યુકે અને ભારત વચ્ચે થયેલો મુક્ત વેપાર કરાર 15 જુલાઇથી અમલમાં આવી રહ્યો છે. આ વેપાર કરાર બ્રેક્ઝિટ પછી બ્રિટનના વેપાર માળખામાં આવેલ નિર્ણાયક અને સકારાત્મક પરિવર્તન દર્શાવે છે. યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડ્યા બાદ બ્રિટિશ અર્થતંત્રને નવા બજારોની તાતી જરૂરીયાત ઊભી થઇ હતી. ઓસ્ટ્રેલિયા સહિતના દેશો સાથે વેપાર કરાર બાદ હવે ભારત સાથેનો વેપાર કરાર અમલમાં આવી રહ્યો છે. એમ કહી શકાય કે વેસ્ટમિન્સટર દ્વારા કરાયેલો આ કરાર ફક્ત ટેરિફમાં સુધારા પુરતો મર્યાદિત નથી પરંતુ વિશ્વના સૌથી ઝડપથી વિકાસ કરી રહેલા અર્થતંત્રો પૈકીના એક એવા ભારત સાથે લાંબા ગાળાના આર્થિક વિકાસ, સપ્લાય ચેઇનની મજબૂતી અને ગાઢ દ્વિપક્ષીય આર્થિક સંબંધોની બ્લૂ પ્રિન્ટ સમાન છે.
અત્યાર સુધી બ્રિટિશ ઉદ્યોગો અને નિકાસકારોને ભારતીય બજારમાં આકરા નિયમો, ઊંચા ટેરિફ અને અવરોધોનો સામનો કરવો પડતો હતો. આ વેપાર કરાર અંતર્ગત ભારતે બ્રિટિશ ઉત્પાદનો માટે ટેરિફમાં ઘણી રાહતો જાહેર કરી હોવાથી બ્રિટિશ ઉદ્યોગોને અભૂતપૂર્વ સ્પર્ધાત્મક લાભ થવા જઇ રહ્યો છે અને તેથી જ આ કરારના મૂળમાં બ્રિટિશ નિકાસકારો માટે ઐતિહાસિક જીત છૂપાયેલી છે. કસ્ટમ્સ ડ્યુટીમાં તાત્કાલિક અથવા તો તબક્કાવાર ઘટાડો થવાથી બ્રિટિશ મેન્યુફેક્ચરિંગ અને પ્રીમિયમ કન્ઝ્યુમર ગૂડ્સ સેક્ટરમાં નવો પ્રાણ ફૂંકાશે. દાખલા તરીકે ઓટોમેટિવ ટેરિફમાં કરાયેલો મોટો ઘટાડો બ્રિટિશ વાહન ઉત્પાદકો માટે ભારતના વિશાળ બજારના દ્વારા ખોલવા જઇ રહ્યો છે. તેવી જ રીતે સ્કોટિશ વ્હિસ્કી અને હાઇ એન્ડ કોસ્મેટિક્સ જેવા પ્રસિદ્ધ બ્રિટિશ ઉત્પાદનોને ભારતના ઝડપથી વિકાસ કરી રહેલા મધ્યમવર્ગીય બજારમાં સમાન તકો ઉપલબ્ધ કરાવશે. આ વેપાર કરાર અમલમાં આવવાથી યુકેના અર્થતંત્રની ગાડીને નવો વેગ મળશે. લાંબાગાળે બ્રિટનની જીડીપીમાં 4.8 બિલિયન પાઉન્ડ પ્રતિ વર્ષનો વધારો થશે અને ભારત સાથેનો દ્વિપક્ષીય વેપાર 25.5 બિલિયન પાઉન્ડ પર પહોંચી જવાનો અંદાજ છે. આ વેપાર કરારને પગલે ભારતમાં નિકાસ થનારા બ્રિટિશ ઉત્પાદનો પરનો સરેરાશ ટેરિફ 15 ટકાથી ઘટીને 3 ટકા પર આવી જશે. સૌથી મહત્વની વાત એ છે કે આ આર્થિક વિકાસ લંડનના ફાઇનાન્સિયલ સેન્ટરો સુધી મર્યાદિત રહેવાનો નથી. વેલ્સના મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરોથી માંડીને સ્કોટલેન્ડની ડિસ્ટિલરીઝ સુધીના પ્રાદેશિક ઉદ્યોગોને સીધો લાભ થવાનો છે.
આ કરાર અંતર્ગત ઇલેક્ટ્રોનિક કોન્ટ્રાક્ટ્સ કાયદેસર બનાવવામાં આવ્યા છે. પેપરલેસ કોમર્સને પગલે વહીવટી વિલંબ દૂર કરાયો છે. આમ આ કરાર ડિજિટલ બિઝનેસ અને પ્રોફેશનલ મોબિલિટીના આધુનિકીકરણ માટે પણ એટલો જ મહત્વનો સાબિત થવાનો છે. કરારને પગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ), ટેલિકોમ્યુનિકેશન્સ અને ગ્રીન એનર્જી સહિતના સેક્ટરોમાં પણ ટેકનોલોજીનું આદાન પ્રદાન ઝડપી બનશે. કરાર અંતર્ગત બંને દેશ વચ્ચેના ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શનની જોગવાઇઓ હાઇલી સ્કીલ્ડ પ્રોફેશનલ્સને પાંચ વર્ષ સુધી સોશિયલ સિક્યુરિટી ટેક્સમાંથી મુક્તિ આપશે. જેના પગલે બંને દેશની કંપનીઓ માટે હાઇલી સ્કીલ્ડ પ્રોફેશનલ્સની નિયુક્તિ સરળ બનશે.
કરારના અમલને પગલે બ્રિટિશ ગ્રાહકોને પણ સીધો લાભ થવા જઇ રહ્યો છે. ભારતથી થનારી 99 ટકા ઇમ્પોર્ટને ડ્યુટી ફ્રી બનાવી દેવાઇ છે. જેના પગલે બ્રિટનમાં કપડાં, ફૂટવેર, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ સસ્તા દરે ઉપલબ્ધ થશે. આ કરાર બ્રિટિશ કંપનીઓને સપ્લાય ચેઇન મજબૂત બનાવવામાં મદદ કરશે જેના પગલે સ્થાનિક બજાર વૈશ્વિક મોંઘવારીના આંચકાઓ સામે વધુ સુરક્ષિત બનશે. આ ઐતિહાસિક કરારનો સંપુર્ણ લાભ લેવા માટે બ્રિટિશ ઉદ્યોગોએ કરારના નિયમો અને કોમ્પ્લાયન્સ ફ્રેમવર્કને ઝડપથી અપનાવવા પડશે. બ્રિટિશ ઉત્પાદનો માટે ભારતના વિશાળ બજારના દ્વાર ખુલી ગયાં છે ત્યારે હવે જવાબદારી બ્રિટિશ ઉદ્યોગોની છે કે તેઓ આગળ વધે અને 21મી સદીના સૌથી મહત્વના ગ્રોથ માર્કેટમાં પોતાની સાથે સાથે યુકેના આર્થિક ભવિષ્યને પણ સુરક્ષિત કરે.
