કિંગ ઓફ નોર્થ તરીકે જાણીતા એન્ડી બર્નહામ લેબર નેતૃત્વની રેસમાં બિનહરીફ પૂરવાર થઇને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યાં છે. ગ્રેટર માન્ચેસ્ટરના મેયર તરીકેની તેમની કામગીરીની ભરપૂર પ્રશંસા થઇ છે પરંતુ વડાપ્રધાનપદ અને મેયરપદમાં મોટો તફાવત છે. સર સ્ટાર્મરના અનુગામી બનવા માટે તેમને 349 જેટલા લેબર સાંસદોનું સમર્થન તો હાંસલ થઇ ગયું છે પરંતુ પ્રાદેશિક સ્તરે હાંસલ કરેલી સફળતા અને રાજકીય ઓળખ વેસ્ટમિન્સ્ટરની આકરી અને ક્રુર વાસ્તવિકતા સામે ટકી શકશે કે કેમ તે વિચાર માગી લેતો સવાલ છે.
બર્નહામનું સૌથી આકર્ષિત કરનારું પાસુ તેમના પુરોગામી સર સ્ટાર્મરથી તદ્દન અલગ વ્યક્તિત્વ છે. આધુનિક રાજકારણમાં તેઓ આમ આદમી સાથે વાસ્તવિક સંબંધ બાંધવાની ક્ષમતાનો દુર્લભ ગુણ ધરાવતા નેતા છે. કોરોના મહામારીના સમયગાળામાં વેસ્ટમિન્સ્ટર સામેના તેમના હાઇ પ્રોફાઇલ સંઘર્ષોથી માંડીને પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સસ્તા રહેણાંકની હિમાયતે બર્નહામને એક અલગ રાજકીય ઓળખ આપી છે. તેમ છતાં પ્રાદેશિક સમસ્યાઓ અને સમગ્ર દેશની સમસ્યાઓમાં ઘણું અંતર હોય છે. તેમાં ફક્ત એક શહેરના નહીં પરંતુ સમગ્ર દેશના નાગરિકોને સંતુષ્ટ કરવાનો પડકાર રહેલો છે. તે ઉપરાંત વિવિધ મુદ્દાઓ પર પાર્ટીને એકજૂથ રાખવી અને પક્ષમાંના જ આંતરિક મતભેદો સામે લડવું મોટો પડકાર બની શકે છે. તેથી જ બર્નહામની એક મેયરથી સીધા વડાપ્રધાન બનવાની સફર જોખમોથી ભરેલી છે. બર્નહામ વારસામાં મળનારી અત્યંત જટિલ સમસ્યાઓ સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. તેમની સામેનો સૌથી મોટો પડકાર તો નાણાકીય મર્યાદાઓનો છે. તેમણે ઇનકમ ટેક્સ, નેશનલ ઇન્સ્યોરન્સ અથવા વેટ નહીં વધારવાના વચનને વળગી રહેવાની ખાતરી તો આપી છે તો સામે પક્ષે તેમણે જાહેર સેવાઓ માટે, સંરક્ષણ ખર્ચ વધારવા આર્થિક સ્ત્રોતો શોધી કાઢવા પડશે.
કિંગ ઓફ નોર્થ તરીકે જાણીતા બર્નહામે તેમની છાપ પ્રમાણે પ્રાદેશિક પક્ષપાત ન થાય તે સુનિશ્ચિત કરવું પડશે. ઉત્તર બ્રિટન સાથેના તેમના લગાવને કારણે દક્ષિણના લેબર સાંસદો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે તેવી સ્થિતિમાં તેમણએ ઝડપથી પૂરવાર કરવું પડશે કે તેઓ ફ્ક્ત ઉત્તર બ્રિટનના ચેમ્પિયન નહીં પરંતુ સમગ્ર યુકેના વડાપ્રધાન છે.
બર્નહામે ઇમિગ્રેશન, ગેરકાયદેસર માઇગ્રેશન, ન્યાય પ્રણાલિ અને લેબર પાર્ટીમાં જ વૈચારિક મતભેદોનો પણ સામનો કરવો પડશે. અસાયલમના નિયમો વધુ આકરા બનાવવાની હોમ સેક્રેટરી શબાના માહમૂદની યોજનાઓથી ડાબેરી ઝોક ધરાવતા લેબર સાંસદો ઘણા નારાજ છે. બર્નહામે જમણેરી અને ડાબેરી સાંસદો વચ્ચે સંતુલન જાળવવામાં ભારે મહેનત કરવી પડશે.
આખરે બર્નહામની સફળતાનો આધાર તેઓ તેમના જાણીતા ભાવનાત્મક જોડાણને વ્યવહારિક અને કડક શાસનમાં કેવી રીતે પરિવર્તિત કરે છે તેના પર રહેલો છે. લોકપ્રિય પગલાંઓની સાથે સાથે વહીવટી શિસ્ત જાળવી આકરાં નિર્ણય લેવાની તૈયારી પણ રાખવી પડશે. અને તો જ તેઓ બ્રિટિશ લોકશાહી અને અર્થતંત્રને નવી દિશા આપી શકશે. જો તેઓ નિષ્ફળ જશે તો ટૂંકસમયમાં સમજાઇ જશે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટનો તાજ કેટલો મુશ્કેલ છે.
