ઢાકાઃ બાંગ્લાદેશ ભારત સાથે થયેલા 101 સમજૂતી કરારને રદ કરવાની તૈયારી કરી રહ્યું છે. સત્તાધારી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ની સરકાર આ કરારની સમીક્ષા કરી રહી છે.
પાર્ટીના જણાવ્યા મુજબ એનું પરિણામ ખૂબ જ ઝડપથી સામે આવશે. બીએનપીના ચીફ વ્હિપ નુરુલ ઇસ્લામ મોનીએ આ અંગે જાહેરાત કરી હતી. મોનીએ શેખ હસીના સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા સમજૂતી કરારોને અયોગ્ય ગણાવ્યા છે. નવી સરકાર રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપશે.
આ સંભવિત રદ્દીકરણથી ભારત અને બાંગ્લાદેશના દ્વિપક્ષીય સંબંધોમાં મોટો તણાવ ઊભો થઈ શકે છે. ખાસ કરીને ભારતનાં પૂર્વોત્તર રાજ્યો માટે કનેક્ટિવિટીનો મુદ્દો વધુ જટિલ બનશે. શેખ હસીનાના શાસનકાળમાં ભારત સાથેના સંબંધો ઐતિહાસિક રીતે મજબૂત હતા.
ચટગાંવ-મોંગલા બંદરના કરાર જોખમમાં
ચટગાંવ-મૉગલા બંદર અંગે ભારત સાથે થયેલા કરારોની પણ બાંગ્લાદેશ સમીક્ષા કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેને પણ રદ કરવાની અટકળો સેવાઈ રહી છે. 2018માં આ બંને બંદરો અંગે ડીલ થઈ હતી. આ કરાર હેઠળ ભારત દરિયાઈ માલ-સામાન આ પોર્ટ પર ઉતારીને માર્ગ, રેલવે કે નદી દ્વારા પૂર્વોત્તર રાજ્યો સુધી મોકલી શકે છે. આ દરમિયાન અહીં ચીનની પહોંચ વધી રહી છે. જૂન 2026માં બાંગ્લાદેશ-ચીને મોંગલાના આધુનિકીકરણ અને ચટગાંવમાં ચીની આર્થિક ક્ષેત્ર બનાવવા પર સંમતિ દર્શાવી છે. જે બાદ ભારત પ્રત્યેનું બાંગ્લાદેશનું વલણ બદલાયું છે.

