દર વર્ષે હું શિયાળાની કડકડતી ઠંડીથી બચવા નવેમ્બર મહિનામાં પક્ષીઓની જેમ માઇગ્રેટ થઇ જઉં છું. ચારેક મહિના માદરે વતનની ગુલાબી ઠંડી માણું છું. જ્યાં હેલ્થની MOT કરવા સાથે નાના મોટા યાત્રા પ્રવાસની મોજ અને વિશાળ કુટુંબીજનોનો સંગ તથા મિત્રોના સાથની મજા પણ માણી લઉં છું.
માનવભવ મળ્યો એને કરી લઉ છું હું સાર્થક.
આ વખતનો મારો પ્રવાસ દુનિયાની સૌથી પ્રાચીન નગરીઓમાં જેની ગણના થાય છે તે તીર્થભૂમિ વારાણસી, રામ જન્મભૂમિ અયોધ્યા અને પ્રયાગરાજ. આ તીર્થોના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું મારા સખી દેવી પારેખ સાથે. એકલા લાભ લેવા કરતા એની વહેંચણ કરવી સારી! મારો આ અનુભવ હું આપની સાથે શેર કરી આપને પણ એની સૈર કરાવું!
ઉત્તર પ્રદેશમાં આવેલ આ નગરી માટેની ગુજરાતી કહેવત “સુરતનું જમણ અને કાશીનું મરણ” તો આપણે સદીઓથી સાંભળતાં આવ્યા છે. એનો અમે જાત અનુભવ કર્યો. ભારતની ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહરની રાજધાની એવી આ કાશી નગરીના ઇતિહાસમાં એક ડોકિયું કરીએ.
દંતકથાઓની દાસ્તાન :
આ નગરી સાથે અનેક દંતકથાઓ સંકળાયેલ છે. કાશી વિશ્વનાથના આ મંદિરનું પ્રાચીન નામ આદી વિશ્વેશ્વર હતું. એક કિવદંતિ મુજબ માતા પાર્વતીજીએ શિવજીને વિનંતિ કરી કે લગ્ન બાદ હું મારા માતા-પિતાને ત્યાં રહું છું. સામાન્ય રીતે છોકરી પરણીને એના સાસરે રહે. તમે તો મારા રહેવા માટે ઘર પણ નથી બનાવ્યું! શિવજીએ પત્નીની ઇચ્છા પૂર્ણ કરવા ગંગા નદીના તટે એમનું સ્થાનક બનાવ્યું. (એક મતાનુસાર આ નગરી ૫૦૦૦ વર્ષ જૂની છે.)આજથી ૨૫૦૦ કરતા વધુ વર્ષ પહેલા શિવ-પાર્વતી અત્રે સ્થાયી થયા હોવાની વાયકા છે.
બીજી એક કિવદંતી મુજબ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કોણ મહાનની રસ્સા કસ્સી જામી ત્યારે ભગવાન શિવે એમની અસલિયત બતાવવા સ્વર્ગમાંથી તેજ કિરણ વરસાવ્યું જે એના અંત સુધી પહોંચે એ પહેલા ગંગા નદીના વચમાં પડવાથી એના વ્હેણ બે ભાગમાં વહેંચાઇ ગયા. એક છેડો વરાહ અને બીજો છેડો આસ્સી (બે ભગવાન વરૂણ અને આસ્સી). એના પરથી એનું નામ વારાણસી પડ્યું. એવું કહેવાય છે કે, સૃષ્ટિના નિર્માણ વખતે સૂર્યનું પ્રથમ કિરણ કાશી નગરી પર પડ્યું હતું.
બીજી કથા એવી પણ છે કે, રાજા દિવોદાસ જ્ઞાનોપદેશ મેળવવા કૈલાસ પર શિવજી પાસે ગયા અને ભગવાન શિવને કાશીમાં આવી રહેવાનું આમંત્રણ આપ્યું.
એમના આમંત્રણને માન આપી શિવજીએ કાશીમાં વાસ કર્યો હોવાથી આ પવિત્ર નગરી જ્ઞાન ચક્ષુની ત્રીજી આંખ કહેવાય છે. કાશી નગરીના એક એક કણમાં “શિવ”નો નાદ પડઘાય છે. શિવજીએ તારકા મંત્ર (મોક્ષનો મંત્ર)નું મનોમન ઉચ્ચારણ અત્રે કર્યું હતું જેનો પ્રભાવ આજે પણ હયાત હોવાનું મનાય છે. તાજેતરમાં નાસાએ પલ્સર સ્ટારની ઓડીયો રીલીઝ કરી એમાંય ડમરૂનો નાદ પડઘાયો હોવાનું જાહેર થયું છે. શિવ સર્વ વ્યાપી છે.
૧૧૯૪માં રાજા વિક્રમાદિત્યે કાશી વિશ્વનાથ મંદિર બનાવ્યું હતું. જુદા જુદા સમયે વારંવાર એનો વિનાશ અને જે તે સમયના શાસકો એનું પુર્ન નિર્માણ (૧૧૯૪, ૧૪૪૭, ૧૪૯૪, ૧૬૬૯) કરતા રહ્યા હતા. સ્કંદ પુરાણમાં જણાવ્યા મુજબ આ સૌથી પ્રાચીન નગરીને શિવજીએ ત્રિશુળથી બનાવી હતી. કાશીની ગણના “સ્પરીચ્યુઅલ કેપીટલ ઓફ ઇન્ડીયા’ તરીકે થાય છે. આધ્યાત્મિક, રહસ્યમય, સંસ્કૃત અને યોગનું આ હબ છે. હજારો મંદિરોની આ નગરી.
મોગલ સમ્રાટ ઔરંગઝેબે ૧૬૬૯માં એનો ધ્વંસ કરવાનું ફરમાન કર્યું હતું. એ વખતે મંદિરના મુખ્ય પૂજારી શિવલિંગને બચાવવા એ લઇને જ્ઞાનવાપી કૂવામાં કૂદી પડ્યા હતા. એવું મનાય છે કે હાલ મંદિરમાં સ્થાપિત કરાયેલ એ બચી ગયેલ શિવલિંગ છે. આ જ્ઞાનવાપી કૂવામાં લોકો પોતાના પડછાયા પરથી મૃત્યુ જોઇ શકે છે. જેનો પડછાયો એમાં ન દેખાય તો એનું મૃત્યુ છ મહિનામાં નક્કી છે એવી માન્યતા પ્રવર્તેતે છે. એ વ્યક્તિ પોતાનો અંતિમ સમય કાશીમાં પસાર કરી ત્યાં જ મૃત્યુ થાય એમ ઇચ્છે છે. જે હોય તે આ એક હિન્દુ આસ્થાનું સ્થાનક છે. હજી પણ આ જ્ઞાનવાપીના પવિત્ર જલમાં શિવ-શક્તિ હયાત હોવાની માન્યતા છે.
૧૨ જ્યોતિર્લિંગોમાનું સાતમું આ શિવલિંગ છે. પવિત્ર ગંગા નદીના કિનારે આવેલ આ તીર્થ માત્ર હિન્દુઓનું જ નહિ પરંતુ જૈન અને બૌધ્ધ અનયાયીઓ માટે પણ એ અનેરૂં મહત્વ ધરાવે છે. સર્વધર્મ સમભાવની આ નગરી છે. હાલનું આ કાશી વિશ્વનાથનું મંદિર ૧૭૮૦માં ઇન્દોરના મહારાણી અહલ્યાબાઇ હોલકરે બંધાવ્યું હતું. પાછળથી સોનાના ઢોળવાળું મહારાજા રણજીતસિંગે ૧૮૩૯માં આપેલ દાનથી બનાવાયું હતું. એ “સુવર્ણ મંદિર’ તરીકે પણ જાણીતું છે. રામચરિત માનસના રચયિતા તુલસીદાસનું અને જાણીતા સંગીતકાર રવિશંકરનું આ વતન છે.
અત્રેનું કાશી વિશ્વ વિદ્યાલય એશિયાનું સૌથી મોટું આવાસ સહિતનું શૈક્ષણિક સંકુલ છે. જેની સ્થાપના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષણવિદ્ પં.મદન મોહન માલવીયાજીએ ૧૯૧૬માં વસંત પંચમીના દિવસે કરી હતી.

