ભારતીય આઇટી કંપનીઓ સામે કાર્યવાહી રાજકીય ગતકડું...

Wednesday 14th October 2026 06:27 EDT
 

મિડ-ટર્મ ચૂંટણીઓ નજીક આવતાં જ અમેરિકી રાજકારણમાં એક પરિચિત તમાશો જોવા મળે છે. તેમાં પણ ભારતીય સહિતના હાઇલી સ્કિલ્ડડ ઇમિગ્રન્ટ વર્કર્સને લક્ષ્યાંક બનાવતી કડક નીતિઓ જેટલો લોકપ્રિય રાજકીય દાવ બીજો એકેય નથી. ભારતીય આઈટી કંપનીઓ સામે તાજેતરમાં કાર્યવાહી આ જ પરંપરાગત પેટર્નમાં બરાબર બંધ બેસે છે. સ્થાનિક અમેરિકનોના રોજગારનું રક્ષણ કરવા અને વેતનમાં થતો ઘટાડો અટકાવવાના કહેવાતા ઉચ્ચ આદર્શો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો દાવો થાય છે પરંતુ એમ લાગી રહ્યું છે કે તેની પાછળનો વાસ્તવિક હેતુ મિડ ટર્મ ચૂંટણી ટાણે અમેરિકન મતદારોને આકર્ષવાનો છે.
દાયકાઓથી ભારતીય આઈટી કંપનીઓએ અમેરિકામાં એક મહત્વપૂર્ણ આધારસ્તંભ તરીકે કામ કર્યું છે, ટેકનોલોજી ક્ષેત્રે ટેલેન્ટેડ કર્મચારીઓની અછત પૂરી કરી છે. છતાં ચૂંટણીના વાતાવરણમાં આ નિર્ભરતાને પ્રોટેક્શનિસ્ટ એંગલથી રજૂ કરવામાં આવે છે. એચ-વનબી વિઝા ફાળવણીની આકરી તપાસ કરવી, પીઇઆરએમ લેબર સર્ટિફિકેશન પ્રક્રિયાઓનું ઓડિટ કરવું અને ઓફશોરિંગ કામગીરી પર દંડ ફટકારવો જેવાં તમામ પગલાં દ્વારા રાજકારણીઓ સ્થાનિક અમેરિકનોના રોજગારની સુરક્ષા માટે પોતે મક્કમ હોવાનો દેખાવ કરે છે. આ પરિસ્થિતિમાં ભારતીય આઈટી કંપનીઓ એક સરળ નિશાન બની જાય છે, કારણ કે તેઓ આર્થિક રીતે પ્રભાવશાળી અને આસાનીથી નજરે ચડે તેવી છે.
ઓફશોર ટેકનોલોજી કંપનીઓને અમેરિકી મધ્યમ વર્ગની તકો છીનવી લેતી સંસ્થાઓ તરીકે ચિતરીને રાજકારણીઓ એક જૂનો અને જાણીતો પોપ્યુલિસ્ટ દાવ રમે છે. વહીવટી અડચણો ઊભી કરવી કે સખત ઓડિટની ધમકી આપવી એ ચિંતાતુર મતદારોને ઉશ્કેરવા માટે જ હોય છે. આ પગલાંથી એક એવો સંદેશ જાય છે કે સરકાર અમેરિકન કામદારોના હિતો માટે કામ કરી રહી છે પરંતુ વાસ્તવમાં અમેરિકાના પોતાના સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેડિસિન શિક્ષણ કે તાલીમમાં માળખાકીય સુધારા કરવાની જરૂર છે.
અમેરિકાની ભારતીય આઈટી ક્ષમતાઓ પરની નિર્ભરતા અમેરિકાના સ્થાનિક ટેલેન્ટમાં રહેલી ગંભીર મર્યાદાઓને કારણે છે. એકવાર મતદાન પૂર્ણ થઈ જાય અને રાજકીય ધૂળ બેસી જાય, એટલે વ્યાવહારિક આર્થિક જરૂરિયાતો આ પ્રચારના ઘોંઘાટને શાંત કરી દે છે. ચૂંટણી પહેલાં તલવારો ખેંચવી અને ચૂંટણી પછી શાંતિથી વ્યવહારુ સમાધાન કરી લેવું એ દર્શાવે છે કે આવી નીતિઓનું મૂળ સત્ય શું છે. ભારતીય આઈટી ક્ષેત્ર પર વધેલી તવાઇ કોઈ માળખાકીય સુધારા માટે નથી પરંતુ ટૂંકા ગાળાના રાજકીય લાભ માટે છે. ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી આ પગલાં ભલે મોટા સમાચાર બને અને મતો મેળવી આપે પરંતુ સિલિકોન વેલી અને ભારતીય આઈટી સેન્ટરો વચ્ચેનું પરસ્પર આર્થિક નિર્ભરતાનું બંધન ચૂંટણી ચક્ર કરતાં વધુ ટકાઉ અને મજબૂત સાબિત થશે.


    comments powered by Disqus