ગુજરાતની અસ્મિતા

ગુજરાત દિન વિશેષ (1 મે)

- હેમંત વાળા Wednesday 29th April 2026 06:45 EDT
 
 

ગુજરાત એટલે પરંપરા અને આધુનિકતાનો સમન્વય, ભવિષ્ય ને ભૂતકાળને જોડતું વર્તમાન, સપના અને વાસ્તવિકતા વચ્ચેનું સંતુલન, વ્યાપારી માનસિકતા સાથે જોડાયેલી કલાત્મક સંવેદનશીલતા, નમ્રતા સાથે સ્વીકૃત જરૂરી આક્રમકતા, રસિકતા સાથે સંકળાયેલો સંયમ, રાજકીય દાવપેચ સાથે કાયમ રહેતો વિવેક, આર્થિક સમૃદ્ધિનો ધાર્મિક બાબતો પ્રત્યેનો ઝુકાવ અને પરદેશમાં જઈ ગુજરાતને ગોતવાની તમન્ના. આધુનિકતાને વરેલ ગુજરાતે વિશ્વ ધરોહર ગણાતી ચાર બાબતનું હૃદયપૂર્વક જતન પણ કર્યું છે; જેમાં 11મી સદીમાં બનાવાયેલી સોલંકી સ્થાપત્ય શૈલીની પાટણની રાણી કી વાવ, સિંધુ સંસ્કૃતિના ઉત્તમ નગર આયોજનના ઉદાહરણ સમાન ધોળાવીરા, ચાંપાનેર-પાવાગઢનું ઐતિહાસિક સ્થાપત્ય તેમજ ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી - અમદાવાદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતની ઓળખ સમાન પરંપરાગત લોકનૃત્ય ગરબાને પણ વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યું છે. ગુજરાત એટલે વ્યવહાર, સંસ્કૃતિ મૂલ્યો, પરંપરા તેમજ આધુનિકતા વચ્ચેનું તંદુરસ્ત સમીકરણ. 
આશરે બે લાખ ચોરસ કિમી જેટલાં વિસ્તારનું ગુજરાત એટલે લોકમાતા નદીઓને સમાવતો વિશાળ સુરક્ષિત દરિયા કિનારો, એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસ ગીરનું જંગલ અને તેટલું જ મહત્વનું કચ્છનું સફેદ રણ, હિલ સ્ટેશન સાપુતારાની ઠંડી લીલોતરી અને ઝરવાણી તથા ગિરા ધોધની ચંચળતા, પોળો ફોરેસ્ટમાં જંગલ પ્રાચીન સ્થાપત્ય અને નદીનો સમન્વય, તો ચોરવાડ - માંડવીના બીચ પર અથડાતી દરિયાની લહેરો, શિયાળુ પક્ષીના સ્વર્ગ સમાન નળ સરોવર અને ડાંગમાં કુદરતે આપેલી અદભુત પ્રાકૃતિક સંપત્તિ - લાગે છે કે ગુજરાત પર કુદરતે મહેર કરી છે. આ સ્થળો માત્ર કુદરતી સૌંદર્ય માણવા માટે નહીં પરંતુ પર્યાવરણ અને જૈવિક રક્ષણ માટે પણ આવશ્યક છે. 
રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ એવી પ્રતિવર્ષ રૂ. 2.50 લાખ કરતાં વધુ સરેરાશ આવકવાળી પ્રગતિશીલ તેમજ વિચારશીલ અભિગમ ધરાવતી પ્રજાનું વતન ગુજરાત એટલે સમગ્ર ભારતમાં નોંધપાત્ર ઐતિહાસિક સ્થાપત્ય વારસો અને આધુનિક સ્થાપત્યનું કેન્દ્ર. ગુજરાત એટલે પાટણની રાણી કી વાવમાં પ્રતિબિંબિત થતું પ્રતિકાત્મક સૌંદર્ય, મોઢેરાના સૂર્યમંદિરમાં દેખાતી ભૌગોલિક તેમજ ખગોળકિય સચોટતા, અડાલજની વાવ સાથે સંકળાયેલી સામાજિક આવશ્યકતા, જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની રક્ષણલક્ષી સાર્થકતા, ભમ્મરિયા કૂવાની ગંભીર ભવ્યતા, અમદાવાદની સિદ્દી સૈયદની જાળીની નાજુકતા, લોથલ તેમજ ધોળાવીરામાં વ્યક્ત થતી આયોજન-નિપુણતા, ચાંપાનેર પાવાગઢનું પુરાતત્વીય મહત્વ, સાબરમતી આશ્રમમાં પ્રતિબિંબિત થતું મહાત્મા ગાંધીનું સરળ ને સાદગીપૂર્ણ વ્યક્તિત્વ, દ્વારકાધીશ મંદિરની રચનામાં વ્યક્ત થતી શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, માંડવી કે વડોદરાના મહેલમાં અનુભવાતો રાજકીય ઠાઠ, લાકડાની હવેલીઓમાં સમાયેલું લાલિત્ય, સિદ્ધપુરના રૂદ્રમહાલય અવશેષોનું ઐતિહાસિક ગૌરવ, વિશ્વમાં બેજોડ ઝૂલતા મિનારા; અને આ બધાં સાથે આધુનિક સમયના સોમનાથ મંદિર તેમજ અક્ષરધામમાં પ્રતિત થતી શ્રદ્ધાની પરાકાષ્ઠા. 
ગુજરાતના પરંપરાગત આવાસમાં સ્થાનિક જીવનશૈલીને જે રીતે સકારાત્મક તેમજ સંવેદનશીલ પ્રતિભાવ અપાયો છે તે અદભુત છે. સ્થાનિક સામગ્રી અને સ્થાનિક તકનીકી કૌશલ્યની સાક્ષી સમાન આ આવાસો વિશ્વમાં પ્રશંસા પામ્યા છે. કચ્છના ભૂંગા કઠોર આબોહવા સામે સ્થાનિક પ્રજા તથા પાલતુ પશુઓને અવિશ્વાસનીય સંરક્ષણ આપે છે. ઉદવાડાના દરિયા કિનારાના આવાસ ભેજવાળી હવાને જાણે ઉત્સવીય રીતે માણે છે. પાટણ અને અમદાવાદની પોળનાં આવાસ આબોહવા ઉપરાંત સામાજિક મૂલ્યો તેમજ સામાજિક માળખું પ્રસ્થાપિત કરે છે. સિદ્ધપુરનાં વ્હોરા સમાજના પરંપરાગત આવાસ સમૃદ્ધિ દર્શાવે છે. સૌરાષ્ટ્રના વંડાવાળા ઘરો અંદર-બહારનો ભેદ મિટાવી દે છે. આધુનિક સ્થાપત્ય માટે તો ગુજરાત અને તેમાં ખાસ કરીને અમદાવાદને ‘કાશી’ કહેવાય છે. ક્યારેક જણાય છે કે ચંદીગઢ સાથે અહીં સ્વતંત્ર ભારતના આધુનિક સ્થાપત્યનો પાયો નંખાયો હતો. આશરે 43 પ્રતિશત ગ્રામ્ય વિસ્તારમાં અને 57 પ્રતિશત શહેરી વિસ્તારમાં રહેતી પ્રજાનું વતન ગુજરાત એટલે, વિવિધ રસ અને પૌષ્ટિકતા સભર ગુજરાતી થાળી, સરળ છતાં આરોગ્ય માટે ઉત્તમ ખીચડી-કઢી, પચવામાં હલકાં છતાં પ્રોટીનથી ભરપૂર ઢોકળા-ખમણ, કોઈપણ સમયે, કોઈપણ સ્થાને, એકલા કે અન્ય યોગ્ય ખાદ્ય પદાર્થ સાથે લઈ શકાય તેવા સાદા થેપલા-ખાખરા, ગળપણ અને તીખાશનો અદભુત સમન્વય સમાન ફાફડા-જલેબી, તમતમતાં અને તેલમાં લથપથ ઊંધિયું, દરેક પ્રકારની વિવિધતા વાળા ગાંઠિયા-ભજીયા - અને તે બધાં સાથે તહેવારોમાં બનતાં મોહનથાળ ને કળીલાડુ, વાર-તહેવારમાં ખવાતો શિખંડ અને મઠો, શુભ પ્રસંગ માટેનાં લાપસી-કંસાર, ગ્રામ્ય જીવનનો બાજરી કે જુવારનો રોટલો અને રીંગણાનું ભડથું. અહીં ઉપવાસ સમયે બનાવતી ફરાળી વાનગીની પણ વિશેષ સમૃદ્ધિ છે. ગુજરાતની વાત થતી હોય અને છાશ, કેરીનો બાફલો, લીંબુ શરબત અને ફુદીના કે આદુની ચા કેમ ભુલાય. ગુજરાતમાં પરંપરાગત સ્વાદ સાથે આરોગ્ય, ઋતુ અને પ્રાપ્તિ વચ્ચેનું સંકલન છે.
ગુજરાત એટલે એનઆરઆઈનું અભૂતપૂર્વ યોગદાન, શાકાહારી પ્રજાનું ખમીર, સૌજન્યપૂર્ણ વ્યવહારનું જીવંત ઉદાહરણ, તેમજ દરેક સંજોગોમાં સકારાત્મક સંભાવના શોધી કાઢવાની માનસિકતા, આગળ વધવાની ભાવના સાથે મહેનતુ સ્વભાવ, અથડામણ ટાળવા માટેની વ્યવહાર બુદ્ધિ, કાચા ગણિત સાથે પણ વ્યવસાયિક ગણતરીમાં નીપુણતા, સહકાર અને સહયોગ થકી પરસ્પરના વિકાસ માટેની પ્રતિબદ્ધતા, મિત્ર સાથે મિત્રતા અને શત્રુ સાથે જરૂર પૂરતી મિત્રતા, પરંપરા પ્રત્યે પ્રેમ સાથે આધુનિકતા તરફનો દ્રષ્ટિકોણ, સાંસ્કૃતિક સંવેદનશીલતા સાથે સાંપ્રત સમય સાથેનો તાલમેલ, અનુકૂળતા માટેનો આગ્રહ હોવા છતાં જોખમ લેવાની તૈયારી, શાંતિ પ્રિય વેપારી-દૃષ્ટિ, ભક્તિ સાથે જ્ઞાનનો અને ધર્મ સાથે આધ્યાત્મિકતાનો સુમેળ, ઓળખ જાળવી રાખીને સમય સાથે બદલાવાની તૈયારી, ખોરાક પ્રત્યેનો પ્રેમ અને ગુજરાતી ‘રસ’ પ્રત્યેનો લગાવ, પૈસાને નિયંત્રિત કરવાનું અને પૈસા દ્વારા નિયંત્રિત કરવાની આવડત, ગુજરાતની રેસ્ટોરન્ટમાં મેક્સિકન ડીશ અને મેક્સિકોમાં જઈને ગુજરાતી થાળીની માંગણી - આ એક અનોખી અને રસપ્રદ પ્રજાતિ. તેમની સંવેદનશીલતા, સર્જનાત્મકતા પ્રત્યેનો લગાવ, રાષ્ટ્રીય પરિપક્વતા તેમજ વ્યવહારુ અભિગમ ઉલ્લેખનીય છે. કોઈપણ વ્યક્તિ તેનાં પ્રેમમાં પડી ગૌરવ અનુભવી શકે. 
આજે પણ એટલી જ સાર્થક જણાતી મહાત્મા ગાંધીની અહિંસા અને સત્ય આધારિત વિચારસરણી, અખંડ ભારતનું સર્જન કરનાર સરદાર પટેલની રાજકીય કુશળતા, વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પુન: સ્થાપિત કરાયેલ રાષ્ટ્રીય ગૌરવ, ઉચ્છંગરાય ઢેબરની સાદગી અને પ્રમાણિકતા, મોરારજી દેસાઈની શિસ્તબદ્ધતા તેમજ પારદર્શિતા, અમિત શાહની રાષ્ટ્રીયતાને વરેલી કુટનીતિ - આ બાબતો એ સમાજનાં નૈતિક, આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તે ઉપરાંત ભારતમાં પરમાણુ વિજ્ઞાનના પાયો નાખનાર હોમી ભાભા, ભારતીય અવકાશ સંશોધનના પિતા ગણાતાં વિક્રમ સારાભાઈ, શ્વેત ક્રાંતિના જનક વર્ગીઝ કુરિયન, ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ આર્થિક ક્ષેત્રે ડંકો વગાડનાર ધીરુભાઈ અંબાણી, ‘રાષ્ટ્રીય શાયર’નો ખિતાબ મેળવનાર ઝવેરચંદ મેઘાણી, સામાજિક વિકાસ અને સુધાર માટે અગાથ પ્રયત્ન કરનાર રવિશંકર મહારાજ, સમાજ સુધારણા અને વૈદિક ધર્મના પુનર્જાગરણ માટે જીવન સમર્પિત કરનાર સ્વામી દયાનંદ સરસ્વતી - આ વ્યક્તિઓએ પણ વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય તેમજ વિશ્વ સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી છે અને ગુજરાતનું નામ ગૌરવવંતુ કર્યું છે. 
ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તથા અન્ય એક જ્યોતિર્લિંગ નાગેશ્વર, ચાર ધામમાંનું એક દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણનું પવિત્ર સ્થાન દ્વારકા, ભક્ત પરંપરાના સચોટ ઉદાહરણ તરીકેનું રણછોડરાયનું ડાકોર, એકાવન શક્તિ-પીઠમાંનું એક અંબાજી મંદિર, હિમાલયથી પણ પ્રાચીન ગિરનાર પરની ગુફાઓ અને ત્યાં આવેલા દત્તધામ જેવાં અન્ય ધાર્મિક સ્થાનો, શત્રુંજય પર્વત પર આવેલાં પાલીતાણાના હજારો જૈન મંદિરો, શામળાજીનું ભગવાન વિષ્ણુનું પ્રાચીન મંદિર, અન્નદાનના પર્યાય સમૂહ વીરપુરનું જલારામ ધામ, પાવાગઢ તેમજ ચોટીલા પરનાં પવિત્ર શક્તિસ્થાન - આ ગુજરાતના આ ધાર્મિક સ્થળો ભક્તિ, જ્ઞાન, સંસ્કૃતિ, સાત્વિક પરંપરા, પવિત્રતા, શાંતિ તેમજ સાંસ્કૃતિક સમરસતાના પ્રતીક સમાન છે. 
વાતો તો ખૂટે એવી નથી. યાદી લાંબી છે. એકંદરે એમ કહી શકાય કે ગુજરાત એટલે ગુજરાત અને ગુજરાતી એટલે ગુજરાતની અસ્મિતા. એવી અસ્મિતા કે જેનો સકારાત્મક અને સંવેદનશીલ પ્રભાવ સમગ્ર વિશ્વ એ નિહાળ્યો છે.

•••

જય જય ગરવી ગુજરાત !
- કવિ નર્મદ
જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નીજ સંતતી સઉને, પ્રેમ ભક્તીની રીત -
ઉંચી તુજ સુંદર જાત... જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત, પુરવમાં કાળી માત,
છે દક્ષીણ દીશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્ચીમ કેરા દેવ -
છે સહાયમાં સાક્ષાત... જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણ ને રત્નાકર સાગર;
પર્વત ઉપરથી વીર પુર્વજો, દે આશીષ જયકર-
સંપે સોયે સહુ જાત... જય જય ગરવી ગુજરાત.
તે અણહીલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસીંગ.
તે રંગ થકી પણ અધીક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘુમે નર્મદા સાથ... જય જય ગરવી ગુજરાત.

•••


comments powered by Disqus