હંગેરીમાં ચૂંટણીમાં મોટી ઊથલપાથલ થઈ છે. 16 વર્ષ સુધી સત્તા સંભાળનારા વડાપ્રધાન વિક્ટર ઓર્બન ચૂંટણી હારી ગયા છે અને વિપક્ષી નેતા પીટર માઝ્યારની ટિસ્ઝા પાર્ટીને સરકાર બનાવવા માટે બે તૃતિયાંશ બહુમતી મળી. પ્રારંભિક પરિણામો અનુસાર ટિસ્ઝાએ 199 સભ્યોની સંસદમાં 138 બેઠકો જીતી હતી, જ્યારે ઓર્બનની ફિડેઝ પાર્ટી માત્ર 55 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.
• સાઇપ્રસમાં રાજકીય ભૂકંપઃ ઈઝરાયલની જાસૂસી સંસ્થાના નિવૃત્ત કર્મચારીઓની એક ખાનગી જાસૂસી સંસ્થાના યુરોપના દેશ સાઇપ્રસમાં સ્ટિંગ ઓપરેશન મુદ્દે સાઇપ્રસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ઈઝરાયલની જાસૂસી કંપની બ્લેકરોકે સ્ટિંગ ઓપરેશનમાં તેની સંડોવણીની કબૂલાત કરી છે. કંપનીએ સાઇપ્રસમાં ચોલી રહેલો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા સ્ટિંગ ઓપરેશન કર્યું હોવાનો દાવો કર્યો હતો.
• બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઃ બાંગ્લાદેશના ઉત્તર પશ્ચિમ જિલ્લાના રંગપુર અને પશ્ચિમ જિલ્લા કુશ્યિતામાં શનિવારે એક મુસ્લિમ આધ્યાત્મિક ગુરુ રકીબ હસનની હત્યા પછી હિંસા ભડકી હતી. આ હિંસામાં કોઈ કારણ વિના હિન્દુઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. રંગપુરમાં અલ્પસંખ્યક હિન્દુ સમુદાયનાં ઘર અને દુકાનોને નિશાન બનાવાયાં હતાં.
• અફઘાનિસ્તાનમાં પૂર, ભૂકંપ અને ભૂસ્ખલનથી 148 મોતઃ અફઘાનિસ્તાનમાં છેલ્લા બે અઠવાડિયામાં પ્રતિકૂળ વાતાવરણે કેર વરસાવ્યો છે. ભારે વરસાદ, અચાનક આવેલા પૂર, ભૂસ્ખલન, ભૂકંપ અને વીજળી પડવા જેવી ઘટનાથી દેશ હચમચી ગયો છે. આ આફતોને કારણે હજુ સુધીમાં 148 કરતાં વધારે લોકોનાં મોત થયાં છે અને 216 કરતાં વધારે લોકો ઘવાયા છે. પરિસ્થિતિ એટલી હદ સુધી ખરાબ થઈ ગઈ છે કે હજારો પરિવારો બેઘર બન્યા છે અને ઘણા વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.
• અમેરિકન ટેક્નોલોજી કંપની સાથે છેડો ફાડવાની યુરોપની તૈયારીઃ યુરોપના દેશોમાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. ફ્રાન્સે અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવા અને ડિજિટલ સ્વતંત્રતા માટે સરકારી કમ્પ્યૂટર સહિત સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમને અમેરિકન કંપની માઇક્રોસોફ્ટ વિન્ડોઝથી હટાવીને ફિનલેન્ડની ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ પર લઈ જવાની તૈયારી શરૂ કરી છે.
• રશિયાની ભારતને ઓફરઃ મધ્ય-પૂર્વના યુદ્ધમાં કતારનો એલએનજી પ્લાન્ટ ખતમ થઈ ગયો છે. આ કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠાનો પાંચમો હિસ્સો પહોંચી રહ્યો નથી. આવા સમયે ભારતે એલએનજી ઊંચા ભાવે ખરીદવાની ફરજ પડી રહી છે. આ સંજોગોનો ફાયદો ઉઠાવી રશિયાએ એશિયન કન્ટ્રીઝને 40 ટકા ડિસ્કાઉન્ટે એલએનજી પૂરો પાડવા ઓફર કરી છે, જેથી ભારતનું ગેસનું ટેન્શન ખતમ થશે.

