દુબઈઃ સાઉદી અરેબિયા હુથીઓ પરના હુમલાને લઈને બરોબરનું ફસાઈ ગયુ છે. સાઉદી તેના રક્ષણ માટે પરંપરાગત રીતે અમેરિકા અને પાકિસ્તાન પર ખૂબ ભરોસો કરતું હતું, પરંતુ હવે સમય આવે બંને ફસકી ગયા છે.
ઈરાનના ડ્રોન હુમલાએ અમેરિકાની સલામતીના ખાતરીનો ભ્રમ તોડી નાખ્યો છે. જ્યારે તુર્કી અને પાક. સાથે મક્કા કરાર કરીને સાઉદી પોરસાતુ હતુ કે તે મદદ આવશે, પરંતુ હુથીઓ સામેના હુમલામાં બંને દેશ પાણીમાં બેસી જતા મક્કા કરાર તાબૂત ભેગો થઈ ગયો છે.
આથી રઘવાયા થયેલા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હુથીઓ સામે લડવા અમેરિકાની મદદનો હાથ લંબાવ્યો હતો. આ માટે અમેરિકન પ્રમુખ ટ્રમ્પને એક જ દિવસમાં બે-બે વખત ફોન કર્યા હતા, પરંતુ ટ્રમ્પે બંને વખત ઈનકાર કર્યો હતો. આમ હુથીઓ સામે લડવા અમેરિકા કોઈ મદદ કરે તેવી આશા પણ ઠગારી નીવડી હતી. આ ઘટનાએ બતાવ્યું છે કે અમેરિકા અને પાકિસ્તાન દુશ્મન તો ઠીક મિત્ર તરીકે પણ સમય આવે કેવી રીતે પીઠ ફેરવી લે છે.હુથી બળવાખોરો અને સાઉદી સમર્થિત યમનની સરકાર વચ્ચે સંઘર્ષ વધતા સાઉદીએ ટ્રમ્પની મદદ માંગી હતી. ગુરુવારે બળવાખોરોએ રેડ સીના મહત્વના બંદર મોખા પર કબ્જો કર્યો. તેના લીધે તેઓ હવે બાબ અલ મંડેબ પર કબ્જો કરવાની નજીક પહોંચી ગયા. આના લીધે વધુ એક શિપિંગ રુટ પર અને ખાસ કરીને સાઉદીનું ક્રૂડ લઈ જતા જહાજો ભયમાં મૂકાયા છે.ટ્રમ્પ તંત્રના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રમુખ ખાડીમાં વધુ કોઈ મોરચો ખોલવા માંગતા નથી.
