સનાતન ધર્મ હજારો વર્ષોથી ફૂલતો-ફાલતો રહ્યો છે કારણકે તે પોતાના હાર્દરૂપ મૂલ્યો ગુમાવ્યા વિના સમયની સાથે વિકસતો રહ્યો છે. કોઈ એક ધર્મગ્રંથ અથવા આધ્યાત્મિક પ્રભાવ પર આધાર રાખ્યા વિના યુગોથી સમાજને માર્ગદર્શન આપતા રહેલા આધ્યાત્મિક ગુરુઓના સાતત્યપૂર્ણ વારસા સમાન ગુરુ પરંપરા દ્વારા તેનું ઘડતર થતું રહ્યું છે.
આજે આ સમૃદ્ધ પરંપરાએ ભારતથી પણ આગળ વિસ્તરણ કર્યું છે. સનાતની, સ્વામિનારાયણ, જૈન, શીખ, વૈષ્ણવ અને અન્ય પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરતા આધ્યાત્મિક નેતાઓ તેમના આધ્યાત્મિક ઉપદેશોને પ્રસરાવવા, સાંસ્કૃતિક ધરોહરના જતન અને ભારતીય ડાયસ્પોરાની આસ્થાને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે યુકે અને પશ્ચિમના અન્ય દેશોનો પ્રવાસ ખેડતા રહ્યા છે. પૂજા-પ્રાર્થના, જ્ઞાન અને સામાજિક જીવનના મહત્ત્વના કેન્દ્રો બની રહેલા મંદિરો, આશ્રમો અને કોમ્યુનિટી સેન્ટર્સની સ્થાપના કરનારા આ ગુરુઓને ઉષ્માસભર આવકાર મળી રહ્યો છે. આધ્યાત્મિક અગ્રેસરોની વધી રહેલી વૈશ્વિક ઉપસ્થિતિ સનાતન ધર્મની શાશ્વત શક્તિને પ્રદર્શિત કરે છે. સનાતન ધર્મની સ્થિતિસ્થાપકતા તેના ખુલ્લાપણા-નિખાલસતા, અનુકૂલન અને વૈવિધ્યતામાં રહેલી છે. ‘બહુરત્ના વસુંધરા’ અને ‘વિવિધતામાં એકતા’નું તત્વદર્શન સુંદરપણે આ ભાવનાને સમજાવે છે. મૂળ શાશ્વત મૂલ્યોથી સંકળાયેલા રહેવા સાથે વિવિધ પરંપરાઓ કેવી રીતે સહઅસ્તિત્વ જાળવી જાણે છે તેનું આ ઉદાહરણ છે. જોકે, વૃદ્ધિ-વિકાસની સાથે જવાબદારી પણ આવે છે. સનાતન ધર્મ વિશ્વમાં વિસ્તરી રહ્યો છે ત્યારે આ વૃદ્ધિની સાથોસાથ એકતાની જાળવણી, સંવાદિતાને મજબૂતી બક્ષવી અને વૈવિધ્યતા વિભાજન કે વિઘટનના બદલે સામૂહિક તાકાતની સ્રોત બની રહે તેની ચોકસાઈ માટે સહભાગી ઉત્તરદાયિત્વ પણ લાવે છે.
વૈવિધ્યતાથી વિભાજન નહિ, મજબૂતી મળવી જરૂરી
સનાતન ધર્મની અંદર વિવિધ આધ્યાત્મિક પરંપરાઓએ હિન્દુ સમુદાયને અનેક પ્રકારે સમૃદ્ધ બનાવ્યો છે ત્યારે પંથો કે સંપ્રદાયોની વધી રહેલી સંખ્યાએ જાણેઅજાણે, વિશેષતઃ બહુસાંસ્કૃતિક સમાજોમાં વસતી યુવા પેઢીઓ માટે અનેક પડકારો પણ ઉભા કર્યા છે. યુવા પેઢીઓમાં આ પડકારો વધુ દેખાઈ આવનારા બન્યા છે. પેરન્ટ્સ અને બાળકો અલગ અલગ આધ્યાત્મિક માર્ગો તરફ ખેંચાતા હોય, ભલે તેઓ વ્યાપક સનાતન પરંપરાની અંદર જ રહેતા હોય ત્યારે પરિવારોમાં તણાવ સર્જાવો સ્વાભાવિક છે. આ જ પ્રમાણે, યુવા દંપતીઓ એક જ ધર્મના હોવાં છતાં, અલગ અલગ સંપ્રદાય સાથે જોડાયેલા હોય અથવા અલગ ગુરુઓને અનુસરતા હોય તેઓને મૂળભૂત માન્યતાઓ અને મૂલ્યો ધરાવતા હોવાંના સંજોગોમાં અનાવશ્યક લાગણીશીલ તણાવ અને પારિવારિક સંઘર્ષનો સામનો કરવાનો થાય છે. આંતરપંથીય, આંતરસમુદાય અને આંતરજાતીય લગ્નો વધુ સામાન્ય બની રહ્યાં છે ત્યારે આવા પ્રશ્નોનું મહત્ત્વ પણ વધી રહ્યું છે. ઘણા યુવા પરિવારો નિખાલસપણે સનાતન ધર્મને અપનાવવાની ઈચ્છા રાખે છે, પરંતુ કઈ પરંપરાઓ, રીતરિવાજો અથવા વ્યવહારોને અનુસરવા તે વિશે ભારે વિમાસણ અનુભવે છે. સાંપ્રદાયિક તફાવતોથી ઉપર સહભાગી મૂલ્યોને સ્થાન આપે તેવા વ્યાપક માળખા વિના સ્પષ્ટતાનું સ્થાન સરળતાથી ગૂંચવાડો લઈ લે છે.
એક કહેવત છે કે,‘દરેકનું બાળક કોઈનું બાળક નહિ’. આ પ્રમાણે જ્યારે દરેક સંસ્થા પોતાની જ પરંપરાઓને ઉત્તેજન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે નવા અનુયાયીઓ અને ભાવિ પેઢીઓને કદાચ સર્વસામાન્ય આધ્યાત્મિક પાયો કે આધાર ઓળખવાનું મુશ્કેલ લાગી શકે છે. આથી જ, સરળ, સર્વસમાવેશી અને વ્યવહારુ અભિગમની તાકીદે આવશ્યકતા રહે જેના થકી લોકો પોતાના ધર્મ કે આસ્થામાં ગૌરવ લેવાની સાથોસાથ તેમાં રહેલી વૈવિધ્યતાને પણ આદર આપે.
આમાં વ્યક્તિગત ‘ગુરુ પરંપરા’ અથવા આધ્યાત્મિક પરંપરાનું મહત્ત્વ ઘટાડવાનો જરા પણ આશય નથી, પરંતુ એટલી ચોકસાઈ રાખવાની બાબત છે કે તેમના થકી પરિવારોને મજબૂત બનાવવાનું યથાવત રહે, યુવા પેઢીઓને પ્રેરણા પ્રાપ્ત થાય અને હંમેશાંથી સનાતન ધર્મના કેન્દ્રમાં રહેલી એકતાના મૂલ્યને મજબૂતી મળે.
અન્ય ધાર્મિક કોમ્યુનિટીઓમાંથી બોધ લઈએ
વિશ્વભરમાં તમામ ધાર્મિક પરંપરાઓએ વૈવિધ્યતા અને એકતા વચ્ચે સમતુલા જાળવવી પડી છે. ક્રિશ્ચિયાનિટીનું ઉદાહરણ લઈએ તો, કેથોલિક્સ, પ્રોટેસ્ટન્ટ્સ અને એન્ગ્લિકન્સ સહિત વિવિધ સંપ્રદાયો વચ્ચે સદીઓ જૂનાં વિભાજનનો અનુભવ રહેલો છે. છતાં, સમયાંતરે ઘણી ક્રિશ્ચિયન કોમ્યુનિટીઓએ વ્યાપકપણે પરસ્પર આદર અને સહકારનું નિર્માણ કરવા સાથે તેમની આગવી ઓળખોને જાળવી રાખી છે તેમજ સાથે મળીને સહભાગી મૂલ્યો અને સમાન ઉદ્દેશો પર કામ કર્યું છે. આજ પ્રમાણે, વિચારધારાઓ, કાનૂની પરંપરાઓ અને સાંસ્કૃતિક વ્યવહાર પદ્ધતિઓમાં ભિન્નતા- તફાવતો હોવાં છતાં, વિશ્વભરના મુસ્લિમો પોતાને સૌપ્રથમ આસ્તિકોના વૈશ્વિક સમુદાય, ઉમરાહના વ્યાપક હિસ્સા સ્વરૂપે નિહાળે છે. આ સહભાગી ઓળખે આસ્થાની અંદર વૈવિધ્યતાને માન્ય રાખવા સાથે એકતા અને સામૂહિક ધ્યેયને સર્જવામાં મદદ કરી છે. સનાતન ધર્મે સંવાદિતાને હાંસલ કરવા માટે પોતાની સમૃદ્ધ વૈવિધ્યતાને નબળી બનાવવાની જરૂર નથી. તેની અનેક ‘ગુરુ પરંપરાઓ’, પરંપરાઓ અને ફીલોસોફીઓ સૌથી મહાન તાકાતોમાં સમાવિષ્ટ છે. વિશેષ આવશ્યકતા તો મજબૂત સામૂહિક ઓળખની છે જે સહકાર, આપસી આદર તેમજ સનાતન ધર્મના તમામ અનુયાયીઓને એકસુત્રે બાંધતા શાશ્વત મૂલ્યો પ્રત્યે સહભાગી પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપે.
ધર્મનું મહત્ત્વ અને નેતાગીરીની જવાબદારી
આધુનિક જીવનના પડકારો કોઈ પણ હોય, માનવજાત માટે શ્રદ્ધા કે આસ્થા તેની શક્તિના મહાન સ્રોતોમાં એક રહી છે. આધુનિક સંશોધન પણ સૂચવે છે કે મજબૂત આધ્યાત્મિક આધાર સાથેના લોકો તણાવ, અચોક્કસતા અને સમકાલીન જીવનના દબાણોનો સામનો કરવા બહેતર સજ્જ હોય છે. આસ્થા આપણને જીવનનું ધ્યેય, સ્થિતિસ્થાપકતા અને આશા પૂરા પાડે છે, જીવનની સૌથી મુશ્કેલ પળોમાં રાહત અને માર્ગદર્શનના સ્રોત બની રહે છે.
ભારતની બહાર વસી રહેલા લાખો હિન્દુઓ માટે સનાતન ધર્મ માત્ર કર્મકાંડ કે રીતરિવાજોના સંગ્રહથી વિશેષ છે. તે ઓળખ આપે છે, જોડાયેલા હોવાની ભાવના, નૈતિક મૂલ્યો અને સાંસ્કૃતિક ધરોહર સાથે ટકાઉ સંપર્ક પૂરાં પાડે છે. આ સ્થિતિમાં આધ્યાત્મિક નેતા કે ગુરુઓની ભૂમિકા અગાઉથી વધુ મહત્ત્વપૂર્ણ બની રહે છે.
સ્વાભાવિક રીતે જ દરેક ગુરુ પોતાના મિશનને વિસ્તારવા અને વધુ શિષ્યો-ભક્તોને પ્રેરણા આપવા ઈચ્છે છે. જોકે, આધ્યાત્મિક નેતૃત્વનું સાચું માપ અનુયાયીઓની સંખ્યા, મંદિરોના કદ અથવા સંસ્થાની સંપત્તિ પરથી કદી કઢાવું ન જોઈએ, પરંતુ પરિવારોને મજબૂત, સમુદાયોના વિકાસ અને લોકોના જીવનોને સમૃદ્ધ બનાવવાની તેની ક્ષમતા પરથી નીકળવું જોઈએ.
જ્યારે યુવા પેઢીઓ સતતપણે વૈવિધ્યપૂર્ણ સમાજોમાં ઉછરી રહી છે ત્યારે વધુ વિભાજન નહિ, પરંતુ ગાઢ એકતાની જરૂર રહે છે. સનાતન ધર્મ હજારો વર્ષોથી અસ્તિત્વ જાળવી રહ્યો છે કારણકે તે કદી જડ રહ્યો નથી. તે શાશ્વત મૂલ્યો સાથે મજબૂતપણે સંકળાયેલો રહેવા સાથે સમયની સાથોસાથ પરિવર્તનથી વિકસતો રહ્યો છે. તેની સૌથી મહાન તાકાત સહભાગી આધ્યાત્મિક આધારને જાળવી રાખવાની સાથે જ અનેક માર્ગોને આત્મસાત કરતા રહેવાની છે.
આધુનિક સમાજ નવી વાસ્તવિકતાઓ પ્રસ્તુત કરે છે, આંતરસમુદાય અને આંતરજાતીય લગ્નો હવે સતત સામાન્ય બની રહ્યાં છે અને ઘણા યુવા લોકો તેમના જીવનને સુસંગત અને અર્થસભર બનાવે તેવી આધ્યાત્મિક ઓળખને શોધી રહ્યા છે. તેઓને નિખાલસતા સાથે સમાધાન કર્યા વિના સ્પષ્ટતા પૂરી પાડે તેમજ અન્યોને આદર આપવા સાથે પસંદ કરેલો માર્ગ અનુસરવાની છૂટ આપે તેવા માર્ગદર્શનની જરૂર છે.
આજના અધ્યાત્મ ગુરુઓ સમક્ષનો પડકાર પ્રત્યેક પરંપરાને એકસૂત્રે સાંકળતા અનુકંપા, નમ્રતા, સેવા, આદર, પારિવારિક સંવાદિતા અને સમર્પણના સમાન મૂલ્યોને મજબૂત બનાવવાનો છે. સાથે મળીને કામ કરીને અને આ સહભાગી ધરોહરને સન્માન આપવા સાથે તેઓ સનાતન ધર્મ આગામી પેઢીઓ માટે જીવંત, સમાવેશી અને પ્રેરણાદાયક બળ બની રહે તેની ચોકસાઈ કરી શકે છે.
વિશ્વમાં પરસ્પર સંબદ્ધતા વધી રહી છે ત્યારે આપણા મતભેદોએ આપણને વિભાજિત નહિ, પરંતુ સમૃદ્ધ બનાવવા જોઈએ. આખરે તો સનાતન ધર્મ આપણને શીખવે છે કે અનેક પ્રકારના પંથ હોવાં છતાં, અંતિમ સત્ય તો માત્ર એક જ છે. પ્રાચીન વેદિક જ્ઞાન ‘એકમ સત વિપ્રા બહુધા વદન્તિ’, આપણને સ્મરણ કરાવે છે કે સત્ય તો એક જ છે, જ્ઞાનીઓ તેને ઘણા નામથી ઓળખાવે છે. આવી જ ભાવના સાથે સરળ છતાં, મનનીય સંદેશો ‘સબ કા માલિક એક’ આપણને યાદ અપાવે છે કે આપણી પરંપરાઓ, કર્મકાંડો અને ગુરુઓ કદાચ અલગ હોઈ શકે, પરંતુ સર્વોચ્ચ દિવ્યતા-પરમાત્મા તો એક જ છે. જો આપણે પરસ્પર આદર અને નિખાલસતા સાથે આ સમજણને જાળવીશું તો સનાતન ધર્મ આગામી પેઢીઓમાં માત્ર હિન્દુઓને જ નહિ, સમગ્ર માનવજાતને એકતા, પ્રેરણા અને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે.

