8 સપ્ટેમ્બર 1933ના રોજ પંડિત દીનાનાથ મંગેશકરના સંગીત ક્ષેત્રે સમૃદ્ધ પરિવારમાં જન્મેલા આશા ભોંસલેનું 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે નિધન થયું. તેમના નિધને ભારત સહિત સમગ્ર વિશ્વના સંગીત રસિકોને ભારે આઘાતમાં ડૂબાડી દીધાં હતાં. મોટી બહેન લતા મંગેશકરની આંગળી પકડીને સંગીતની દુનિયાની સફર શરૂ કરનાર આશા તાઇના નામથી જાણીતા આશા ભોંસલેની સંગીત કારકિર્દીનો વ્યાપ 8 દાયકા સુધી વિસ્તરેલો રહ્યો હતો.
આમ તો લતા મંગેશકરની મહાનતાને કોઇ પડકારી શકે તેમ નથી પરંતુ અજોડ વૈવિધ્યતાએ આશા ભોંસલેને ફક્ત ભારતીય જ નહીં પરંતુ વિશ્વના સંગીત જગતમાં અનોખુ સ્થાન અપાવ્યું હતું. મોટી બહેન લતા હંમેશા ભાવપૂર્ણ અને દિવ્ય ધૂનો સાથે સંકળાયેલા રહ્યા જ્યારે આશાએ દરેક શૈલી અપનાવીને પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.
પિયા તુ અબ તો આજા જેવા માદક કેબ્રે ગીતો અને દમ મારો દમના બળવાખોર અંદાજથી લઇને ઉમરાવ જાનની શાસ્ત્રીય મર્યાદામાં બંધાયેલી ગઝલો સુધી તેમણે અવાજની એવી રેન્જ પ્રદર્શિત કરી જે ભાગ્યે જ કોઇ મેચ કરી શકે. 1970ના દાયકામાં સંગીતકાર આર ડી બર્મન સાથેના તેમના સહયોગે ભારતીય ફિલ્મી સંગીતને વેસ્ટર્ન પોપ અને ડિસ્કોના પ્રભાવથી ફરીથી વ્યાખ્યાયિત કર્યું હતું.
આશાતાઇની આંકડાકીય સિદ્ધીઓ તેમના અવાજ જેટલી જ અદ્દભૂત રહી. 2011માં ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે તેમને સંગીત ઇતિહાસમાં સૌથી વધુ રેકોર્ડિંગ કરનાર કલાકાર તરીકે માન્યતા અપાઇ હતી. તેમની કારકિર્દી દરમિયાન તેમણે અંગ્રેજી અને રશિયન સહિત 20થી વધુ ભારતીય અને વિદેશી ભાષાઓમાં 12,000 કરતાં વધુ ગીતને પોતાના કંઠથી શોભાવ્યા હતા.
ભારત સરકાર અને વૈશ્વિક સંગીત સમુદાયે તેમના પર સન્માનનો વરસાદ વરસાવ્યો હતો. તેઓ દાદાસાહેબ ફાળકે અને ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્દ્મ વિભૂષણ હાંસલ કરનાર મહાનુભાવ હતા. આ ઉપરાંત તેમણે બે નેશનલ ફિલ્મ એવોર્ડ, લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અને સંખ્યાબંધ ફિલ્મ ફેર એવોર્ડ પ્રાપ્ત કર્યાં હતાં.
આશા ભોંસલેનો વારસો માત્ર તેમની લાંબી કારકિર્દી નહીં પરંતુ સતત પરિવર્તન કરવાની તેમની ક્ષમતા છે. પછી ભલે તે 1990ના દાયકામાં તન્હા તન્હા જેવા હીટ ગીતો સાથે ઇન્ડીપોપના પ્રયોગો હોય કે આંતરરાષ્ટ્રીય કલાકારો સાથેનું જોડાણ, તેઓ પેઢી દર પેઢી પ્રસ્તુક રહ્યાં છે. તેમના નિધનથી ભારત અને સમગ્ર વિશ્વના સંગીત જગતે એક નાયાબ હીરો ગુમાવી દીધો છે. તેમનો અવાજ વૈશ્વિક સાંસ્કૃતિક માળખાનો એક શાશ્વત હિસ્સો બની રહેશે અને તેમનો કર્ણપ્રિય અવાજ દાયકાઓ સુધી ભાવિ પેઢીઓને પ્રેરણા આપશે.
