બેઈજિંગઃ ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત પહેલા ભારત અને ચીન વચ્ચે 6 વર્ષ પછી સીધી વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. ચાઈના સધર્ન એરલાઈન્સ દ્વારા 21 સપ્ટેમ્બરથી ગ્વાંગઝુથી નવી દિલ્હી વચ્ચે નિયમિત પ્રવાસી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. બંને દેશો વચ્ચે હવાઈ સંપર્ક વધારે મજબૂત કરવાની દિશામાં આ મહત્ત્વનું પગલું છે. એરલાઈન્સનાં જણાવ્યા મુજબ તેની વિમાની સેવા શરૂ થયા પછી દક્ષિણ એશિયામાં તે પોતાની આઠ રાઉન્ડ ટ્રીપ રૂટ પર દરેક અઠવાડીયે 100થી વધારે ફ્લાઈટ્સનું સંચાલન કરશે. આને કારણે બંને દેશો વચ્ચે વેપાર ધંધા, પર્યટન અને લોકોની અવરજવરને વેગ મળશે. 2020માં ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં તંગદિલી, સરહદી વિવાદ અને કોરોનાને કારણે આ વિમાની સેવા બંધ કરાઈ હતી. કોરોના પ્રતિબંધો હટાવાયા પછી ભારત-ચીન વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરવા આડે સીમા વિવાદ તેમજ કૂટનીતિક તંગદીલીએ અવરોધો સર્જ્યા હતા.
દ. એશિયામાં વિમાની સેવા અંગે એરલાઈન્સે કહ્યું હતું કે નવી દિલ્હી ખાતે વિમાની સેવા શરૂ થતાં બંને દેશો વચ્ચેનો વેપાર અને પ્રવાસન તથા અનેક લોકો વચ્ચે સીધો હવાઈ સંપર્ક સ્થપાશે.

