વિરાયતનના સ્થાપક પદ્મશ્રી પૂ. આચાર્યશ્રી ચંદનાજી (પૂ.તાઇ મા)એ ૨૨ એપ્રિલ’૨૬ના રોજ પૂના, ભારત ખાતે શાંતિપૂર્વક પાર્થિવદેહનો ત્યાગ કરી પ્રભુ મહાવીરનું શરણ સ્વીકાર્યું. આ આઘાતજનક સમાચાર વાયુવેગે પ્રસરતા વિશ્વભરના જૈન સમાજે આંચકો અનુભવ્યો છે. ન પૂરાય એવી ખોટ પડી છે.
એમણે આદરેલ માનવતાના કાર્યો સદીઓ સુધી તેમને અમરત્વ બક્ષશે; ચિરસ્મરણીય રહેશે. લંડનમાં ૨૪ એપ્રિલે અવંતિ સ્કુલ, સ્ટેનમોર ખાતે એ પવિત્ર આત્માના શ્રેયાર્થે અંજલિ-સભા યોજવામાં આવી હતી.
જેમાં વિરાયતન યુ.કે.ના ટ્રસ્ટીઓ, જૈન સમાજના અગ્રણીઓ, ચંદના વિદ્યાપીઠના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને એમની માનવતાલક્ષી પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસારના કદરદાનોની વિશાળ હાજરી હતી. સૌનો એક જ સૂર હતો “ એ આત્મા અજોડ-અદ્વિતીય હતો’
સેવા-શિક્ષણ-સાધનાના ત્રણ આધાર સ્તંભો પર પૂ.તાઇ મા એ માનવતાલક્ષી પ્રવૃત્તિઓના બીજ ૧૯૭૩માં રોપ્યા હતા. બિહારના પછાત, અશિક્ષિત, અવિકસિત અંતરિયાળ વિસ્તારને શિક્ષિત અને વિકસિત કરવામાં એમનું અનન્ય અનુદાન રહ્યું છે. એને વિરાયતન નામ આપ્યું. જેનો અર્થ થાય છે ભગવાન મહાવીરના વિચરણની એ ભૂમિ. એની ત્રણ મુખ્ય શાખાઓ છે-રાજગિરી, પાવાપુરી અને લચ્છર. વિરાયતન સંસ્થા હેઠળ ભગવાન મહાવીરનો પ્રેમ, અહિંસા અને માનવતાનો સંદેશ અમેરિકા, યુ.કે., કેન્યા, દુબઇ, સિંગાપોર, મલેશીયા, ઓસ્ટ્રેલીયા વગેરે વિશ્વભરના વીસેક દેશોમાં પ્રસર્યો છે. એમની નવ દાયકાની આ પૃથ્વી પરની જીવન સફર વિશ્વભરના લાખોના જીવનમાં આશાના અજવાળાં અને જ્ઞાનની જ્યોતિ પ્રગટાવવા માટે પ્રેરક રહી છે.
યુ.કે.માં પણ ચંદના વિદ્યાપીઠની સ્થાપના કરી વિદેશમાં ઉછરતી પેઢીમાં માનવતા અને ધર્મના સંસ્કારોના સિંચનની પ્રેરક પ્રવૃત્તિના બીજ વાવ્યા છે. ૧૯૯૬માં લંડન ખાતે પૂ.તાઇ માના આશીષ અને સાધ્વીજી શીલાપિજીના નેતૃત્વ, માર્ગદર્શન હેઠળ પાઠશાળા શરૂ થઇ હતી. આજના જમાનાને અનુરૂપ જૈન ધર્મની પ્રભાવના પ્રેક્ટીકલ અભિગમ અપનાવી સમાજનો ચહેરો બદલવાની એમની કવાયત દાદ માગી લે તેવી છે. હેલ્થકેર, એજ્યુકેશન, કુદરતી આફતોમાં રીલીફ કાર્યો કરી માનવતાનું ગૌરવ વધાર્યું હતું. એનું ઉજળું ઉદાહરણ છે કચ્છમાં આવેલ ભયાનક ભૂકંપ બાદ કરેલ રાહત કાર્યો અને નવસર્જનમાં મહત્વનું પ્રદાન. ˘
કચ્છમાં વિરાયતન વિદ્યાપીઠ ખોલી ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય બાળકોના જીવનમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવી માનવતા ઉજાગર કરી. તેઓશ્રી પ્રથમ જૈન સાધ્વી છે જેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયાં છે. એમના માનવતાલક્ષી અગણિત કાર્યો અને પ્રેરક જીવનના પ્રસંગો યાદ કરીએ તો પાનાં ને પાનાં ભરાય! એમણે પ્રદાન કરેલ મૂલ્યો અને સમાજના ઉધ્ધાર માટે આદરેલ સેવાઓને કરૂણા અને પ્રેમના માર્ગે આગળ ધપાવી સાચા અર્થમાં અંજલિ અર્પીઁએ એવી અભ્યર્થના.
ઓમ શાંતિ શાંતિ શાંતિ:

