બ્રિક્સ સમિટમાં વૈશ્વિક મતભેદો વચ્ચે ભારતનો કૂટનીતિક વિજય

Wednesday 16th September 2026 06:20 EDT
 

યુદ્ધો, ભૂરાજકીય વિભાજનો અને સતત બદલાઇ રહેલી વૈશ્વિક પરિસ્થિતિઓ મધ્યે ભારતે ફરી એકવાર વિવિધ વૈશ્વિક સત્તાઓને નવી દિલ્હીમાં એક મંચ પર લાવીને બ્રિક્સ શિખલ સંમેલનનું સફળ આયોજન કર્યું અને સાથે સાથે જટિલ કૂટનીતિક પડકાર ઉઠાવ્યો. અસ્થિર વૈશ્વિક પૃષ્ઠભૂમિ વચ્ચે નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટ માત્ર એક ઔપચારિક બેઠક નહીં પરંતુ ભારતીય રાજનીતિ અને મુત્સદ્દીગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને ઉભરી આવી. વૈચારિક મતભેદો ધરાવતા સભ્ય દેશો વચ્ચેના પ્રાદેશિક સંઘર્ષો અને પરસ્પર વિરોધી વૈશ્વિક ગઠબંધનો વચ્ચે પણ નવી દિલ્હીએ બ્રિક્સમાં સર્વસંમતિ સાધવામાં સફળતા મેળવી. આ સમિટની સફળતા ભારતીય વ્યૂહાત્મક નીતિનો નિર્ણાયક વિજય દર્શાવે છે જે ગ્લોબલ સાઉથ અને પશ્ચિમી દેશો વચ્ચે એક અનિવાર્ય સેતુ તરીકે ભારતનું સ્થાન વધુ મજબૂત કરે છે.
આ સમિટની મુખ્ય કૂટનીતિક સફળતા જોઇન્ટ ડેકલેરેશન રહ્યું. બ્રિક્સના વિસ્તરણ બાદ તેમાં વિવિધ એજન્ડા ધરાવતા દેશો સામેલ થયા છે. ઇરાન અને યુએઇ જેવા પ્રાદેશિક તણાવમાં ઘેરાયેલા દેશો પણ આ મંચ પર સામેલ થયાં હતાં ત્યારે આ શિખર સંમેલન કોઇપણ પ્રકારના નિષ્કર્ષ વિના સમાપ્ત થવાનું જોખમ વધુ હતું પરંતુ જોઇન્ટ ડેકલેરેશન પર સફળતાપુર્વક સર્વસંમતિ સાધીને ભારતીય કૂટનીતિએ અસાધારણ કૌશલ્યનો પરિચય આપ્યો. ભારતે પશ્ચિમ એશિયા સંબંધિત વિવાદોમાં મધ્યસ્થતા કરી, તણાવ ઘટાડવા માટે એક સંતુલિત અને ઉચ્ચ-સ્તરીય વલણ અપનાવ્યું, જેને તમામ પક્ષોએ પોતાના મહત્વપૂર્ણ પ્રાદેશિક ભાગીદારોને નારાજ કર્યા વિના સમર્થન આપ્યું. શિખર સંમેલનને ડેડલોક તરફ દોરી જાય તેવા કટ્ટર વલણોથી દૂર રાખીને ભારતે બ્રિક્સની કાર્યકારી વિશ્વસનીયતા જાળવી રાખી અને પોતાની વૈશ્વિક ભાગીદારીઓને પણ સુરક્ષિત રાખી હતી.
બ્રિક્સમાં ભારત માટે સતત એક મુખ્ય પડકાર એ રહ્યો હતો કે આ મંચ બેઇજિંગ અને મોસ્કોના પ્રભાવ હેઠળ માત્ર પશ્ચિમ વિરોધી જૂથ ન બની જાય. ભારતનું વ્યૂહાત્મક હિત વૈશ્વિક શાસન પ્રણાલીમાં સુધારા કરવાનું છે નહીં કે તેને સંપૂર્ણપણે નષ્ટ કરવાનું. સમિટ દરમિયાન નવી દિલ્હીએ આર્થિક સમાનતા, નાણાકીય માળખાકીય સુધારાઓ અને સમગ્ર ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ તરફ સંયુક્ત એજન્ડાને સફળતાપૂર્વક અંજામ આપવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
ભારતે બ્રિક્સના સભ્યદેશો સમક્ષ કોઇપણ પ્રકારનો સંઘર્ષ ન થાય તે રીતે વ્યવહારુ ક્ષેત્રો પર ભાર મૂક્યો. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે ભારતના ડિજિટલ મોડેલને વિકાસશીલ દેશો સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે રજૂ કર્યું. ડોલર-વિરોધી કટ્ટર વલણ અપનાવ્યા વિના વધુ ન્યાયી વેપાર માળખા અને સ્થાનિક ચલણમાં વેપારની પદ્ધતિઓ માટે ભારપૂર્વક રજૂઆત કરી. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ જેવી વૈશ્વિક સંસ્થાઓમાં ઉભરતા બજારોને વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે સતત દબાણ જાળવી રાખ્યું. આ રચનાત્મક પહેલ દ્વારા ભારતે સુનિશ્ચિત કર્યું કે બ્રિક્સ વૈચારિક લડાઈનું મેદાન બનવાને બદલે આર્થિક સશક્તિકરણનું એક મજબૂત મંચ બની રહે.
આ સમિટ ભારતના ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે પણ એક મહત્વપૂર્ણ મંચ બની રહી. સમિટ દરમિયાન ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠકો યોજીને ભારતે કૂટનીતિક પરિપક્વતાનો પરિચય આપ્યો, જે દર્શાવે છે કે સીમા સુરક્ષા મુદ્દે સતર્ક રહીને પણ વૈશ્વિક મંચ પર આર્થિક હિતો માટે સહયોગ કરી શકાય છે. વધુમાં, ભારતે વૈશ્વિક વ્યવસ્થામાં પોતાનું સ્થાન યથાવત રાખ્યું જેથી પશ્ચિમના દેશો નારાજ ન થાય. ભારત બ્રિક્સનો એક મુખ્ય પાયરૂપ દેશ હોવા છતાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અને ક્વાડ સાથે પણ મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી જાળવી રાખે છે. વિશ્વમાં બહુ ઓછા દેશો પાસે એવું કૂટનીતિક સામર્થ્ય છે જે સવારે વોશિંગ્ટન સાથે સંરક્ષણ ક્ષેત્રે વાટાઘાટો કરી શકે અને સાંજે બેઇજિંગ, મોસ્કો અને તેહરાન સાથે મળીને જોઇન્ટ ડેકલેરેશન તૈયાર કરી શકે.
નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટે સાબિત કર્યું છે કે ભારતે પોતાને વૈશ્વિક શક્તિ તરીકે પૂરવાર કરવા માટે કોઈ એક વૈશ્વિક છાવણીની પસંદગી કરવાની જરૂર નથી. સંભવિત મતભેદો વચ્ચે પણ જોઇન્ટ ડેકલેરેશન રજૂ કરાવીને ભારતે બ્રિક્સને પશ્ચિમ વિરોધી મંચ બનવા દીધું નહીં અને ગ્લોબલ સાઉથના સતત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતે સાબિત કર્યું છે કે તેની વ્યૂહાત્મક સ્વાયત્તતાની નીતિ માત્ર એક બચાવ નથી પરંતુ વાસ્તવિક નેતૃત્વ છે. આ સમિટે નવી દિલ્હીની એક વ્યવહારુ અને સ્થિરતા પ્રદાન કરતી વૈશ્વિક શક્તિ તરીકેની છબીને વધુ સુદ્રઢ કરી છે.


comments powered by Disqus