પાકિસ્તાને વિઝા હોવા છતાં શીખ શ્રદ્ધાળુઓને રોક્યા

Wednesday 16th September 2026 07:27 EDT
 
 

નવી દિલ્હીઃ પાકિસ્તાનથી ભારત આવવા તૈયાર બેઠેલા 104 શીખ શ્રદ્ધાળુઓને એ સમયે ઝટકો લાગ્યો, જ્યારે તેમને એરપોર્ટ પર જ રોકી દેવાયા. શ્રી હેમકુંડસાહિબનાં દર્શન માટે આ શ્રદ્ધાળુઓને ભારત તરફથી વિઝા ઇશ્યૂ કરી દેવાયા હતા, આમ છતાં છેલ્લી ઘડીએ તેમને ફૈસલાબાદ એરપોર્ટથી શારજાહની ફ્લાઇટમાં ચઢવાથી રોકી દેવયા હતા. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી કોઈ ફ્લાઇટ નથી ઊડતી. ઓપરેશન સિંદૂર પછી અટારી-વાઘા બોર્ડરનો જમીની રસ્તો પણ બંધ છે. એ સ્થિતિમાં બંને દેશમાંથી મુસાફરોએ કોઈ ત્રીજા દેશમાં થઈને આવવું-જવું પડે છે.
રિપોર્ટ અનુસાર ઘણા સમય પહેલાં ભારત આવવાની તૈયારી કરી રહેલા આ શ્રદ્ધાળુઓને એ સમયે ઝટકો લાગ્યો જ્યારે પાકિસ્તાનના ઇમિગ્રેશન અધિકારીઓએ એરપોર્ટ પર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટની માગ કરી. તે બાબતે શ્રદ્ધાળુઓ તરફથી દલીલ કરાઈ કે તેમના પૈકી કોઈપણ સરકારી નોકરીમાં નથી, કે કોઈ રીતે સરકારનો ભાગ પણ નથી. તેમની પાસે પાસપોર્ટ છે અને કાયદેસરના વિઝા છે. એ સ્થિતિમાં એનઓસીની જરૂર નથી, તેમ છતાં પણ પાકિસ્તાની અધિકારીઓએ તેમને ફૈસલાબાદ એરપોર્ટ પર રોકી રાખ્યા અને તેમની ફ્લાઈટ જવા દીધી. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આવી ચેષ્ટાના લીધે તેમને ઘણું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે, તદ્દઉપરાંત તેમની ભારત યાત્રા પણ જોખમમાં મુકાઈ છે.
એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે આખા સમૂહને કુલ મળીને 2 કરોડ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થયું છે. જો તેમને સમયસર ફલાઇટ પકડવા દેવાઈ હોત, તો શુક્રવારે જ તેઓ ભારત પહોંચી જાત.


comments powered by Disqus