ઢાકાઃ બાંગ્લાદેશના અગ્રણી દૈનિક અખબાર સમકાલના એક વરિષ્ઠ હિન્દુ પત્રકારનો મૃતદેહ મળવાથી સનસનાટી મચી ગઈ છે. બારીસલ જિલ્લામાં અખબારની બ્યૂરો ઓફિસમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર દેશમાં લઘુમતીઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. સમકાલના ભૂતપૂર્વ બારીસલ બ્યૂરો ચીફ 57 વર્ષીય પુલક ચેટર્જીનો મૃતદેહ ઓફિસની અંદર લટકતો મળ્યો હતો. આ ઘટનાની પુષ્ટિ કરતાં બારીસલ કોતવાલી પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે. અખબાર ઢાકા ટ્રિબ્યુનલે સ્થાનિક સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ચેટર્જીને લગભગ ત્રણ વર્ષ પહેલા સમકાલમાંથી દૂર કરાયા હતા.
