આણંદથી પરમાનંદનો વૈશ્વિક સંદેશો - મહંત સ્વામી મહારાજના હસ્તે વિશ્વભરમાં આસ્થાના બીજનું વાવેતર

- સી.બી. પટેલ Tuesday 15th September 2026 09:23 EDT
 
 

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નોંધપાત્ર સિદ્ધિઓ અને BAPS સ્વામિનારાયણ સંસ્થાની અવિરત વૈશ્વિક પ્રગતિ તેમની પશ્ચાદભૂથી પરિચિત કોઈ પણ માટે આશ્ચર્યકારી ન હોવાં જોઈએ. તેમની યાત્રા બૌદ્ધિક શિસ્ત, આધ્યાત્મિક
ઊંડાણ, સમર્પિત સેવા તેમજ લોકોને સમજવાની અને તેમની નેતાગીરી સંભાળવાની કુદરતી ક્ષમતાના દુર્લભ સમન્વયનું પ્રતિબિંબ દર્શાવે છે.
મેં મારા ઘણા લેખો અને કોલમ્સમાં ઉલ્લેખ કર્યો છે તેમ BAPS સાથે મારો ઊંડો અને દીર્ઘકાલીન સંબંધ રહ્યો છે. સંસ્થા સાથે મારો સંબંધ માત્ર સંસ્થાગત નથી, તે મારા પારિવારિક ઈતિહાસ અને પેઢીઓ સુધી વિસ્તરેલા ઘણા કિંમતી અંગત અનુભવો સાથે સંકળાયેલો છે. પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે ઔપચારિકપણે આ નોંધપાત્ર સંસ્થાની સ્થાપના કરી તે પહેલાથી મારા દાદા આ ધર્મપ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા.
BAPSના છઠ્ઠા અને વર્તમાન આધ્યાત્મિક ગુરુ અને સાધુ કેશવજીવનદાસજી તરીકે પણ જાણીતા મહંત સ્વામી મહારાજનો જન્મ મધ્ય પ્રદેશના જબલપુરમાં ડાહીબહેન અને મણિભાઈ નારાયણભાઈ પટેલને ત્યાં થયો હતો. તેમના પિતા મૂળ ગુજરાતના આણંદના હતા અને ધંધાર્થે જબલપુર જઈ વસ્યા હતા.
તેમના જન્મના થોડા જ દિવસો બાદ, BAPSના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જબલપુરની મુલાકાત લીધી હતી. તેમણે નવજાત બાળકને આશીર્વાદ આપ્યા અને તેમને કેશવ નામ આપ્યું. જોકે, પરિવાર તેમને પ્રેમથી વિનુ નામથી જ બોલાવતો હતો. વિનુભાઈએ તેમના પ્રારંભિક વર્ષો જબલપુરમાં વીતાવ્યા અને ક્રાઈસ્ટ ચર્ચ બોઈઝ સીનિયર સેકન્ડરી સ્કૂલમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો. તેજસ્વી અને વિચારવંત વિદ્યાર્થી વિનુભાઈ પાછળથી તેમના માતાપિતા સાથે મૂળ વતન આણંદ પરત થયા. આણંદે ડોક્ટર સ્વામી સહિત અનેક આદરપાત્ર સાધુઓ BAPSને આપ્યા છે.
આણંદમાં તેમણે બંસીલાલ અમૃતલાલ કોલેજ ઓફ એગ્રિકલ્ચરમાં પ્રવેશ મેળવ્યો અને એગ્રિકલ્ચરમાં સ્નાતકની ડીગ્રી પૂર્ણ કરી. તેમના જેવી શિક્ષણ, બુદ્ધિપ્રતિભા અને ક્ષમતા સાથે ઘણી વ્યાવસાયિક તકો તેમના સામે ખુલ્લી હતી. આમ છતાં, ચીલાચાલું કારકિર્દીમાં આગળ વધવાના બદલે તેમણે સંન્યાસ અને સેવાનું જીવન પસંદ કર્યું.
યોગીજી મહારાજ સાથે તેમના સંબંધે તેમની આધ્યાત્મિક ઈચ્છાને જાગૃત કરી અને મજબૂત બનાવી. યોગીજી મહારાજની પવિત્રતા, સ્નેહ અને નિઃસ્વાર્થ ભાવના સાથેના જીવનથી પ્રેરિત થઈ વિનુભાઈએ તેમનું જીવન ઈશ્વર, ગુરુ અને કોમ્યુનિટીને સંપૂર્ણપણે સમર્પિત કરવાનો નિર્ણય લીધો. યોગીજી મહારાજે તેમને 1957માં પાર્ષદ દીક્ષા આપી અને પુનઃ વિનુ ભગત તરીકે નામકરણ કર્યું.
1961માં ગઢડામાં BAPS સ્વામિનારાયણ મંદિરના કળશ મહોત્સવ દરમિયાન યોગીજી મહારાજે 51 શિક્ષિત યુવાનોને સાધુ તરીકે દીક્ષા આપી. વિનુ ભગતને ભગવતી દીક્ષા પ્રાપ્ત થઈ અને તેમને સ્વામી કેશવજીવનદાસ નામ આપવામાં આવ્યું. નવદીક્ષિત સાધુઓને સંસ્કૃત શીખવા મુંબઈ મોકલવામાં આવ્યા ત્યારે સ્વામી કેશવજીવનદાસને દાદર મંદિરના વડા અથવા મહંત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ ભૂમિકા થકી જ તેઓ આદરસહ મહંત સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા.
BAPS મૂવમેન્ટના વિકાસમાં દાદર મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું. તે ખાસ કરીને, ભારત અને ઈસ્ટ આફ્રિકા અને પાછળથી વિશ્વના અન્ય વિસ્તારો વચ્ચે પ્રવાસ કરતા હરિભક્તો માટે નોંધપાત્રપણે મહત્ત્વનું હતું. ત્યાં મહંત સ્વામી મહારાજની સેવાએ તેમને સતત વધી રહેલી અને વૈવિધ્યપૂર્ણ આધ્યાત્મિક કોમ્યુનિટીના કેન્દ્રમાં લાવી દીધા.
સમયાંતરે, તેઓ માત્ર એક જ્ઞાતિ, કોમ્યુનિટી અથવા પ્રદેશના લોકો થકી જ નહિ, વિવિધ પશ્ચાદભૂ સાથેના લોકો દ્વારા સ્નેહને પાત્ર બની રહ્યા. આ સાર્વત્રિક સ્નેહ તેમની પોઝિશન થકી મળતો ન હતો, તેમની સાદગી, નમ્રતા, શિસ્ત અને જેમના પરિચયમાં આવતા તે તમામ માટે અંગત ચિંતા થકી સ્નેહ મળતો હતો.
મહંત સ્વામી મહારાજ સૌપ્રથમ 1951માં પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા હતા અને તેમની સાધુતા અને આધ્યાત્મિક મહાનતાથી તેઓ ભારે પ્રભાવિત થયા હતા. 1971 પછી, પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા અને માર્ગદર્શન હેઠળ તેમણે સમગ્ર ભારત અને વિદેશમાં સતત વિચરણ કર્યું તેમજ સત્સંગને મજબૂતી બક્ષી અને અસંખ્ય ભાવિકોને પ્રેરણા પુરી પાડી હતી. તેમણે સંસ્થાના મુખ્ય ઉત્સવો, બાળકો અને યુવાનોની પ્રવૃત્તિઓ, અક્ષરધામ પ્રોજેક્ટ્સ અને સંખ્યાબંધ અન્ય આધ્યાત્મિક ઈનિશિયેટિવ્ઝને પણ સમર્પિત સેવા પુરી પાડી હતી. તેમનું યોગદાન કદી જાહેર પ્રસંગો સુધી મર્યાદિત રહ્યું નથી. વર્ષોની મૂક સેવા, અંગત બલિદાનો અને પોતાના ગુરુઓ પ્રતિ સંપૂર્ણ આજ્ઞાકારિતા થકી યોગદાન વધતું જ રહ્યું.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 13 ઓગસ્ટ, 2016ના રોજ અક્ષરનિવાસી થયા પછી, મહંત સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત પરંપરાના છઠ્ઠા ગુરુ બન્યા.
હું મારી જાતને બોચાસણમાં પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના રુબરુ દર્શન કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તેવા થોડા ભાગ્યશાળી લોકોમાં એક હોવાનું માનું છું. આ અનુભવોએ મને આજે મહંત સ્વામી મહારાજ આગળ લઈ જઈ રહ્યા છે તે પવિત્ર આધ્યાત્મિક પરંપરાની ગાઢ અને અંગત સમજણ પુરી પાડી છે.
લંડનમાં નિસ્ડન સ્વામિનારાયણ મંદિર ખાતે BAPS શતાબ્દી ઉજવણીઓ ચાલી રહી હતી ત્યારે 26 સપ્ટેમ્બર 2007ના દિવસનું વિશેષ સ્મરણ મને રહ્યું છે. સભાને સંબોધવા દરમિયાન, પ્રમુખ સ્વામી મહારાજે લગભગ 20 મિનિટ સુધી મારા દાદા મણિભાઈ, મારા પિતા બાબુભાઈ અને મારા કાકા અપાકાકા સાથે તેમના વિશિષ્ટ સંબંધ વિશે વાત કરી ત્યારે હું ખૂબ ગળગળો થઈ ગયો હતો. આ અંગત તીવ્ર લાગણીશીલતા અને કૃતજ્ઞતાની પળ હતી.
મારા પરિવાર માટે પ્રમુખ સ્વામી મહારાજનો સ્નેહના મૂળ મારા બાળપણના દિવસોની ઘટનામાં રહેલા છે. ભાદરણની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતી વેળાએ તેમને અને અન્ય સાધુ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો અને બળજબરીથી તેમને ધાર્મિક સ્થળેથી દૂર કરી દેવાયા હતા. તેમનો સરસામાન બહાર ફેંકી દેવાયો હતો અને બે યુવા સાધુઓને અપમાનિત કરાયા હતા. મારા પિતા બાબુભાઈને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તત્કાળ દરમિયાનગીરી કરી હતી. તેમણે સાધુઓના ગૌરવને પુનઃસ્થાપિત કરાવ્યું, જે લોકો જવાબદાર હતા તેમનો સામનો કર્યો અને યુવા સાધુઓને પાઠશાળામાં પરત ફરવા દેવાય તેની ચોકસાઈ કરી હતી.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વિશેષ આભાર સાથે મારા પિતાના સપોર્ટને યાદ કર્યો હતો. હું જ્યારે પણ તેમને યુકે, ભારત અથવા અમેરિકામાં મળતો ત્યારે તેઓ ઘણી વખત ભાદરણના એ અનુભવને યાદ કરતા હતા. આમાં એક શક્તિશાળી બોધપાઠ રહ્યો છેઃ તમે જીવનમાં ગમેતેટલી પ્રગતિ સાધો, તમારે પોતાના મૂળિયાં, માર્ગમાં સામનો કરવો પડ્યો હોય તેવી મુશ્કેલીઓ અથવા સૌથી મહત્ત્વનું, પડકારજનક સમયમાં તમને સપોર્ટ આપ્યો હોય તેવી વ્યક્તિઓને કદી ભૂલવા ન જોઈએ, આધ્યાત્મિક પરંપરાને સમજાવતા લક્ષણોમાં એક કૃતજ્ઞતા દર્શાવવાની ક્ષમતાનું પ્રતિનિધિત્વ આજે મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે.
મારા મતે, એગ્રિકલ્ચરનું તેમનું શિક્ષણ તેમના નેતૃત્વને અર્થસભર રીતે સમજાવે છે. ખેડૂત કદી જમીનનો અભ્યાસ કર્યા વિના બીજને ગમે ત્યાં નાંખતો નથી. તે જમીનની ગુણવત્તા સમજે છે, તેની જરૂરિયાતને સમજે છે અને સૌથી સારો પાક ક્યાં લઈ શકાશે તેનો નિર્ણય કરે છે. તે કાળજીપૂર્વક જમીનને તૈયાર કરે છે, યોગ્ય સમયે વાવણી કરે છે અને તેણે જે વાવેતર કર્યું છે તેને ધીરજપૂર્વક પોષે છે.
મહંત સ્વામી મહારાજ આ જ સમજણ સાથે નેતૃત્વ કરે છે. તેઓ વિવિધ પ્રકારના લોકો, કોમ્યુનિટીઓ અને દેશોના ચારિત્ર્ય અને જરૂરિયાતોને સમજે છે. તેઓ ભૂમિને કેવી રીતે તૈયાર કરવી, ક્યારે વૈચારિક બીજને વાવવું અને તે ટકાઉ અને લાભકારી બનવા સુધી વિકસે ત્યાં સુધી કેવી રીતે ઉછેરવું તે બરાબર જાણે છે. તેમનો અભિગમ કાળજીપૂર્વકના આયોજન અને આધ્યાત્મિક ડહાપણનું સંયોજન છે. આ બાબત યાંત્રિકતા દર્શાવ્યા વિના સુવ્યવસ્થિત રહેવાની, વિનમ્રતા ગુમાવ્યા વિના મહત્ત્વાકાંક્ષી બનવાની અને ગાઢ અંગતપણાને જાળવી રાખવા સાથે વૈશ્વિક પહોંચ મેળવવાની છે.
હું બ્રિટનમાં BAPSના પ્રારંભિક વર્ષો દરમિયાન તબક્કાવાર વિકાસનો સાક્ષી રહ્યો છું. મને વિશાળહૃદયી સદગૃહસ્થ પી.કે. પટેલના નાના ફ્લેટની મુલાકાત બરાબર યાદ છે, જ્યાં તેઓ સત્સંગનું આયોજન કરતા અને પ્રેમથી સ્વાદિષ્ટ ભોજન પણ પીરસતા. આ નાના મેળાવડામાં કદાચ પાંચથી દસ વ્યક્તિઓ હાજર હતી. મને યાદ છે કે અન્ય સમર્પિત હરિભક્તો સાથે
શ્રી મેઘાણી, ડો. આર.પી. શાહ, પુનમભાઈ પટેલ અને બેરિસ્ટર તરીકે તાલીમ લઈ રહેલા મહિન્દ્રભાઈ પટેલ પણ હતા. આ નાનકડા આરંભથી અસાધારણ યાત્રાનું પ્રગટીકરણ થયું હતું. સમયાંતરે, તેમના સામૂહિક પ્રયાસો 1970માં નોર્થ લંડનના ઈઝલિંગ્ટનમાં પ્રથમ BAPS હિન્દુ મંદિરની સ્થાપના તરફ દોરી ગયા હતા.
આ નાના અને અંતરંગ મેળાવડા આપણને BAPS આજે જે બન્યું છે તેની વ્યાપકતા સમજવામાં મદદ કરે છે. હવે તે માત્ર આધ્યાત્મિક અથવા ધાર્મિક સંસ્થાથી પણ વિશેષ છે અને તેની હાજરી કે પહોંચ ગુજરાત અથવા ભારત સુધી મર્યાદિત રહી નથી. BAPSનો વિકાસ લગભગ દરેક ખંડમાં સમુદાયો સુધી ગહન ફીલોસોફી અને શાશ્વત મૂલ્યોને આગળ લઈ જતા સનાનત આસ્થાના આંતરરાષ્ટ્રીય અને બહુવંશીય અવતાર સ્વરૂપમાં થયો છે.
આ કારણોસર, મહંત સ્વામી મહારાજની રાહબરી હેઠળ BAPSની અવિરત પ્રગતિને અનુશાસિત તૈયારી અને નિઃસ્વાર્થ સેવાને સમર્પિત જીવનના કુદરતી પરિપાક તરીકે નિહાળવી જોઈએ. અબુ ધાબી અને વ્યાપક મિડલ ઈસ્ટમાં સૌપ્રથમ પથ્થરનું હિન્દુ પરંપરાગત મંદિર, અબુ ધાબીનું BAPS હિન્દુ મંદિર આપણા સમયખંડનું સ્થાપત્ય અને આધ્યાત્મિક આશ્ચર્યોમાંનું એક બન્યું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વિઝન અને આશીર્વાદ સાથે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ આ પ્રોજેક્ટના પ્રાથમિક આયોજનથી માંડી તેની પરિપૂર્ણતા સુધી અગ્રેસર રહી અથાક કામગીરી બજાવી હતી. UAE લીડરશિપ, સરકારના સત્તાવાળાઓ, પ્રોફેશનલ્સ, સ્વયંસેવકો અને વ્યાપક કોમ્યુનિટીને એકસાથે લાવવાની તેમની ક્ષમતા આજે આસ્થા, સંવાદિતા અને પારસ્પરિક આદરના પ્રતીકરૂપે ખડાં થયેલાં મંદિરના સર્જનમાં કારણભૂત બની હતી.
હવે, ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર વધુ એક ઐતિહાસિક સિદ્ધિનું સોપાન છે. પેરિસમાં દીર્ઘકાલીન વિઝનની પરિપૂર્ણતા દર્શાવે છે કે ધીરજપૂર્વક પોષવામાં આવે ત્યારે આધ્યાત્મિક મહેચ્છાઓ સમયાંતરે કેવી રીતે ભાવિ પેઢીઓ માટે આસ્થા અને પ્રેરણાનો સ્રોત બની રહે છે. આમ છતાં, પેરિસને આ યાત્રાના સમાપન તરીકે નિહાળવું ન જોઈએ. તે તો માત્ર અન્ય મહત્ત્વપૂર્ણ અધ્યાયનો શુભારંભ છે.
હું માનું છું કે આવનારાં વર્ષોમાં વિશ્વ મહંત સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ BAPS તરફથી અનેક વધુ વિચારપ્રેરક અને નવતર ઈનિશિયેટિવ્ઝનું સાક્ષી બની રહેશે. સનાતન હિન્દુ મૂલ્યો અને તેમના ગુરુઓની આધ્યાત્મિક ધરોહરમાં મજબૂત મૂળિયા સાથે તેમનું વિઝન પરિવર્તન પામી રહેલા સમય અને ભાવિ પેઢીઓની જરૂરિયાતોના પ્રતિસાદરૂપ બની રહેશે.
વર્તમાનમાં, તેમના નેતૃત્વના ફળ સમગ્ર વિશ્વના ખંડોમાં નિહાળી શકાય છે, માત્ર ભવ્યતમ મંદિરોમાં નહિ, પરંતુ અગણિત માનવહૃદયોમાં રોપાયેલા આસ્થા, મૂલ્યો અને ચારિત્ર્યમાં પણ દૃશ્યમાન છે.


comments powered by Disqus