ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો

Wednesday 29th April 2026 06:16 EDT
 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની 26 એપ્રિલે યોજાએલી ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષના ભગવા ધ્વજે વિજયધ્વનિનો શંખ ફૂંક્યો છે. 15 મહાનગરપાલિકાઓની 1044 બેઠક, 84નગરપાલિકાઓની 2624 બેઠક, 34જિલ્લા પંચાયતોની 1090 બેઠક, 260 તાલુકા પંચાયતોની 5234 બેઠક થઈને કુલ 10,005 બેઠકો માટે લડાયેલા જંગમાં ભાજપએ 7400થી વધુ બેઠકો હાંસલ કરીને બાજી મારી લીધી છે.
અમદાવાદ, પોરબંદર, વડોદરા સહિત તમામ 15 મહા નગરપાલિકાઓમાં ભારતીય જનતા પક્ષે ક્લીન સ્વિપ કરેલ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો રકાસ થયો છે તે આશ્ચર્યજનક લાગે છે. જનમાનસને કળવું ખરેખર દુષ્કર છે. ચૂંટણી પહેલા ભાજપનો બહિષ્કાર કરવાના પાટિયા અનેક સ્થળે લાગ્યા હતા. નેતાઓ માટે પ્રચાર કરવો ઘણો મુશ્કેલ બન્યો હતો. સોસાયટીઓમાં પણ ઉમેદવારો જઈ શકતા ન હતા. 2021ની ચૂંટણી પછી સાચા વિકાસની વાતો અદ્ધર રહી હતી અને મતદારોએ પાણી, ગટર અને અન્ય પાયારૂપ સમસ્યાઓનો ઉકેલ ન થયાથી નેતાઓનો ઉધડો પણ લીધો હતો. આ બધી બાબતોને વિચારતા ભાજપને વિજયમાર્ગ હાંસલ કરવાનું મુશ્કેલ જણાતું હતું.
આમ સત્તાવિરોધનું વલણ છતાં, ભાજપને ખોબલે મત મળ્યા છે તેનું એક માત્ર કારણ એ આપી શકાય કે કોંગ્રેસ અને આમ આદમી જેવા પક્ષોમાં પ્રજાને વિશ્વાસ રહ્યો નથી. વિરોધ પક્ષ તરીકે તેમની કામગીરી પણ જવાબદાર રહી નથી જેનું પરિણામ તેમને સહન કરવાનું થયું છે. કોંગ્રેસમાં નેતાગીરીનો અભાવ છે, આંતરિક જૂથબંધી પારાવાર છે, પાયાનું સંગઠન ઉભુ કરવાની, કાર્યકરોને દોરવણી આપવાની કે પ્રજાના પ્રશ્નોને ઉઠાવવાની ક્ષમતા જોવા મળતી નથી. માત્ર વાતોના સહારે પ્રજાનો વિશ્વાસ જીતી શકાતો નથી. તેમના માટે તો હવે હારનું ઠીકરું કોના માથે ફોડવું તે પ્રશ્ન રહ્યો છે. મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો તે પોરબંદરમાં પણ ગાંધીવાદી ગણાતી કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી તે કેવું કહેવાય?
ભાજપ ભલે જીતની ખુશી મનાવી રહ્યો હોય, પરંતુ તેણે જો સત્તા જાળવી રાખવી હશે તો નવેસરથી પ્રજાનું દિલ જીતવા તેમની સમસ્યાઓ પોતાની ગણી દૂર કરવાના પ્રયાસો કરવાના રહેશે. જો તેઓ આમ નહિ કરે તો અમદાવાદમાં તેના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં ચારેય બેઠક ગુમાવવી પડી તેવો સમય નિહાળવાનો આવશે.
આમ આદમી પાર્ટી જોરશોરથી મેદાનમાં આવી હતી અને કેજરીવાલનો કરિશ્મા સર્જાયો હતો. હવે તેમના માટે ‘હવેલી લેતા ગુજરાત ખોઈ’ જેવો ઘાટ ઘડાયો છે. રાષ્ટ્રીય સ્તરે નેતાઓ કેજરીવાલનો સાથ છોડી રહ્યા છે ત્યારે ગુજરાતમાં તેમને કોણ થાળે પાડશે.? કોંગ્રેસ હોય કે આપ કે ઓવૈસીની પાર્ટી હોય તેમના બધા માટે ‘આવ ભાઈ હરખા, આપણે સહું સરખા’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.


comments powered by Disqus