નવનાત વડિલ મંડળે ૧૦ જુલાઇ, શુક્રવારના રોજ એમના સભ્યોમાંથી સિમાચિહ્ન સમી ૮૫ અને ૯૦ વર્ષની જીવન સફર પૂર્ણ કરી હોય તેઓને સન્માનવાનો એક સુંદર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ૫૦૦ થી વધુ સભ્યોએ હાજર રહી વડિલો પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો. આ ઉમરે પહોંચનાર ૨૨ સભ્યો હતા જેમાંથી ૨૦ હાજર રહ્યાં હતાં. હાજર રહેલાઓએ પોતાના દીર્ધાયુના રહસ્યો ખોલતા સૌ પ્રથમ નવનાત વડિલ મંડળની પ્રવૃત્તિઓને ક્રેડિટ આપી હતી. દર શુક્રવારની રાહ તેઓ આતુરતાપૂર્વક જોતા હોય છે એવું જણાવ્યું હતું..
વડિલોના આ રીતે બહુમાન કરી એમના પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ પરંપરા માનને પાત્ર છે. જીવવાનો હોંસલો વધારવા સાથે એમના અનુભવ, શાણપણ અને શીખામણનો લાભ સમાજને મળે એવો ઉમદા હેતુ સરાહનીય છે.
વડિલ મંડળના પ્રમુખ શ્રી નટુભાઇ મહેતાએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર બંસરીબહેન રૂપાણી અને મીનાબહેન સંઘાણીએ સન્માન જેમનું કરવાનું હતું તે સૌ વડિલોનો એક પછી એક પરિચય આપી એમના કુટુંબીજનો સાથે આમંત્રી એમના દીર્ઘાયુના રહસ્ય સભાજનો સમક્ષ ખોલવા જણાવ્યું હતું. જીવન જીવી લેવાનો તેમનો હકારાત્મક અભિગમ પ્રેરણાદાયી રહ્યો. પ્રતયેક સન્માનિત વડિલોને એમના ફોટાવાળો મગ બનાવી યાદગીરી રૂપે સમાજ તરફથી ભેટરૂપે સાદર કરાયો હતો. સંસ્થાના કમિટી સભ્યોના હસ્તે એમનું બહુમાન કરાયું હતું. પૂર્ણિમાબહેન મેશ્વાણીએ “હેપી બર્થ ડે”નું ગીત ગાઇ સૌને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે હેરોના મેયર કાઉન્સિલર શ્રી યોગેશ તૈલી અને મેયરેસે તેમજ ગુજરાત સમાચારના પ્રતિનિધિએ સવિશેષ હાજર રહી સૌ વડિલોને અભિનંદન પાઠવ્યાં હતાં. આ ઉજવણીમાં માઇક સિસ્ટમ અને વચમાં જે તે સન્માનાર્થીઓની તસવીર તેમજ પ્રિય ગીતની ધૂન વગાડવાની જવાબદારી શ્રી સુરેશભાઇ મહેતાએ સંભાળી હતી.
સવારના સૌ વડિલો ઉત્સાહભેર નવનાત હોલમાં પહોંચી ગયા હતા. શરૂમાં ચા-નાસ્તો અને કાર્યક્રમ બાદ સ્વાદિષ્ટ ભોજનની મિજબાની માણી મીઠી સ્મૃતિઓ સહ સૌ વિખરાયાં હતાં.
સન્માનિત વડિલોમાં ૯૦ વર્ષના સર્વશ્રી ચંદ્રકાન્તભાઇ એમ બાખડા, જશુમતિબહેન પી.રૂપાણી, અશોકભાઇ ગોસાલીયા, અવંતિલાલ જસાણી, કુંદનબાલા કોઠારી, છોટાલાલ કોઠારી, શાંતિલાલ કે.શાહ હતા.
૮૫ વર્ષના વડિલો: અનસુયાબહેન બાવીશા, વિનોદભાઇ જે. બખાઇ, રંજનબહેન વી. ચુડગર (હાજર રહ્યાં ન હતાં), કુમુદબાલાબહેન એસ.કામદાર, મધુલતાબહેન કોઠારી, વિનોદિનીબહેન મનહર મહેતા, યશુમતિબહેન એસ. મહેતા, કિશોરકુમાર એચ. મહેતા, ચંદ્રિકાબહેન એન.કોઠારી (હાજર રહ્યાં ન હતાં), જશવંતિબહેન બી.મહેતા, નૌતમલાલ કે.પટેલ, હરિશભાઇ ડી. સાવડિયા, કાન્તાબહેન એસ શાહ, વિદ્યાબહેન આર. શાહ અને વસુમતિબહેન વોરા.

