ઇરાન સાથે ઇસ્લામાબાદમાં ઉચ્ચ સ્તરીય વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક એનર્જી માર્કેટમાં ઉથલપાથલ કરતી અને કૂટનીતિની મર્યાદાઓને પુનઃવ્યાખ્યાયિત કરતી એક ચાલમાં હોર્મુઝની ખાડીની નાકાબંધી કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પનું આ પગલું મોટો જુગાર પૂરવાર થઇ શકે છે. અમેરિકાને લાંબાગાળાના યુદ્ધમાં ધકેલી દેશે અને વૈશ્વિક અર્થતંત્રને પણ ભારે નુકસાન થઇ શકે છે. હોર્મુઝની નાકાબંધીને ટ્રમ્પની શ્રેષ્ઠ ચાલ ગણવી કે અવિચારી તુક્કો છે તે તો આગામી દિવસો જ બતાવશે પરંતુ એક બાબત તો સ્પષ્ટ છે કે આ નાકાબંધીમાં જો ચીન અથવા ભારત સહિતના જહાજોને અટકાવવામાં આવે તો તે યુદ્ધનું પગલું ગણી શકાય અને પ્રાદેશિક સંઘર્ષ વૈશ્વિક યુદ્ધમાં પલટાઇ શકે છે.
ટ્રમ્પે એવો દાવ રમ્યો છે કે તેની સીધી અસર વિશ્વભરના દેશો પર પડે અને તેઓ ઇરાન પર દબાણ સર્જે અથવા તો હોર્મુઝની ખાડી ખુલ્લી મૂકવામાં અમેરિકાનો સાથ આપે. જો તેમ થાય તો ઇરાન પર પ્રચંડ વૈશ્વિક દબાણ સર્જાઇ શકે છે તેમ છતાં ઇરાન જે મક્કમતાથી ટ્રમ્પનો સામનો કરી રહ્યો છે તે જોતાં એમ લાગી રહ્યું છે કે ટ્રમ્પે એક જુગાર જ રમ્યો છે અને તેના વિપરિત પરિણામો આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની જાહેરાતના તુરંત બાદ બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ટ્રમ્પની નાકાબંધીમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. યુરોપના અન્ય દેશોનું વલણ પણ એવું જ હોઇ શકે છે.
એક રીતે જોઇએ તો ટ્રમ્પે ઇરાનની આર્થિક જીવનરેખા કાપી નાખવાનો પ્રયાસ કર્યો છે. ઇરાન હાલ રોજના 20 લાખ બેરલ ક્રુડ તેલ આ જળમાર્ગ દ્વારા વેચે છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલા બાદ ઇરાને આ જળમાર્ગને અવરોધીને પોતાની પસંદગીના જ જહાજો તેમાંથી પસાર થાય તેવી વ્યૂહરચના ગોઠવી છે. તેની આ વ્યૂહરચનાની સામે અમેરિકાએ હવે સામી નાકાબંધીનું શસ્ત્ર અજમાવ્યું છે. જેના પગલે ઇરાનને નમાવી શકાય. અમેરિકાએ જણાવ્યું છે કે ઇરાની બંદરો તરફ જતા અને આવતા જહાજોને અટકાવવામાં આવશે. જ્યારે બિનઇરાની બંદરો ખાતે જહાજોની અવરજવરને અટકાવાશે નહીં. ટ્રમ્પના આ વ્યૂહની સામે ઇરાન ખાડીના અન્ય દેશોના બંદરો તરફ જતા અને આવતા જહાજોનો માર્ગ અવરોધી શકે છે. જો આમ થશે તો આ યુદ્ધ લાંબાગાળાના ટેન્કર યુદ્ધમાં તબદિલ થવાનું જોખમ રહેલું છે.
આમ તો ટ્રમ્પ અને નેતાન્યાહૂએ ઇરાનમાં સત્તા પરિવર્તનના લક્ષ્યાંક સાથે યુદ્ધ શરૂ કર્યું હતું પરંતુ હવે યુદ્ધના કેન્દ્રમાં હોર્મુઝની ખાડી આવી ગઇ છે. પહેલા ઇરાને તેનો વ્યૂહાત્મક ઉપયોગ કર્યો અને હવે ટ્રમ્પ આ જળમાર્ગનો વ્યૂહાત્મક હથિયાર તરીકે ઉપયોગ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. ટ્રમ્પ ઇરાનની ક્રુડ નિકાસો અવરોધીને તેના આવકના સ્ત્રોતોને ધરાશાયી કરવા માગે છે.
પરંતુ ટ્રમ્પનો આ જુગાર વિશ્વના અન્ય દેશોના અર્થતંત્રોને પણ હચમચાવી રહ્યો છે. ક્રુડ અને કુદરતી ગેસની કિંમતોમાં વધારો અને પૂરવઠામાં પ્રવર્તી રહેલી અછતના કારણે મોટાભાગના દેશોમાં મોંઘવારી માઝા મૂકી રહી છે. ઔદ્યોગિક ઉત્પાદનો ઠપ થવાના કારણે સપ્લાય ચેઇનો ખોરવાઇ રહી છે. જેના કારણે આર્થિક અસ્થિરતા વિકરાળ બની રહી છે.
ઘણાને આશા હતી કે પાકિસ્તાનમાં યોજાયેલી મંત્રણાના સારા પરિણામ આવશે અને છેલ્લા 40 કરતાં વધુ દિવસોથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવશે પરંતુ બંનેમાંથી એકપણ પક્ષ ઝૂકવા તૈયાર ન થતાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને તેના પરિણામો સમગ્ર વિશ્વ અને માનવજાતે ભોગવવા પડશે.
