મીડલ ઇસ્ટમાં સાઉદી સાથે અંદરખાને કોઇ મોટી રમત રમાઇ રહી છે...

Wednesday 16th September 2026 06:21 EDT
 

મીડલ ઇસ્ટમાં બહુ મોટી રમત રમાઇ રહી હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. અંદરખાને શું રંધાઇ રહ્યું છે તેની કલ્પના કરવી પણ અઘરી બની રહી છે. ઇઝરાયેલ-હમાસ, ઇઝરાયેલ-ઇરાન અને અમેરિકા-ઇરાન વચ્ચેના સંઘર્ષનો હજુ અંત આવ્યો નથી ત્યાં સાઉદી અરબ અને યમનના ઇરાન સમર્થિત હૂથી ઉગ્રવાદીઓ વચ્ચે ઘમાસાણ યુદ્ધના મંડાણ થઇ ગયાં છે. આમ તો બંને વચ્ચેનો સંઘર્ષ ઘણો જૂનો છે પરંતુ તાજેતરમાં હૂથીઓએ અપનાવેલી આક્રમકતાએ તમામ સમીકરણો બદલી નાખ્યા છે. તેમાં પણ અમેરિકાએ સાઉદીને મદદ કરવા નનૈયો ભણી દેતાં કોકડું વધુ ગૂંચવાઇ ગયું છે. તાજેતરમાં જ સાઉદી અરબ, પાકિસ્તાન અને તૂર્કી વચ્ચે મક્કા કરાર કરવામાં આવ્યો જે અંતર્ગત આ ત્રણમાંથી એકપણ દેશ પરનો હુમલો અન્ય દેશ પરનો હુમલો પણ ગણાશે તેવી જાહેરાત કરવામાં આવી પરંતુ પાકિસ્તાન અને તૂર્કી પણ પાણીમાં બેસી જતાં સાઉદીના સત્તાવાળા પોતે એકલા પડી ગયા હોવાનું પ્રતીત કરી રહ્યાં છે.
અત્યાર સુધી અમેરિકા પર દારોમદાર રાખનાર અને મીડલ ઇસ્ટમાં અમેરિકાના દરેક પાપમાં ભાગીદાર એવા સાઉદીને છેલ્લી ઘડીએ અમેરિકાએ દગો કર્યો હોય તેમ લાગી રહ્યું છે પરંતુ તેમાં પણ મોટી કૂટનીતિક રમત રમાઇ રહી છે. મીડલ ઇસ્ટમાં અમેરિકા ઇઝરાયેલના હિતો માટે જ કામ કરતો રહ્યો છે. આરબ દેશો તરફથી ઇઝરાયેલને કોઇ જોખમ ન રહે તે માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અબ્રાહમ કરાર સ્થાપિત કરવામાં આવ્યો જેમાં યુએઇ સહિતના આરબ દેશો એક પછી એક સામેલ થઇ રહ્યાં છે. પરંતુ સાઉદી અરબ આ મુદ્દે નમતું જોખવા તૈયાર નહોતો. હવે સાઉદી હૂથી ઉગ્રવાદીઓના પ્રચંડ હુમલાનો સામનો કરી રહ્યો છે ત્યારે ટ્રમ્પે મદદ માટે સાઉદીનું નાક દબાવવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. જો સાઉદી અબ્રાહમ કરારમાં સામેલ થઇ જાય તો મીડલ ઇસ્ટમાં ઇઝરાયેલ સામે કોઇ મોટી શક્તિ મેદાનમાં ન રહે. સાઉદી માટે આ સ્વીકારવું અઘરૂં છે પરંતુ જો તેને તેમ કરવાની ફરજ પડશે તો અમેરિકા અને ઇઝરાયેલ સાથે મળીને હૂથીઓનો ખાત્મો કરી નાખશે. હવે દડો સાઉદીના પાલામાં છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સાઉદીએ અમેરિકાના દબાણથી ઇઝરાયેલ સાથે સમાધાન કરવું જ પડે તેવી સ્થિતિનું નિર્માણ ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યાં છે. હવે જોવું રહ્યું કે, સાઉદી એકલા હાથે હૂથીઓનો સામનો કરે છે કે અમેરિકા-ઇઝરાયેલની શરણાગતિ સ્વીકારી લે છે.


comments powered by Disqus