લોર્ડ ભીખુ પારેખ દ્વારા દુર્લભ અને અમૂલ્ય પુસ્તકોનું નવરચના યુનિવર્સિટીને દાન

Wednesday 14th October 2026 08:15 EDT
 
 

વડોદરાઃ પ્રખ્યાત રાજકીય વિશ્લેષક-થીઅરિસ્ટ અને જેમના કાર્યે બહુસાંસ્કૃતિકવાદ પર બ્રિટનની ચર્ચાને આકાર આપવામાં મદદ કરી તેવા લેબર ઉમરાવ લોર્ડ ભીખુ પારેખે તેમના જીવનભરના સંગ્રહમાંથી 1800થી વધુ દુર્લભ અને અમૂલ્ય પુસ્તકોનું ભારતના ગુજરાતમાં વડોદરાસ્થિત નવરચના યુનિવર્સિટીને દાન કર્યું છે. આ પુસ્તકો યુનિવર્સિટી લાઈબ્રેરીના સમર્પિત વિભાગ ‘લોર્ડ ભીખુ પારેખ સ્ટડી’માં રાખવામાં આવ્યા છે. લોર્ડ ભીખુ પારેખના મુખ્ય મહેમાનપદે આ વિભાગનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં તેમના પરિવારજનો, યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ, વિદ્વાનો તેમજ વડોદરા અને આસપાસની યુનિવર્સિટીઓમાંથી અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લોર્ડ પારેખે તેમની એકેડેમિક કારકિર્દી દરમિયાન 3000થી વધુ પુસ્તકો સાથે અંગત લાઈબ્રેરી ઉભી કરી હતી. તેમના સંગ્રહમાં ધર્મ અને આધ્યાત્મિકતા, રાજકારણ અને લોકશાહી, સાહિત્ય, કળા અને મીડિયા, ભારતીય વિચાર અને ગાંધી, ઈતિહાસ અને આંતરરાષ્ટ્રીય બાબતો, નીતિશાસ્ત્ર, કાયદો અને સમાજ તેમજ સોશિયલ સાયન્સીસના પુસ્તકોનો સમાવેશ થયો હતો. આ સંગ્રહનું શું કરવું તેનો નિર્ણય લેવાનો પ્રશ્ન મહત્ત્વપૂર્ણ અને પીડાદાયક પણ હતો. લાઈબ્રેરીઓને પુસ્તકોનું વેચાણ કરવાનો પણ એક વિકલ્પ હતો, પરંતુ લોર્ડ પારેખ પોતાના જીવનના ખજાના સમાન પુસ્તકોને વેચવામાં માનતા ન હતા. મિત્રો સાથે પરામર્શ કર્યા પછી તેઓએ આ સંગ્રહનો મોટો હિસ્સો નવરચના યુનિવર્સિટીને દાન કરવાનો નિર્ણય લીધો હતો.
લાઈબ્રેરી દાન કરવામાં નવરચના યુનિવર્સિટીની પસંદગી શા માટે?
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલ સાથે ઈન્ટર્વ્યૂમાં લોર્ડ પારેખે જણાવ્યું હતું કે તેમણે નવરચના યુનિવર્સિટીની પસંદગી એટલા માટે કરી કે તે નવી અને પ્રગતિશીલ યુનિવર્સિટી છે, જે પોતાના અનુસાસન અને મહત્ત્વાકાંક્ષા માટે જાણીતી છે. યુનિવર્સિટીએ જે ઝડપથી નિર્ણયો લીધા તેની પણ તેમણે પ્રશંસા કરી હતી કારણકે તેનાથી વાટાઘાટો સરળ બની હતી. તેમણે કહ્યું હતું કે તેઓ યુનિવર્સિટીની સ્થાપના અને સંચાલન કરનારા પરિવાર જ્યોતિ લિમિટેડના તેજલ અને રાહુલ અમીન તેમજ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને ઘણા પ્રસિદ્ધ સ્કોલર પ્રોફેસર પ્રત્યુષથી ભારે પ્રભાવિત થયા હતા. આ સંગ્રહથી વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે તેવી આશા સાથે લોર્ડ પારેખે જણાવ્યું હતું કે,‘ તત્કાળ ઉત્તરો મેળવવામાં દરેક લોકો તેમના મોબાઈલ્સ અને લેપટોપ્સનો આશરો લે છે તેવાં વિશ્વમાં આ લાઈબ્રેરી તેના વાચકોને ભૂમિ સાથે જોડાયેલા અને તેમના અભિગમમાં વિશ્લેષક બની રહેવામાં મદદરૂપ રહેશે.’
લાઈબ્રેરીના ટ્રાન્સફરના સમારંભમાં વડોદરા અને આસપાસની યુનિવર્સિટીઓમાંથી અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવરચના યુનિવર્સિટી વતી બોલતાં તેજલબહેન અમીને આ દાનને આવકાર્યું હતું અને લોર્ડ પારેખ અને તેમના પરિવારને ખાતરી આપી હતી કે આ પુસ્તકોનો સારો ઉપયોગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે તેઓ જાતે વાર્ષિક પ્રવચન સહિત સ્ટડી સાથે સંકળાયેલી યોજનાઓ તેમજ લાઈબ્રેરીને યુનિવર્સિટી અને સમગ્ર શહેર માટે બૌદ્ધિક ચર્ચાઓનું કેન્દ્ર બનાવવાના પ્રયાસોમાં અંગત સપોર્ટ આપશે
આ સમારંભમાં લોર્ડ પારેખનો પરિવાર, નવરચના યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ અને યુનિવર્સિટીના એકેડેમિક્સ ઉપસ્થિત રહ્યા હતા. લોર્ડ પારેખની સાથે તેમના ત્રણ પુત્ર આવ્યા હતા, જેઓ પોતાના ક્ષેત્રોમાં અગ્રેસર છે અને લાઈબ્રેરીને સપોર્ટ કરવા પ્રતિબદ્ધતા ધરાવે છે. પ્રોફેસર રાજ પારેખ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાંથી મોલેક્યુલર મેડિસીનમાં ડોક્ટરેટ ડીગ્રી ધરાવે છે. તેમણે યુકે અને યુએસમાં અનેક લાઈફ સાયન્સ કંપનીઓ સ્થાપી છે અને આલેટા, આરાકિસ, આર્ટેક્સ, ઔરા બાયોસાયન્સીસ અને લેવીસેપ્ટ સહિત કંપનીઓના બોર્ડ્સ પર સેવા આપી છે. લોર્ડ પારેખના બીજા પુત્ર નીતિન પારેખે પુસ્તકોના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થામાં સક્રિય ભૂમિકા ભજવી છે અને ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ હોવા સાથે અશક્ત-નિઃસહાય પુખ્તો અને માનસિક આરોગ્યની જરૂરિયાત ધરાવતા લોકોને સપોર્ટ કરતી મેડિકલ ટેકનોલોજી કંપની માટે કામ કરે છે. તેમનો ત્રીજો પુત્ર પ્રોફેસર અનંત પારેખ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ સાથે સંકળાયેલા ફીઝિયોલોજિસ્ટ છે અને યુએસ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્વિરોન્મેન્ટલ હેલ્થ સાયન્સીસ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ મોલેક્યુલર એન્ડ સેલ બાયોલોજીના અધ્યક્ષ છે. શરીરના કોષો એકબીજા સાથે કેવી રીતે કોમ્યુનિકેશન કરે છે તેના નોંધપાત્ર સંશોધન બદલ 2019માં તેમને ફેલો ઓફ રોયલ સોસાયટી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
પરિવારના ગાઢ મિત્ર અને આ ઈવેન્ટ પાછળના ગતિશીલ પરિબળ ડો. જયશ્રીબહેન મહેતા પણ ઉપસ્થિત હતાં અને કાર્યક્રમને સફળ બનાવવાં ભારે જહેમત ઉઠાવી હતી.
લોર્ડ ભીખુ પારેખની
કારકિર્દીની યાત્રા
બ્રિટિશ વાચકો માટે લોર્ડ પારેખ 1998થી 2000ના ગાળામાં કમિશન ઓન ફ્યુચર ઓફ મલ્ટિ-એથનિક બ્રિટનનું અધ્યક્ષપદ સંભાળવા માટે વધુ જાણીતા છે. પારેખ રિપોર્ટ તરીકે જાણીતા કમિશનના તારણો 25 કરતાં વધુ સમય પછી પણ ઓળખ, જાતિ, અને બિલોન્ગિંગ વિશે રાષ્ટ્રીય ચર્ચાઓમાં રેફરન્સ પોઈન્ટ તરીકે મહત્ત્વ ધરાવે છે. તેમની એકેડેમિક કારકિર્દી બ્રિટન અને ભારત સુધી વિસ્તરેલી છે. યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં અભ્યાસ કર્યા પછી તેમણે 1966માં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)માંથી ડોક્ટરેટ પૂર્ણ કર્યું હતું. તેમણે યુનિવર્સિટી ઓફ હલમાં સ્થળાંતર કર્યા પહેલા LSE અને યુનિવર્સિટી ઓફ ગ્લાસગોમાં પણ અધ્યાપનકાર્ય કર્યું હતું. તેઓ 1981થી 1984 દરમિયાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં વાઈસ ચાન્સેલર તરીકે સેવા આપવા ભારત પરત ફર્યા હતા અને આજે આ જ શહેરમાં તેમના પુસ્તકોને સ્થાન મળ્યું છે.
તેમણે પાછળથી LSE ના સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ગ્લોબલ ગવર્નન્સમાં સેન્ટેનિયલ પ્રોફેસરશિપ અને યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે પોલિટિકલ ફીલોસોફીમાં પ્રોફેસરશિપ સંભાળી હતી.
જાહેર જીવનમાં તેમણે કમિશન ફોર રેસિયલ ઈક્વલિટીના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી. તેમણે પોલિટિકલ ફીલોસોફીમાં વ્યાપક પ્રસિદ્ધિ ધરાવતા અનેક પુસ્તકો લખ્યા છે, જેમાં માર્ક્સ એન્ડ આઈડિયોલોજી, ગાંધી’સ પોલિટિકલ ફીલોસોફી, ડિબેટિંગ ઈન્ડિયા અને કન્ટેમ્પરરી ઈન્ડિયન થોટનો સમાવેશ થાય છે. લોર્ડ પારેખને સર ઈસાઈયાહ બર્લિન પ્રાઈઝ ફોર લાઈફટાઈમ કન્ટ્રિબ્યુશન ટુ પોલિટિકલ ફીલોસોફી અને બીબીસીનો સ્પેશિયલ એવોર્ડ ફોર એશિયન કન્ટ્રિબ્યુશન ટુ ગ્લોબલ ઈન્ડિપેન્ડન્સ સહિત અનેક સન્માનો અને એવોર્ડ્સ એનાયત કરાયેલા છે. તેમને 15 માનદ ડીગ્રીઓ પણ મળી છે.

લોર્ડ પારેખને 1988માં ફેલો ઓફ રોયલ સોસાયટી ઓફ આર્ટ્સ અને 1999માં ફેલો ઓફ ધ એકેડેમી ઓફ લર્નેડ સોસાયટીઝ ફોર ધ સોશિયલ સાયન્સીસ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે 2003થી 2008 સુધી એકેડેમી ઓફ સોશિયલ સાયન્સીસના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી. ભારતમાં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં એક પદ્મ ભુષણ એનાયત કરવામાં આવ્યો હતો.
નવરચના યુનિવર્સિટીની સ્થાપના 2009માં ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટીઝ એક્ટ હેઠળ કરવામાં આવી હતી અને તેનું સંચાલન 1965માં સ્થાપિત ચેરિટેબલ ટ્રસ્ટ નવરચના એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવે છે. UGC દ્વારા માન્ય યુનિવર્સિટી પાંચ સ્કૂલ્સ- બિઝનેસ એન્ડ લો, એન્જિનિઅરીંગ એન્ડ ટેકનોલોજી, સાયન્સ, લિબરલ સ્ટડીઝ એન્ડ એજ્યુકેશન અને એન્વિરોન્મેન્ટલ ડિઝાઈન એન્ડ આર્કિટેક્ચર થકી શિક્ષણ આપે છે.
લોર્ડ પારેખના નવરચના યુનિવર્સિટી સાથે સંબંધ દીર્ઘકાળથી છે. નવરચના દ્વારા તેમના માનમાં પારેખ લેક્ચર સીરિઝનું આયોજન કરાય છે અને નવી સ્ટડી આ સંબંધને નવો કાયમી ભૌતિક નિવાસ પ્રદાન કરે છે. ધ સ્ટડી રાજકીય થિઅરી, ફીલોસોફી, હ્યુમનિટીઝ અને સંબંધિત શિક્ષણશાખાઓ સાથે ગાઢ સંપર્કને પ્રોત્સાહિત કરવાના ધ્યેય સાથે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, મુલાકાતી સ્કોલર્સ અને વ્યાપક એકેડેમિક કોમ્યુનિટી માટે ખુલ્લી રહેશે.
પારેખ પરિવારની ભારત મુલાકાત ગાઢ અંગત મહત્ત્વ પણ ધરાવે છે. તેઓ ચાણોદમાં ત્રિવેણી સંગમ ખાતે લેડી પ્રમિલા પારેખનાં અસ્થિવિસર્જન માટે પરંપરાગત વિધિઓ કરાવવા અહીં આવ્યા હતા. લેડી પારેખનું ઓગસ્ટ 2024માં યુકેમાં હલ ખાતે નિધન થયું હતું. પરિવાર માટે ચાણોદ વિશેષ સ્થાન ધરાવે છે કારણકે લેડી પારેખના ગ્રાન્ડપેરન્ટ્સ, પેરન્ટ્સ અને અન્ય નિકટના સ્વજનોનો ત્યાં જ અંતિમ સંસ્કાર કરાયો હતો અને નર્મદા નદીમાં તેમના અસ્થિ પધરાવવામાં આવ્યા હતા.
લેડી પ્રમિલા પારેખને શ્રદ્ધાંજલિ અને નવરચના યુનિવર્સિટી ખાતે લોર્ડ ભીખુ પારેખ સ્ટડીના ઉદ્ઘાટન સાથે દિવસનું સમાપન થયું હતું.


comments powered by Disqus