લેબર સરકાર અને હાઉસ ઓફ લોર્ડ્સ બાળકો માટે ઓનલાઈન સલામતીના નિયમો કડક બનાવવા મુદ્દે આમનેસામને આવી ગયા છે. 16 વર્ષની વયથી નાના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરવા ઝડપથી આગળ વધવાનું દબાણ પણ સતત થઈ રહ્યું છે ત્યારે આ પરિસ્થિતિ નિરાશાજનક જણાય છે.
એજ્યુકેશન સેક્રેટરી બ્રિજેટ ફિલિપસનના જણાવ્યા અનુસાર મિનિસ્ટર્સ નિયંત્રણો દાખલ કરવાના મુદ્દે પ્રતિબદ્ધ છે, પરંતુ તેમણે એવો ભાર મૂક્યો છે કે કોઈ પણ પગલાઓનો અમલ કરાય તે પહેલા તેમનો અસરકારક અમલ કરી શકાય તેમ છે કે નહિ તે જોવું આવશ્યક છે.
તેમણે બીબીસી સમક્ષ જણાવ્યું હતું કે સરકાર હાલમાં સંપૂર્ણ પ્રતિબંધની સાથોસાથ ટીનેજર્સને વ્યસની બનાવતા અને નુકસાનકારી ઓનલાઈન કન્ટેન્ટ સુલભ બનાવતા અટકાવવાના હેતુસરની અન્ય દરખાસ્તો સહિત વિવિધ વિકલ્પો સંદર્ભે પરામર્શ મેળવી રહી છે. સરકાર સંપૂર્ણ પ્રતિબંધના માર્ગે આગળ ન વધે તો પણ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે ‘વય સંબંધિત ઇથવા ફંક્શનાલિટી-વ્યાવહારિકતા નિયંત્રણો’ દાખલ કરશે તેવા જુનિયર એજ્યુકેશન મિનિસ્ટર ઓલિવિયા બેઈલીના નિવેદન પછી ફિલિપસનની ટીપ્પણીઓ આવી છે.
કેમ્પેઈનર્સે મિનિસ્ટર્સને બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ઓસ્ટ્રેલિયાએ મૂક્લા નિયંત્રણોને અપનાવવા અનુરોધ કર્યો છે. જોકે, વ્યવહારમાં આવો અભિગમ કેટલા અંશે વ્યવહારુ અને અસરકારક નીવડશે તે મુદ્દે પણ પ્રશ્નો રહેલા જ છે.
સોશિયલ મીડિયાના ઉપયોગ પર વ્યાપક નિયંત્રણો લાદવા મિનિસ્ટર્સને સત્તાઓ આપી શકે તેવા ચિલ્ડ્રન્સ વેલબીઈંગ એન્ડ સ્કૂલ્સ બિલ સંદર્ભે સરકાર અને હાઉસ ઓફ લોર્ડ્સ વચ્ચે તણાવ ચાલી જ રહ્યો છે. ઉમરાવોએ વારંવાર ઝડપી પ્રતિબંધ માટે દબાણ કરતા સુધારાઓને સમર્થન આપ્યું છે અને ઘણી વખત સરકારને પરાજિત પણ કરી છે.
આના પ્રતિભાવમાં સરકારે મડાગાંઠ દૂક કરવાના આઅશય સાથે નવા સુધારાઓ રજૂ કર્યા છે. આ સુધારાઓ થકી મિનિસ્ટર્સને ભવિષ્યમાં પ્રતિબંધ દાખલ કરવાની છૂટ મળશે. જોકે, લોર્ડ્સની માગણી અનુસાર તત્કાળ પ્રતિબંધ લાદવાથી તે દૂર રહે છે. સાંસદોએ 272 વિરુદ્ધ 64 મતથી સુધારેલું લેજિસ્લેશન બહાલ રાખ્યું છે. આ બિલ હવે પાંચમી વખત લોર્ડ્સમાં પરત કરાશે. કાયદો બને તે પહેલા આ ફાઈનલ તબક્કો બની રહેશે તેવી ધારણા છે.
બેઈલીએ જણાવ્યું છે કે સરકાર 26 મેએ તેનુ કન્સલ્ટેશન પૂર્ણ થાય તે પછી કાર્યવાહી કરશે. જોકે, કેવા પ્રકારના નિયંત્રણો લાગુ કરાશે તેની સ્પષ્ટતા કરી નથી. તેમણે જણાવ્યું છે કે ‘યથાવત પરિસ્થિતિ- સ્ટેટસ ક્વો’ ચાલુ રહી શકે નહિ. તેમણે ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું કે વ્યાપક મર્યાદાઓની સાથોસાથ કરફ્યૂ સહિતના વિકલ્પો પણ વિચારણા હેઠળ છે.
કન્સલ્ટેશનમાં પણ અલ્ગોરિધમ સંચાલિત કન્ટેન્ટ્સ, આદત પાડતી પ્લેટફોર્મ ડિઝાઈન અને બાળકો માટે ચેટબોટ એક્સેસ પર વયની વધુ ચકાસણીના નિયમો અથવા મર્યાદાઓની આવશ્યકતા છે કે કેમ જેવા મુદ્દાઓનું પરીક્ષણ થઈ રહ્યું છે. અવિરત સ્ક્રોલિંગ અને કન્ટેન્ટ રિફ્રેશ ટુલ્સ સહિત સોશિયલ મીડિયા ડિઝાઈનના ફીચર્સ સંદર્ભે ચકાસણી વધી રહી છે. તાજેતરના યુએસના કાનૂની કેસમાં યુવા ઉપયોગકર્તાઓમાં નુકસાનમાં યોગદાન આપવા બદલ મોટા પ્લેટફોર્મ્સને જવાબદાર ગણાવાયા હતા.
યુકેમાં પ્લેટફોર્મ્સે ઓનલાઈન સેફ્ટી એક્ટ હેઠળ રિકમન્ડેશન સિસ્ટમ અને પ્રીડિક્ટિવ લક્ષણોમાંથી બાળકો માટે જોખમોના મૂલ્યાંકન અને તેમને ઘટાડવા તેમજ વય સંબંધિત નિયંત્રણોના અમલ કરવાનું ફરજિયાત રહે છે.
આવાં પગલાં છતાં, કેમ્પેઈનર્સની દલીલ એ છે કે બાળકોની ઓનલાઈન સુરક્ષાની ચોકસાઈ માટે વર્તમાન સુરક્ષા અપૂરતી જ છે.
