ્રી સરસ્વતીજીનું સ્વરૂપ છે, પ્રભુના ચરણારવિંદના નખ શ્વેત છે જે શ્રી ગંગાજીનું સ્વરૂપ છે. પ્રભુના ચરણારવિંદમાં શ્રી યમુનાજી, શ્રી ગંગાજી અને શ્રી સરસ્વતીજીનો ત્રિવેણીસંગમ છે એટલે કે પ્રભુનું ચરણારવિંદ પ્રયાગ તીર્થ સમાન છે એટલે પ્રભુના ચરણારવિંદમાં સતત નમન કરતાં રહેવું જોઈએ.
ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અંતર્ગત 1008 પોથીપૂજન અને નંદ મહોત્સવ પ્રસંગે શ્રી વલ્લભકુલભૂષણ પરમપૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ જણાવ્યું કે નંદ મહોત્સવ આનંદ અને ઉત્સાહનો મહાન ઉત્સવ છે. જેજેશ્રીએ જણાવ્યું કે, કલિયુગમાં સંગઠન જ સાચી શક્તિ છે. ભલે વિચારો અલગ હોય, પરંતુ સમાજની સુરક્ષા અને સંરક્ષણ માટે સંગઠિત થવું અત્યંત જરૂરી છે. આ ઐતિહાસિક પ્રેરણા મહોત્સવમાં દ્વારકાપીઠના શંકરાચાર્યજીએ આશીર્વચન પાઠવ્યા હતા, સાથે વાક્પતિ પીઠાધીશ્વર મથુરેશ્વરજી મહારાજશ્રી અને યોગેશ્વરજી મહોદયશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જીવનમાં સફળ થવા માટે જેજેશ્રીએ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત આપ્યો. ના નડવું, ના લડવું અને ના અડવું. જો આપણે કોઈને નડીશું તો કર્મના સિદ્ધાંત મુજબ આપણા કાર્યમાં પણ કોઈને કોઈ અવરોધ ઊભો થશે. જો કોઈ સારા કાર્યમાં આપણે તન કે ધન આપી શકતા ના હોઈએ તો મનથી શુભકામનાઓ તો આપી જ શકીએ. ભગવાન ત્યાં છે જ્યાં પ્રેમ, ઉદારતા અને પરોપકાર છે. મનનો ભાવ સામેની વ્યક્તિને અસર કરે છે. જો આપણે કોઈ માટે ખરાબ ભાવ રાખીએ તો અંતે દુઃખી આપણે જાતે જ થવાનું છે. જીવનમાં આગળ વધવા માટે જેજેશ્રીએ ગમ ખાવ પણ કામ વધુ કરોનો સિદ્ધાંત અપનાવવાની સલાહ આપી. શ્રી વ્રજરાજમહોદયશ્રીએ આ સાથે સમુદ્રમંથનનું સરળ ભાષામાં સુંદર વર્ણન કર્યું. શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીએ કહ્યું કે, આજના સમયમાં શક્તિ સંગઠનમાં જ છે. VYOના કાર્યકર્તાઓએ પાંચ કરોડ વૈષ્ણવોને સંગઠિત કરવાનો ઐતિહાસિક રેકોર્ડ કરી બતાવ્યો તે બદલ સૌને અભિનંદન.
ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ
વલ્લભકૂળના આચાર્યો સહિત સર્વધર્મના સંતોની હાજરી
શ્રીમદ ભાગવત કથાના પાંચમા દિવસે વૈષ્ણાવાચાર્ય પૂ.શ્રી. ધ્રુમિલકુમારજી મહોદયશ્રી, વાક્પતિ પીઠાધિશ્વર મથુરેશ્વરજી મહારાજશ્રી, યોગેશ્વરજી મહોદયશ્રી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ મંદિરના શ્રી રાકેશપ્રસાદ મહારાજશ્રી, અનુપમ મિશનના શ્રી જશભાઈ સાહેબે ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. સાથે સાથે ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા. પુષ્ટિ સંપ્રદાયને વ્રજરાજકુમારજીનું નેતૃત્વ મળ્યું છે જે ગૌરવ લઈ શકાય એમ અમિતભાઈ શાહે કહ્યું હતું. ઉપસ્થિત વિશેષ મહાનુભાવોએ જણાવ્યું કે, વ્રજરાજકુમાર મહોદયશ્રી આપ વલ્લભકૂળ પરિવારનું ગૌરવ છો સાથે સનાતન હિન્દુ ધર્મનું ગૌરવ પણ છો તેમજ રાષ્ટ્રનું ગૌરવ પણ છો. VYO ભારત પૂરતું જ નહીં પણ વૈશ્વિક લેવલ પર કાર્ય કરતી સંસ્થા છે એમ અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરાહના કરતાં કહ્યું.
નવલખી મેદાનમાં ભવ્યાતિભવ્ય પ્રેરણા મહોત્સવ મંડપમાં એક લાખથી વધુ વૈષ્ણવો બેસી ભાગવત કથાનું શ્રવણ કરતાં હતાં અને મંડપની બંને બાજુએ 1008 ભગવદ પોથીપૂજન સાથે બ્રાહ્મણો વૈદિક મંત્રો સાથે પૂજા કરાવતા હતા. કથાના છઠ્ઠા દિવસે જેજેશ્રીએ ગોવર્ધન લીલા અને રાસોત્સવની સુંદર અનુભૂતિ કરાવી હતી. જેજેશ્રીએ જણાવ્યું કે, જીવનમાં ક્યારે જો વિપત્તિ કે દુઃખ આવી પડે તો શ્રીઠાકોરજી પાસે એમ માંગવું કે વિપત્તિ કે કષ્ટ આપનાર આપ જ છો અને આપ જ આવેલ દુઃખને આનંદ અને સુખમાં પરિવર્તન કરાવશો. જો માંગવું પડે તો શ્રી ગિરિરાજજી કે યમુનાજી પાસે માંગવું કે તેમની માનતા રાખવી અને તેમનો આશ્રય લેવો જ સર્વશ્રેષ્ઠ છે. 5000 વર્ષ પૂર્વે શ્રી ગિરિરાજજી પ્રભુ વ્રજમાં પધારતા ત્યારે ગોવર્ધન શીલામાં આપશ્રીના ચરણારવિંદ છપાઈ જતા હતા. ભગવાનના સાક્ષાત મુખારવિંદનું સ્વરૂપ પણ સાથે જ બિરાજ છે. અને આ અલૌકિક સ્વરૂપના શ્રી વ્રજધામ હવેલીમાં વૈષ્ણવો દર્શન કરી અને પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે.
શ્રી ગોવર્ધન લીલાની અલૌકિક ઝાંખી કરાવતા જેજેશ્રીએ જણાવ્યું કે ગોવર્ધન લીલામાં સૌપ્રથમ વ્રજવાસીઓએ ગોવર્ધનજીની પૂજા અને ભક્તિ કરી ભોગ ધરાવ્યો. પછી જ વિપત્તિ આવી પરંતુ વ્રજવાસીઓએ ભગવાનનો આશરો છોડ્યો નહીં એટલે જ સાક્ષાત ભગવાનને દરેક વ્રજવાસીઓ પશુ અને પંખી દરેકનું રક્ષણ કરવા સ્વયં પધારવું પડ્યું. આ પ્રસંગે જેજેશ્રી વ્રજરાજકુમારજીએ સંદેશ આપ્યો કે આપણે આપણા ઈષ્ટદેવ અને હરિગુરુ ઉપર કદી અવિશ્વાસ ના કરવો, સદાય તેમના પર ભરોસો રાખવો.
જેજેશ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીએ આજની યુવા પેઢીને સંબોધતાં કહ્યું કે આજના આ યુગમાં બાળકોને મિકી માઉસ કે અન્ય ટેડી ના આપતાં શ્રીકૃષ્ણનું ટેડી આપીએ તો શ્રીકૃષ્ણમાં કનેક્શન થશે અને આ બાળક તેની દરેક દિનચર્યા કે અભ્યાસ કે રમત વખતે આ કૃષ્ણ ટેડીને સાથે રાખશે એટલે કે શ્રીકૃષ્ણના ચરિત્રની દરેક કથાઓથી તે માહિતગાર થશે અને મોટા થઈને હિન્દુ તીર્થનું મહત્ત્વ સમજશે અને ભગવાન પ્રત્યે તેમની આસ્થા કાયમ બની રહેશે.
શ્રી ઠાકોરજીએ આપણા ઉપર કૃપા કરવા સેવા આપી છે. શ્રી ઠાકોરજી ઘરે પધારતાં આપણું ઘર વ્રજ બનશે. વૈષ્ણવોને આંતરરાષ્ટ્રિય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનમાં જોડાવા માટે જેજેશ્રીએ આહવાન કર્યું હતું અને કહ્યું કે VYO દ્વારા અનેક પ્રકલ્પો, પ્રસાર, પ્રચાર અને સેવાના મહોત્સવ માટે એકલા વ્રજરાજકુમારજીનું કામ નથી, આપ સૌ વૈષ્ણવોનો સાથ જોઈએ. દરેક વૈષ્ણવોએ પુષ્ટિ સંપ્રદાય માટે કામ કરવું પડશે અને મારા ધર્મ માટે હું મારું વધુમાં વધુ યોગદાન તન, મન અને ધનથી આપીશ એનું ગૌરવ થવું જોઈએ.
પ્રેરણા મહોત્સવના પ્રસંગે વિશેષમાં જેજેશ્રીએ જણાવ્યું કે વડોદરામાં ભારતના દરેક તીર્થનું જલ અહીં પધરાવવામાં આવ્યું છે એટલે સાક્ષાત યમુનાજી, શ્રી ગંગાજી અને શ્રી સરસ્વતીજી વડોદરાની પાવન ભૂમિ પર પધાર્યા છે અને અહીં જ પ્રયાગરાજના ત્રિવેણી સંગમના દર્શન કરવાનું સૌને સૌભાગ્ય સાંપડ્યું છે.
પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા કથામંડપમાં વહેલી સવારે છ વાગ્યે સર્વે વૈષ્ણવોને ધ્યાન, મેડિટેશન કરાવવામાં આવ્યું હતું. જેજેશ્રીએ જણાવ્યું કે, ધ્યાન ધરવાથી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. આપણા શરીર ચક્ર બેલેન્સિંગ માટે ‘લાઈફ બ્લીસ’ મેડિટેશન દરેક જગ્યાએ કરવામાં આવશે. ‘સ્ટ્રેસ ફ્રી વર્લ્ડ’ તરફ આવું કાર્ય પુષ્ટિમાર્ગના ઈતિહાસમાં સર્વપ્રથમ જેજેશ્રી દ્વારા કરવામાં આવ્યું છે.
જેજેશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાત્મક દિવ્ય વાણીથી યુવા ભક્તોએ કથાશ્રવણ કરીને સત્સંગ દ્વારા શુદ્ધ તત્વની પ્રાપ્તિની અનુભૂતિ કરી હતી અને પોતાના હૃદયના અંદરના ભાવને ઊજાગર કરી આ પ્રેરણા મહોત્સવ થકી જીવનને નવી દિશામાં સનાતન ધર્મના કાર્યો સાથે પુષ્ટિમાર્ગમાં જોડાવવા પ્રેરણા ઉત્પન્ન થઈ હતી. શ્રી આધ્યાત્મિક સંકુલમાં બિરાજતાં ઠાકોરજી સમક્ષ 300થી વધુ વૈષ્ણવ યુવાઓને જેજેશ્રીએ બ્રહ્મસંબંધ આપ્યો હતો. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના માધ્યમથી પુષ્ટિમાર્ગીય સેવા, સત્સંગ, હરિનામ સંકીર્તન, ભક્તિ, ધ્યાન દ્વારા આર્થિક સેવા વગેરે દ્વારા VYO ઈન્ટરનેશનલને દેશવિદેશમાં પ્રચાર-પ્રસાર કરવા કટિબદ્ધ થયા છે. વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં જેજેશ્રીના વરદ હસ્તે જગતગુરુ શ્રીમદ્ વલ્લભચાર્યજીના કૃપાપાત્ર 84 વૈષ્ણવોની વાર્તાજીના જીવનચરિત્ર તેમની સેવાપ્રણાલી તથા શ્રી ઠાકોરજી પ્રત્યે તેમના પ્રેમભાવના વાર્તાજીનું સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં સચિત્ર ‘વૈષ્ણવ વાર્તાજી’નું VYOના સ્થાપક શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના વરદહસ્તે વિમોચન કરાયું હતું. આ નવ દિવસીય વિશ્વ હિન્દુ પ્રેરણા મહોત્સવમાં 15 લાખ હિન્દુ વૈષ્ણવોએ ભાગ લીધો હતો.


comments powered by Disqus