ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે જેન-ઝી, વિપક્ષ, વકીલો અને વિદ્યાર્થીઓ દિલ્હીની સડકોને ઘમરોળી રહ્યાં છે ત્યારે દશકોથી દેશના સર્વોચ્ચ લોકતાંત્રિક સ્તંભોમાંથી એક તરીકે અડીખમ એવા ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ગંભીર કુઠારાઘાત થયો છે. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક ઉત્સવને નિષ્પક્ષતા અને સુચારુ વહીવટી કુશળતાથી યોજવા બદલ તેણે દેશ અને વિદેશમાં અપાર પ્રશંસા મેળવી છે પરંતુ હવે આ સંસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. ચૂંટણી પંચ આજે એવા વિવાદોના વંટોળમાં ઘેરાયેલું છે જે લોકશાહીની મૂળભૂત પ્રક્રિયા પ્રત્યે જનતાના વિશ્વાસને ડગમગાવી રહ્યા છે.
સંસ્થાકીય નબળાઈના આ વાતાવરણે પંચના વહીવટી નિર્ણયો પર વધુ આશંકાઓ જન્માવી છે. ભારતીય ચૂંટણી પંચની એસઆઇઆર સહિતની કવાયતોમાં 13 કરોડ જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી બાકાત થતાં મોટો હોબાળો મચ્યો છે. તેના કારણે અગાઉ યોજાયેલી બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામ સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પર પણ સવાલો ઊભા થયા છે.
આ વર્તમાન વિવાદના કેન્દ્રમાં સંસ્થાની સ્વાયત્તતાનો મહત્વપૂર્ણ મુદ્દો છે. કોઈપણ બંધારણીય લોકશાહીનો પાયો એ છે કે તેની ચૂંટણી સંસ્થા સરકારી પ્રભાવથી સંપૂર્ણપણે મુક્ત હોવી જોઈએ. તેમ છતાં ચૂંટણી કમિશ્નરોની નિમણૂક માટેના વૈધાનિક માળખા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. વર્ષ 2023ના પ્રારંભમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે ચૂંટણી પંચની સંસ્થાકીય તટસ્થતા જાળવવા માટે વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિએ ચૂંટણી કમિશ્નરોની પસંદગી કરવી જોઈએ. પરંતુ ત્યારપછીના કાયદાકીય સુધારા દ્વારા મુખ્ય ન્યાયાધીશના સ્થાને એક કેન્દ્રીય કેબિનેટ મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો જેનાથી પસંદગી સમિતિમાં શાસક પક્ષને કાયમી બહુમતી મળી ગઈ. ભારત સરકાર દ્વારા લેવાયેલા આ પગલાને કારણે ચૂંટણી કમિશ્નરોની નિયુક્તિ જ સવાલોના ઘેરામાં આવી ગઇ હતી. ટીકાકારો તર્ક છે કે આ ફેરફાર ચૂંટણી પંચની સ્વાયત્તતા પર પ્રહાર કરે છે અને એક નિષ્પક્ષ પંચને શાસક પક્ષની વગ હેઠળ લાવી દે છે. ચૂંટણી પંચને જ પક્ષપાતી દ્રષ્ટિકોણથી જોવામાં આવે, ત્યારે ચૂંટણી સમયપત્રકથી લઈને પ્રચારના નિયંત્રણો સુધીનો દરેક નિર્ણય વિવાદનું કારણ બની જાય છે.
સામાન્ય રીતે ચૂંટણી પંચમાં સર્વસંમતિ અથવા તો બહુમતીથી નિર્ણય લેવાતા હોય છે પરંતુ તાજેતરના એક અખબારી અહેવાલમાં આરોપ મૂકાયા હતા કે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે અન્ય બે કમિશ્નરોના વાંધા અને વિરોધ છતાં મનમાન્યા નિર્ણયો લીધા હતા. ભારતના ચૂંટણી પંચે આ આરોપો નકારી કાઢ્યા પરંતુ ઉપરછલ્લા બચાવને કારણે તેની વિશ્વસનીયતા વધુ સવાલોના ઘેરામાં આવી ગઇ હતી. ફોર્મ 6માં સુધારા અંગે મંજૂરી આપ્યાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધા બાદ તો આ વિવાદ વધુ ઉગ્ર બની ગયો હતો. સ્પષ્ટ સંવાદ અને પારદર્શિતાના અભાવે શંકાઓ વધુ ઘેરી બને છે. આજના અત્યંત ધ્રુવીકૃત રાજકીય વાતાવરણમાં પારદર્શિતા પ્રત્યક્ષ રીતે દેખાવી જરૂરી છે.
વિશ્વાસની આ ઉણપના પરિણામો અત્યંત ગંભીર છે. લોકશાહીની પવિત્રતા આખરે એ વિશ્વાસ પર ટકેલી છે કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે ન્યાયી અને નિષ્પક્ષ છે. જ્યારે નાગરિકો કે રાજકીય પક્ષો પંચની ભૂમિકા પર શંકા કરવા લાગે છે ત્યારે સમગ્ર લોકતાંત્રિક પરિણામોની માન્યતા નબળી પડે છે.
આ ગુમાવેલો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે વ્યાપક સુધારા અનિવાર્ય છે. સર્વસંમતિ ધરાવતી અને સરકારી વર્ચસ્વથી મુક્ત એવી પસંદગી પ્રક્રિયા પ્રથમ મહત્વનું પગલું છે. આ ઉપરાંત પંચે આદર્શ આચારસંહિતાનું સમાન રીતે અમલીકરણ કરીને, તમામ હિતધારકો સાથે ખુલ્લો સંવાદ સાધીને અને ટેકનિકલ આશંકાઓનો પારદર્શક જવાબ આપીને પોતાની સાચી નિષ્પક્ષતા સાબિત કરવી પડશે.
