ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સૈન્યના જવાનોના કાફલાને નિશાન બનાવીને કરેલા હુમલામાં 23થી વધુ જવાનો માર્યા ગયા. આ ઉપરાંત સંખ્યાબંધ જવાનો ઘાયલ થયા છે.
બલૂચિસ્તાનના લાસબેલા જિલ્લામાં એન-25 નેશનલ હાઇવે પર આ હુમલો થયો હતો. બલૂચ લિબરેશન આમીએ લાસબેલાના કશારી વિસ્તારમાં ફ્રન્ટીયર ફોર્સના 15 વાહનોના કાફલાને નિશાન બનાવ્યો હતો. મળતી માહિતી મુજબ હુમલા બાદ સુરક્ષા દળોનાં વાહનોમાંથી એક વાહનને આગ ચાંપી દેવામાં આવી હતી. ઘાયલ જવાનોને લાસબેલા કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે આ ઘટના બાદ એન-25 નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, પાકિસ્તાની સેના કે તેની મીડિયા વિંગ દ્વારા હજુ સુધી જાનહાનિ અંગે કોઈ સત્તાવાર અને વિગતવાર આંકડો જાહેર કરાયો નથી, પરંતુ આ ઘટનાથી પાકિસ્તાનના સુરક્ષા તંત્રમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ અને ક્લિયરન્સ ઓપરેશન શરૂ કર્યું છે.

