‘શિવો ભૂત્વા શિવં યજેત્’ - શિવની પૂજા કરવા શિવ જેવા થવું પડે

બાદલ રમેશચંદ્ર લખલાણી Wednesday 16th September 2026 07:11 EDT
 
 

સનાતનનો ભગવો ધ્વજ યુકેની ધરતી પરથી પણ સતત ફરકાવતા ગુજરાત સમાચાર અને તેના સંપાદક-તંત્રી સી.બી. પટેલ દ્વારા આયોજિત ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતનો 88મો અધ્યાય શ્રાવણ માસને સમર્પિત રહ્યો. જેને મુખ્ય વક્તા અને વહીવટી ક્ષેત્રના ઉચ્ચ હોદ્દા પર રહી ચૂકેલા ડો. ભાગ્યેશ જ્હા સહિતના મહેમાનોએ દીપાવ્યો હતો.
કાર્યક્રમની રૂપરેખા આપતાં ભારતીબહેન પંકજ વોરાએ કહ્યું કે, આજે આપણે એવા પવિત્ર માસમાં મળ્યા છીએ, જેને ભારતીય સંસ્કૃતિમાં ભક્તિ, ઉપાસના, સંયમ અને અંતરઆત્માની શુદ્ધિ માટેનો ખાસ કાળખંડ માનીએ છીએ. શ્રાવણ માત્ર આપણને શિવપૂજા જ નહીં, મનની શાંતિ, જીવનમાં પવિત્રતા અને અંતરમાં રહેલા દિવ્ય તત્ત્વને જાગૃત કરવાનું પણ શીખવે છે. આજના મુખ્ય વક્તા ભાગ્યેશ જ્હા વહીવટમાં નિપુણતાની સાથે શાસ્ત્રોના જ્ઞાતા, સંવેદનશીલ સાહિત્યકાર, ચિંતક અને આધ્યાત્મિક અભિગમ પણ ધરાવે છે. તેમની સાથે જાણીતાં ગાયિકા કૃતિબહેન ઉપાધ્યાય તેમનાં ભજનોથી વાતાવરણને વધુ દિવ્યતા પ્રદાન કરશે.
ભારતીબહેને કાર્યક્રમની રૂપરેખા અને વક્તાઓની ઓળખ આપ્યા બાદ કાર્યક્રમનું સંચાલન કરતાં કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે કહ્યું કે, પવિત્ર શ્રાવણ માસમાં શિવની પૂજા અને અર્ચનાનો મહિમા સર્વોપરિ માનવામાં આવે છે. મોટાભાગના શિવભક્તો શ્રાવણ માસના ઉપવાસ કરી શિવથી નિકટતા કેળવે છે. શ્રાવણ માસનો મહિમા માત્ર ધાર્મિક દૃષ્ટિએ નહીં, પરંતુ વાતાવરણમાં ફેરફાર અને આરોગ્યની દૃષ્ટિએ પણ છે. આ માસ દરમિયાન ચોમાસું હોવાથી પાંચનશક્તિ નબળી થાય છે, આ સ્થિતિમાં ઉપવાસથી આરોગ્યને પણ ફાયદો થાય છે. આપણા મેધાવી ઋષિમુનિઓએ દીર્ઘદૃષ્ટિ દાખવી તહેવારોનું ધર્મ અને વિજ્ઞાન સાથે સુંદર મિલન કરાવ્યું છે, આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન મનુષ્યો ઉલ્લાસમય રહે તે પ્રકારે તેની ઉજવણીનાં પાસાં પણ ગોઠવ્યાં.
શિવજી અનેક નામ અને રૂપથી જાણીતા છે. જો કે તેમના દરેક નામ અને રૂપનાં ગૂઢ અર્થ છે. શિવ એટલે કલ્યાણકારી, મહાદેવ એટલે કે સર્વ દેવોના દેવ, શંભુ એટલે સમૃદ્ધિ અને આનંદ આપનારા, ભોળેનાથ એટલે સરળતાથી રિઝવી શકાય તેવા, ભૈરવ એટલે ભયને હરનારા, મહાકાલ એટલે મૃત્યુના દેવ, મૃત્યુંજય એટલે મૃત્યુ પર વિજય અપાવનારા, પશુપતિનાથ એટલે સર્વે પ્રાણીઓના રક્ષક. ભગવાન શંકર આવાં આશરે 108 નામ ધરાવે છે, જેનો પોતાનો પણ એક મહિમા છે.
જ્યોત્સનાબહેન દ્વારા આમંત્રણ મળતાં કૃતિ ઉપાધ્યાયે શિવનો મહિના દર્શાવતાં કહ્યું કે, શિવ બ્રહ્માંડનું પ્રથમ, પ્રાચીન અને મૂળ તત્ત્વ છે, કારણ કે શ્રીરામ, કૃષ્ણ, ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી આ તમામ ભગવાન અવતરણ બાદ તેમની લીલાઓથી પૂજાયા. જેની સામે શિવ નિર્ગુણ છે. એટલે કે તેઓ નિરાકાર છે, તેઓ ભક્તોને દર્શન આપવા જ સગુણ સ્વરૂપે પ્રગટ થાય છે. તેઓના સગુણ સ્વરૂપે દર્શનથી જ આપણે તેમને જટાધારી, ત્રિનેત્રધારી, ભસ્માંગ, આદિયોગી સ્વરૂપે તેમને જોઈએ છીએ. જેનો આકાર નથી તેવા નિર્ગુણની ઉપાસના બહુ કઠિન છે, કારણ કે તેમનો કોઈ આકાર, રંગ કે રૂપ જ નથી. આ કારણે ભગવાને સગુણ સ્વરૂપ ધારણ કર્યું, જેથી આપણી સેવા, અર્ચના સ્વીકાર કરી શકે. શિવ અંગે જણાવ્યા બાદ તેમના સગુણ સ્વરૂપની ઉપાસના કરતાં કૃતિબહેને ‘શિવ કૈલાસો કે વાસી, ધૌલીધારો કે રાજા...’ કૃતિ રજૂ કરી હતી.
ભાગ્યેશભાઈ, શિવજીની ભક્તિ અને મહાત્મ્ય આજના સમયમાં કઈ રીતે મૂલવી શકાય? મહાદેવની આરાધનાનો કયો માર્ગ શ્રેષ્ઠ છે?
‘વાગર્થાવિવ સમ્પૃક્તૌ વાગર્થપ્રતિપત્તયે ।જગતઃ પિતરૌ વન્દે પાર્વતીપરમેશ્વરૌ’ શ્લોકથી શરૂ કરતાં ભાગ્યેશભાઈએ જણાવ્યું કે, કાલિદાસ પોતાના મહાકાવ્ય ‘રઘુવંશમ્’ની શરૂઆત કરતા પહેલાં પ્રાર્થના કરે છે કે, જગતનાં માતા-પિતા શિવ અને પાર્વતીને હું પ્રણામ કરું છું. જે રીતે શિવ અને શક્તિ (પાર્વતી) એકબીજાથી ક્યારેય અલગ થઈ શકતા નથી, તે જ રીતે મારી વાણી અને તેનો અર્થ પણ એટલા જ પ્રભાવશાળી અને અભિન્ન બને. શ્રાવણનો મહિમા જાણવા શિવ અને શિવતત્ત્વ જાણવાં જરૂરી છે. સનાતન ધર્મમાં જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારો એક દિવસ પૂરતા જ હોય છે, પરંતુ આખો મહિનો કોઈ એક દેવને લોકો પૂજતા હોય તે શિવનો મહિનો એટલે કે શ્રાવણ મહિનો છે. શ્રાવણના સરવડા જ્યારે વસુંધરામાં પડેલાં બીજને મળે છે અને કણમાંથી મનમાં પરિવર્તિત થવાની પ્રક્રિયા શરૂ થાય છે આ શિવતત્ત્વનો ચમત્કાર છે.
મારું માનવું એ છે કે, જીવ અને શિવ દરવર્ષે આવતા આ મહિનામાં મળે અને આપણે પ્રાર્થના કરીએ છીએ કે, ‘હે શિવ મારામાં રહેલો જીવ તમારી સાથે જોડાય તે માટે આશીર્વાદ આપો, મારી તમામ ઇન્દ્રિયો અને આવેગો તમારા સમક્ષ સમર્પિત કરું છું.’ બિલિપત્ર ચડાવતાં આપણે મંત્ર બોલીએ છીએ કે, ‘ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્। ત્રિજન્મપાપસંહારં એકબિલ્વં શિવાર્પણમ્ ॥’ એટલે કે ‘સત્વ-રજ-તમ ત્રણેય ગુણોના સ્વરૂપસમાન, ભગવાન શિવના ત્રણ નેત્ર અને તેમના શસ્ત્ર ત્રિશૂળ જેવું, તથા ત્રણેય જન્મોનાં પાપોનો નાશ કરનારું એવું આ એક બિલ્વપત્ર હું ભગવાન શિવને અર્પણ કરું છું.’ શિવપૂજામાં એક સુંદર શ્લોક છે, ‘શિવો ભૂત્વા શિવં યજેત્’ એટલે કે શિવની પૂજા કરવા શિવ જેવા થવું પડે.
કાલિદાસ કુમારસંભવમાં કહે છે કે, ભગવાન શિવ સમાધિમાં બેસે અને આંખ બંધ કરે ત્યારે શાંતિ છવાઈ જાય, જાણે કે વૃક્ષો પણ પોતાનાં પર્ણ હલાવતાં બંધ થઈ જાય. સમગ્ર વન જાણે ચિત્ર બની ગયું હોય એટલું સ્થિર થઈ જાય. આપણે પ્રકૃતિ અને શિવસમાધિના માધ્યમથી આજે શિવની ઉપાસના કરવી જોઈએ, કારણ કે એમણે આપણને સમાધિ શીખવી છે. એમણે શીખવ્યું છે કે તમે સ્થિર બેસો, તમે અન્ય વ્યર્થ ક્રિયાઓથી ચિત્તભ્રમ થાઓ છો. આ ક્રિયાને અનુસરીને જ આપણે વિશ્વને સ્થિતપ્રજ્ઞતા જેવો શબ્દ આપ્યો છે, જે વિશ્વ પાસે નહોતો. આજની વૈશ્વિક સમસ્યા આ જ સ્ટેબિલિટી એટલે કે સ્થિતપ્રજ્ઞતા છે. એટલે જ ‘નમો નેદિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય ચ નમો.’ પ્રકૃતિમાં ચારેકોર છો તેવા શિવ હું તમને પ્રણામ કરું છું.
ઓક્સફર્ડના પ્રોફેસર ડેવિડ ચેમલી કોન્શિયસનેસ પર મોટો સવાલ ઊભો કર્યો છે. જે મુજબ કહું તો શિવ તે આપણું કોન્શિયસનેસ છે. આપણો ધબકારો એ શિવની હાજરી છે. જગતમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ જે દેખાય છે તે અલ્ગોરિધમ- કોસ્મિક મ્યુઝિક ચાલે છે તેને ચલાવનાર પણ શિવ છે. આ શિવનો વિભૂતિ કક્ષ છે.
પુષ્પદંતે શિવ અંગે કહ્યું છે કે, શિવ તમે ક્યાં-ક્યાં છો? તમે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણમાં છો અને વિશાળમાં વિશાળ બ્રહ્માંડમાં પણ છો. સ્મરહર પણ તમે છો અને કામ પણ તમે છો, પાર્વતી સાથે પ્રેમની વાત પણ તમે કરી અને કામદેવનો દાહ કરનારા પણ તમે છો, તમે સર્વવ્યાપક છો. તમે આદિમાં આદિ છો અને સૌથી યુવા પણ છો. તમે સનાતન અને સાશ્વત છો.
ઉપનિષદમાં બ્રહ્મનું વર્ણન કરતાં ચાર વિશેષણો - કવિ, મનિષી, પરિભૂ અને સ્વયંભૂ વાપરતાં કહેવાયું છે - ‘કવિર્મનિષી પરિભૂઃ સ્વયંભૂઃ.’ શિવ કવિ છે, જેમણે સમગ્ર વિશ્વ કલ્પનાથી રચ્યું છે. તેઓ બધું જ જોનાર કે ત્રિકાલદર્શી, મન પર પૂર્ણ નિયંત્રણ રાખનારા, સર્વવ્યાપી અને પોતાની મેળે જ પ્રગટ થયેલા એટલે કે સ્વયંભૂ છે. શિવ સર્વવ્યાપક છે તે શાંતિ, સ્થિરતાના દાતા છે અને સમાધિ શીખવાડે છે. આજના સમયમાં સમાધિનું જ મહત્ત્વ છે, કારણ કે આપણે સ્થિરતા પ્રાપ્ત કરવાની તાતી જરૂરિયાત છે. આજનો કોલાહલ ધર્માંધતાનો છે. આપણે ધાર્મિકતા માટે નહીં, પરંતુ આધ્યાત્મિકતા માટે જાણીતા છીએ. ઉપરછલ્લી પૂજા કે મંદિર જવામાં મર્મ સરતો નથી.
શિવ માનસપૂજાના છેલ્લા શ્લોકમાં શંકરાચાર્ય લખે છે, ‘આત્મા ત્વં ગિરિજા મતિઃ સહચરાઃ પ્રાણાઃ શરીરં ગૃહં। પૂજા તે વિષયોપભોગ-રચના નિદ્રા સમાધિસ્થિતિઃ॥ સંચારઃ પદયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરો। યદ્યત્કર્મ કરોમિ તત્તદખિલં શમ્ભો તવારાધનમ્ ॥’
એટલે કે ‘હે શિવ તમે મારા આત્મા છો, પાર્વતી મારી મતિ-બુદ્ધિ છે. શરીરની અન્ય સિસ્ટમ્સ છે તે ગણ છે. સંસારમાં હું જે કંઈ પદાર્થોનો ભોગ કરું છું, આસક્તિ કે અનુભવ કરું છું તે બધી તમારી જ પૂજા છે. હું વિષય અને ઉપભોગમાં જ્યારે પ્રવૃત્ત થાઉં છું તે તમારી પૂજાના ભાવથી જ કરું છું. હું જ્યારે ઊંઘું છું તે અવસ્થા તમારાં ચરણોમાં લીન થવાની સમાધિ અવસ્થા છે.’
શિવને પામવા શંકરાચાર્ય સહિતના મોટા સ્રોતકારો-કવિઓએ કહ્યું છે કે, શિવસામિપ્ય કેળવી હું શિવ થઈ જઉં, હું શિવ છું એવા ભાવ હોવા જરૂરી છે, એટલે તેઓ ભસ્મ કરે છે. પાંચ મિનિટ માટે પણ જ્યારે ભગવાન પાસે બેઠો હોઉં હું એ ચેતનાનો પ્રતિનિધિ છું એવો ભાવ જરૂરી છે. એટલા માટે ‘નિદ્રા સમાધિસ્થિતિઃ’ આ સમાધિ એટલે લૌકિક જીવનથી મોહ છોડી શિવમાં એકાકાર થવાની સ્થિતિ.
શિવ અને કૃષ્ણ જુદા છે તેવા ભાગ પાડવાની જરૂર નથી. ફાઇનલી એક તત્ત્વ છે. એ તત્ત્વનું નામ શિવ હોય, મહાવીર હોય, બુદ્ધ હોય કે કૃષ્ણ હોય કોઈ વાંધો ન હોવો જોઈએ. આખરે તમામ એક જ છે. કોઈ એક ભક્ત એવું માને કે મારા ભગવાન તમારા ભગવાન કરતાં મહાન છે તે દિવસથી ઝઘડા શરૂ છાય છે. ઋષિમુનિઓ દીર્ઘદૃષ્ટા હતા તેથી તેમણે એક મોટો મંત્ર લખી દીધો ‘એકમ સદ્ વિપ્રા બહુધા વદંતિ.’ એટલે કે સત્ય તો એક જ છે, પરંતુ ઘણા બધા વિદ્વાન લોકો તેને જુદીજુદી રીતે રજૂ કર્યા કરશે, પરંતુ તેમના દ્વારા ઊભા કરાયેલા ભ્રમમાં તમે ન આવતા, નહીં તો તમે ધાર્મિકતા પર અટકી જશો અને આધ્યાત્મિકતા સુધી નહીં પહોંચી શકો. આધ્યાત્મિક બનશે તેની પ્રગતિ થયા કરશે. શ્રાવણ મહિનાની આધ્યાત્મિકતા આપણને ભીંજવે છે. પૂજા-અર્ચના ભલે કરીએ પણ ભૌતિક નહીં, માનસિક અને આધ્યાત્મિક રીતે, આપની અંદર ભાવના હોવી જોઈએ. મનની અંદર ઉતરીને જે અંતરયાત્રા કરી શકે છે તે જ સાચો શિવભક્ત છે.
ભાગ્યેશભાઈ જ્હા પાસેથી મહાદેવનું ગૂઢ જ્ઞાન પિરસાયા બાદ કૃતિબહેન ઉપાધ્યાયે ‘એક બિલી પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર। દયાલુ રીઝ કે દેત હૈ, ચંદ્રમૌલી ફલ ચાર॥’ ભજન લલકારી વાતાવરણને શિવમગ્ન કરી દીધું હતું. આ સાથે કૃતિબહેને કહ્યું હતું કે, હરિ અને હર એક સ્વરૂપ જ છે, ત્યાં સુધી કે નવરાત્રીમાં આદ્યશક્તિની આરતીમાં પણ કહીએ છીએ કે ‘એકમ એક સ્વરૂપ, અંતર નવ ધરશો’ એટલે કે શિવ અને શક્તિ એક જ સ્વરૂપ છે. જ્યારે હરિ કૃષ્ણ અવતાર લે છે ત્યારે એક સુંદર પ્રસંગ આવે છે કે માતા પાર્વતી ગોપી બનીને રાસલીલામાં ભાગ લેવા જાય છે ત્યારે ભગવાન શંકર પણ આવવાની ઇચ્છા વ્યક્ત કરે છે. આ સમયે માતા પાર્વતી કહે છે કે, ત્યાં તો કૃષ્ણ એકમાત્ર જ પુરુષ છે, બાકી તમામ ગોપીઓ છે તો બીજો પુરુષ ત્યાં કઈ રીતે આવી શકે? આ સમયે ભગવાનની ઇચ્છા વ્યક્ત કરતું એક સુંદર ભજન ‘એક દિન વો ભોલે ભંડારી બનકે બ્રિજ કી નારી, ગોકુલ મેં આ ગયે હૈ’ કૃતિબહેને રજૂ કર્યું હતું. આ પ્રસંગને લઈને વૃંદાવનમાં મહાદેવ ગોપેશ્વરના નામથી બિરાજમાન થયા. જે બાદ કૃતિબહેને ભગવાન શિવને સમર્પિત શિવ પંચાક્ષરનો શ્લોક ‘નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય’, શિવમહિમ્ન સ્ત્રોતનો શ્લોક ‘મહિમ્નઃ પારં તે પરમવિદુષો યદ્યસદૃશી’, કૃષ્ણ અને અર્જુને કુરુક્ષેત્રમાં રુદ્રાભિષેક સ્ત્રોતનો કરેલો શ્લોક ‘નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ’, શંકરાચાર્ય રચિત અર્ધનારી નટેશ્વર શ્લોક ‘ચામ્પેયગૌરાર્ધશરીરકાયૈ કર્પૂરગૌરાર્ધશરીરકાય’, શિવ માનસપૂજાનો ‘રત્નૈઃ કલ્પિતમાનસં હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યામ્બરં’, ‘કરચરણંકૃતં વાક્કાયજં કર્મજં વા’ શ્લોકનું પઠન કરી મહાદેવની મહિમાનાં ગુણગાન કર્યાં હતાં.
કાર્યક્રમની આભારવિધિ કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કહ્યું હતું કે, આજના કાર્યક્રમમાં ભાગ્યેશભાઈ દ્વારા જાણે કે શિવકથા કરવામાં આવી અને કૃતિબહેને તેમાં અધ્યાય જોડ્યા છે. એવું લાગ્યું જાણે કે આ મહારથીઓની શબ્દગંગાથી મારું મન તરોતાજા થઈ ગયું. આજનો અનુભવ સ્મરણગ્રંથ બની ગયો.


comments powered by Disqus