એન્ટવર્પઃ પંજાબ નેશનલ બેન્કના રૂ. 13000 કરોડના ગોટાળામાં ભાગેડુ આરોપી અને હીરાના વેપારી મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયાસોને એક મોટી કાનૂની સફળતા મળી છે. બેલ્જિયમની એન્ટવર્પ કોર્ટ ઓફ અપીલે ચોક્સીના પ્રત્યાર્પણના પક્ષમાં ત્યાંની સરકારને સકારાત્મક સલાહ આપી છે. અદાલતે માન્યું છે કે ચોક્સી પર લાગેલા 7 આરોપો પૈકી 6 આરોપ બેલ્જિયમના કાયદા હેઠળ પણ દંડનીય છે, જે આંતરરાષ્ટ્રીય પ્રત્યાર્પણ સંધીના માપદંડને પૂર્ણ કરે છે. કોર્ટે અપરાધિક કાવતરું, વિશ્વાસઘાત, છેતરપિંડી તથા ખાતામાં હેરાફેરી જેવા ગંભીર આરોપોને પ્રત્યાર્પણ માટે પૂરતા ગણ્યા છે.
જો કે પુરાવાના નાશ કરવાના આરોપોને ટેકનિકલ આધાર પર બહાર રખાયા હતા. કોર્ટે ચોક્સીની એ દલીલ ફગાવી દીધી હતી, જેમાં ભારતમાં માનવાધિકારોનું ઉલ્લંઘન તથા નિષ્પક્ષ સુનાવણી ન થવાનો દાવો કરાયો હતો. અદાલતે જણાવ્યું હતું કે, ચોક્સીને વાસ્તવમાં ભારતમાં કોઈ ભય નથી. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલતે ચોકસીની અપીલને ફગાવી દેતાં હવે આખરી નિર્ણય બેલ્જિયમ સરકારે જ લેવાનો છે. ભારતે ચોકસીની સુરક્ષા અને ચિકિત્સા દેખરેખનું પૂર્ણ આશ્વાસન આપ્યું છે. જો બેલ્જિયમ સરકાર તેના પર મંજૂરીની મહોર લગાવે છે તો પછી ચોકસીને ટૂંક સમયમાં જ મુંબઈ લાવવામાં આવી શકે છે.

