વલ્કેનીક ટાપુ મોરેશીયસ : ભારતીય સંસ્કૃતિનો પ્રાણવંતો ઇતિહાસ

- જ્યોત્સના શાહ Wednesday 29th April 2026 06:41 EDT
 
 

આજથી ૮-૧૦ મિલિયન વર્ષ પહેલા ફાટી નીકળેલ જ્વાળામુખીના કારણે અસ્તિત્વમાં આવેલ ટાપુ એટલે મોરેશીયસ. વલ્કેનોનો સમૃધ્ધ અને રોમાંચક ઇતિહાસ એ ધરાવે છે. જીઓલોજીકલ અને કલ્ચરલ રીસર્ચ માટે આજે ય ટુરીસ્ટોનું આકર્ષણ રહ્યો છે. ત્યાંનો સૌથી દિલચશ્પ ભાગ હોય તો વેલે પાર્ક. કુદરતી સંપતિ અને વલ્કેનો થયા બાદ વર્ષો પછી એ ઠંડો થયા બાદ ત્યાં મીનરલ્સ જેવા કે આયર્ન અને એલ્યુમિનિયમના થર થઇ ગયેલ. એના ડુંગરા પર સૂર્ય પ્રકાશ પડે ત્યારે જાંબલી, લાલ, પીળો, ભૂરો જેવા વિવિધ રંગોનો નજારો, ટેકરીઓ પરથી પડતા ધોધ, શુધ્ધ હવા, હરિયાળી..વગેરેમાં એના વૈવિધ્યસભર અદ્ભૂત નજારો દિલો-દિમાગને ખુશ કરી દે તેવો છે. ત્યાંના સંગ્રહાલયમાં ૨૩ કલરની માટીના નમૂના મિલિયન વર્ષો પહેલાના કુદરતની લીલાનો ખજાનો છે.
એ એડવેન્ચર પાર્કની જર્ની પૌરાણિક કાળની એનર્જી પુર્ન જિવિત થઇને તમારા પગ પાસે આવી ગઇ હોય એવી અનુભૂતિ કરાવે છે. જેની મુસાફરી કારમાં, યા પગે ચાલીને કરવી એ એક અવસર થઇ પડે. યુવા વર્ગ માટે તો વાઇલ્ડ લાઇફ સફારી, સાયકલ સવારી, સ્કુટર સવારી ઝીપલાઇન એડવેન્ચર્સ (વેલીસ ઉપરની ઝડપી મુસાફરીમાં નદી અને જંગલની કુદરતી સંપતિનો નજારો - પવનના ઝપાટો-જળ ધોધ-રંગીન ડુંગરા) સ્વર્ગમાં હોય એવી રોમાંચકારી લાગે!
 ક્રિસ્ટલ ક્લીયર વિશાળ કાય ટર્કોઇઝ લગૂન (ધીમી ગતિએ ચાલતા દેડકા), ડ્રામેટીક વલ્કેનીક સીનરી દિલો દિમાગને તરબતર કરી દે તેવી. બિચીસ અને હાઇકિંગ, હનિમૂન ડેસ્ટીનેશન, પ્રવાસના શોખીનો સૌ કોઇ માટે આ સ્થળ પર પસંદગી ઉતારે છે. કુદરતી સૌંદર્યની સમૃધ્ધિ સહ સાંસ્કૃતિક વિવિધતામાં મોરેશિયસ ભારત, ક્રેલોન, ચાઇનીસ અને ફ્રેન્ચના પ્રભાવનો વાઇબ્રન્ટ મેલ્ટીંગ પોટ કહી શકાય. વેસ્ટ કોસ્ટનો લી મોરીને ડુંગર પરના સૂર્યાસ્તનું દ્રશ્ય અને ડ્રામેટીક કોસ્ટલ સીનરી માટે યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ લીસ્ટેડ આ માઉન્ટેન છે.
નામ પ્રમાણે જ ત્યાંની મુખ્ય પેદાશ મોરસ (સુગર) શેરડી છે. ચાના ખેતરો પણ છે. ઇસ્ટ આફ્રિકાના સાઉથ ઇસ્ટર્ન કોસ્ટથી નજીક ભારતીય સમુદ્રમાં આવેલ આ દ્વીપનો વિસ્તાર ૨૦૦૦ કીલો મીટર છે. તેનો કોઇપણ ભાગ સમુદ્રથી ૧૫ માઇલ કરતા વધારે દૂર નથી. જેની મૂળ જન સંખ્યામાં ૬૭ % ભારતીય ખાનદાનના છે. જેમાં ૫૩% હિન્દુઓ છે. જે મુખ્યત: બિહાર-ઉત્તરપ્રદેશના છે. કેટલાક તામીલ, તેલુગુ અને મહારાષ્ટ્રીયન પણ છે. અને ગુજરાતીઓએ તો દુનિયાનો કોઇ છેડો બાકી નથી રાખ્યો! ચાઇનીસની વસ્તી પણ ત્યાં છે. ત્યાંના લોકો માયાળુ અને સરળ છે. અમારા ડ્રાઇવરભાઇએ પાછા વળતા એરપોર્ટ તરફ જઇ રહ્યાં હતાં ત્યારે ઘણી બધી માહિતી આપતાં જણાવ્યું કે, અમે પાંચ-પાંચ પેઢીઓથી અત્રે વસ્યા છે. હવે તો આ જ અમારી કર્મભૂમિ અને નવી પેઢીની જન્મભૂમિ પણ બની ગઇ છે. બ્રિટન જેવા બેનીફીટ્સ અહિં પણ મળે છે.
એની રાજધાની પોર્ટ લૂઇસ છે. જેના એક મહોલ્લાનું નામ કાશી છે. મોરેશીયસમાં બનારસ છે, ગોકુળ છે, બ્રહ્મ સ્થાન પણ. એની ગલીઓના નામ કલકત્તા, રબિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, બરોડા લેન,મદ્રાસ, હૈદ્રાબાદ, મુંબઇ વગેરે છે. ઇ.સ. ૧૮૩૪, ૨ નવેમ્બરે એટલસ નામનું ભારતીય જહાજ મજદૂરો લઇને મોરેશીયસ લાંગર્યું હતું. જેમાં બેસીને આપણા હજારો ભાઇબહેન રોટલો રળવા ને સારા ભવિષ્યની આશાએ આવ્યા હતા. સાથે પોતાના સંસ્કારની મૂડી પણ લાવ્યા હતા. જેને કારણે હિંદી ભાષાનો વ્યાપક પ્રચાર છે. રાજભાષા અંગ્રેજી છે પણ સંસ્કૃતિની ભાષા ફ્રેન્ચ છે. પરંતુ સ્થાનિક પ્રજાજનો ક્રેયોલ ભાષા બોલે છે. ક્રેયોલ પછીની જનભાષા ભોજપુરી છે. ભારતીયની પડોશમાં રહેનાર ચાઇનીઝ પણ સારી ભોજપુરી બોલી જાણે છે. જો કે ભોજપુરીમાં ફ્રેન્ચના શબ્દો એટલા બધા ઘૂસી ગયા છે કે આપણને એ સમજવામાં મુશ્કેલી પડે. ત્યાં બધા સાથે હળીમળી રહે છે અને એકબીજાના ધર્મ-સંસ્કૃતિને સન્માન આપે છે.
એક જમાનામાં કહેવાતું કે બ્રિટીશ શાસનનો સૂરજ કદી આથમતો નથી એ ન્યાયે ત્યાં પણ બ્રિટીશરોનું રાજ હતું. ૧૯૬૮માં એ સ્વતંત્ર થયું. જેના પ્રથમ વડાપ્રધાન શિવસાગર રામ ગૂલામ પણ ભારતીય વંશજ હતા.
ભારતીય સંસ્કૃતિનો ફેલાવો દુનિયાના કેટ-કેટલા દેશોમાં થયો છે એ જાણી આપણને ગૌરવ અને આશ્ચર્ય થાય. ભારત કરતા ભારત બહાર ભાષા-ધર્મ-સંસ્કૃતિના સંવર્ધન વધુ થતા જોવા મળે!
શરૂમાં ત્યાં સ્થાયી થયેલ ભારતીયોને ક્રિસ્તાન બનાવવા બહુ પ્રયત્નો થયા, પ્રલોભનો પણ અપાયા. જે એમને ડગાવી ન શક્યા. તેમણે જુલ્મો સહ્યાં પરંતુ પોતાની સંસ્કૃતિ છોડી નહિ!. તેઓ એમ માને છે કે, “જે ટાપુ પર ભગવાને એમને મોકલ્યા છે તે ધર્મને કેમ છોડી શકાય? એ પોતાની નૈતિક ફરજ છે.’’ આ ટાપુને એમણે મીની હિન્દુસ્તાનમાં ફેરવી દીધો છે.
મોરેશીયસના દરેક મુખ્ય ગામમાં શિવાલય છે. દરેક સ્થળે તુલસીકૃત રામાયણના પાઠ થાય છે. ઢોલક અને ઝાંઝ પર ગીતો ગવાય છે. મોરેશીયસના મંદિરો અને શિવાલયોની સ્વચ્છતા અને પવિત્રતા મનને ખુશ કરી દે તેવી છે. મોરેશિયસની મધ્યમાં વિશ્વના ત્રીજા નંબરની ૧૦૮ ફૂટ ઊંચી શિવજીની વિરાટ પ્રતિમા છે. શિવજીના સ્ટેચ્યુની નીચેના પરિસરમાં શિવ પરિવાર તેમજ ૧૦૮ લિંગની સ્થાપના કરાઇ છે. જેનું ઉદઘાટન આપણા વડાપ્રધાન મોદીજીના વરદ્ હસ્તે થયું હતું. ૧૦૮ શિવલિંગનું મંદિર વિશ્વના કોઇપણ દેશમાં નહિ હોય! માતા દુર્ગાનું પણ વિરાટ સ્ટેચ્યુ છે.
ત્યાં એક પરી/ગંગા તળાવનું નિર્માણ કરાયું છે. જ્યાં ગંગા માતા, વિષ્ણુ-લક્ષ્મીજી, બ્રહ્મા, શિવ પરિવાર, રામ, હનુમાન, જૈનોના ભગવાન મહાવીર (નવકાર મંત્ર લખેલ તક્તિ સહિત) બધા જ દેવ-દેવીઓનું સ્થાપન કરાયું છે. જાણે કે દેવોની એ ભૂમિ. ભગવાનની પૂજા ભક્તિસભર આસ્થાથી થાય છે. આપણે ત્યાં જેવા પંડા કે પંડિતો, પૂજારીઓની મોનોપોલી નહિ, કે નહિ પેનીની અપેક્ષા. “પ્રભુ સેવા એજ એમનો મંત્ર’’. દિલના પણ ચોખ્ખા.
એમનો વર્ષનો સર્વ શ્રેષ્ઠ તહેવાર મહાશિવરાત્રી છે.
મહાશિવરાત્રીના દિવસે ૪-૫ માઇલનો પગપાળા પ્રવાસ કરી ભક્તજનો સફેદ વસ્ત્રો પરિધાન કરી શિવજી પાસે ગંગા નદીના કિનારે આવે છે. પરી/ગંગા તળાવમાંથી ધડો ભરી જળ પોતાના ગામમાં લઇ જઇ શિવજી પર અભિષેક કરે છે. તેમની આસ્થા, ભક્તિ સાચે જ નમન કરવા લાયક છે. આ સ્થળ પીકનીકનું પણ છે. ત્યાં મેળો ય થાય છે. પરંતુ માંસાહાર વર્જય છે. એની પવિત્રતા પૂરેપૂરી જાળવે છે. ભારતમાં જાત્રા કરવા જવાનું પસંદ કરે છે પરંતુ રહેવા માટે આ જ એમનો દેશ. સંતોષી અને સુખી પ્રજા છે.
બ્રહ્માકુમારીનું સેન્ટર પણ ભવ્ય છે. અમે ત્યાં અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇને ગયા તો અમારૂં આતિથ્ય ખૂબ સરસ રીતે કર્યું અને એમના ઇશ્વર પ્રત્યેના અભિગમની સમજ આપી, પ્રાર્થનામાં સહભાગી થયા. ભારતીય આયુર્વેદનો પણ પ્રભાવ છે.
એમ જ કહો ને કે મીની ભારત!


comments powered by Disqus