નેપાળને ફરી બેઠું કરવા રૂ. 45 હજાર કરોડની જરૂર, મૃત્યુઆંક 1400ને પાર

Wednesday 16th September 2026 07:11 EDT
 
 

નવી દિલ્હીઃ નેપાળમાં તાજેતરમાં આવેલા ભીષણ પૂરમાં મોટી જાનહાનિ થઈ હતી, સાથે જ આર્થિક રીતે પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે. નેપાળના રેપિડ ડેમેજ એન્ડ નીડ્સ એસેસમેન્ટ દ્વારા નુકસાનનો અનુમાનિત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ આ નુકસાનીથી નેપાળને ફરી ઊભું કરવા માટે આશરે 470 કરોડ ડોલર એટલે કે 44,932 કરોડ ભારતીય રૂપિયાની જરૂર પડશે.
નેપાળ-તિબેટ સરહદે 26 ઓગસ્ટના રોજ ભારે પૂર આવ્યું હતું, ચીનના કબજાવાળા તિબેટમાં નબળા ડેમ તૂટી પડતાં નેપાળમાં આ તારાજી સર્જાઈ હતી. જેમાં આશરે 1400 લોકો માર્યા ગયા હતા, જ્યારે 5 હજારથી વધુ લોકો ગુમ થયા છે, જેની હજુ પણ શોધખોળ ચાલી રહી છે, આશરે 13,676 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. આ ઘટના માટે નેપાળે એવા દેશોને જવાબદાર ઠેરવ્યા છે, કે જેઓ મોટા ઉદ્યોગોને કારણે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, જેને કારણે હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યા છે અને તેથી પૂર આવી રહ્યા છે, નેપાળે આ દેશો પાસેથી નુકસાનીનું વળતર પણ માગ્યું છે. એવામાં નેપાળે પોતાને થયેલા નુકસાનમાંથી બહાર આવવા માટે થનારા અંદાજિત ખર્ચનો આંકડો જાહેર કર્યો છે. નેપાળે કહ્યું છે કે, અનેક ઇમારતો અને પર્યાવરણને નુકસાન થયું છે.


comments powered by Disqus