મુંબઇઃ ભારતના ફાર્મા સેક્ટરની મોખરાની કંપની સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમેરિકા સ્થિત ઓર્ગેનોન એન્ડ કંપનીને 11.75 બિલિયન ડોલરમાં ખરીદી લેશે. કોઈપણ ભારતીય કંપની દ્વારા વિદેશોમાં બીજા ક્રમનું સૌથી મોટુ એક્વિઝિશન છે. સંપૂર્ણપણે રોકડમાં થનારા આ સોદાને ભારતીય રૂપિયામાં ગણો તો આંકડો રૂ. 1.10 લાખ કરોડ પર પહોંચે છે. કોઇ ભારતીય કંપની દ્વારા વિદેશમાં થનારું આ બીજા ક્રમનું સૌથી મોટું એક્વિઝિશન છે. આ પૂર્વે ટાટા સ્ટીલે 2007માં એંગ્લો-ડચ કંપની કોરસ ગ્રૂપનું 12 બિલિયન ડોલરમાં એક્વિઝિશન કરીને ઇતિહાસ રચ્યો હતો. સન ફાર્માએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ઓર્ગેનોનના એક્વિઝિશન માટે કરાર કર્યા છે. કંપની શેરદીઠ 14 ડોલરના ભાવથી ઓર્ગેનોનના તમામ શેર ખરીદી લેશે. વર્તમાન ભાવ મુજબ તેની એન્ટરપ્રાઈસ વેલ્યૂ 11.75 બિલિયન ડોલર થાય છે.
વિશ્વની ટોપ-25 કંપનીમાં
સ્થાન મેળવશે સન ફાર્મા
ઓર્ગેનોન વૈશ્વિક હેલ્થકેર કંપની છે, જે મર્ક (Merck)માંથી અલગ કરીને બનાવાઈ હતી. અમેરિકા અને કેનેડા સિવાય તે MSD નામથી જાણીતી છે. વર્ષ 2021માં તેને મર્કમાંથી અલગ કરવામાં આવી હતી. ઓર્ગેનોન સમગ્ર યુરોપ અને ઈમર્જિંગ માર્કેટ્સમાં કુલ 6મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે. આ સોદો પૂરો થશે ત્યારે સન ફાર્મા વિશ્વની ટોચની 25 ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં સ્થાન પામશે અને તેની કુલ સંયુક્ત આવક 12.4 બિલિયન ડોલરની થઈ જશે.
હાલમાં પણ સન ફાર્મા પ્રસ્થાપિત બ્રાન્ડ્સ અને બ્રાન્ડેડ જેનરિક્સમાં અગ્રણી કંપની છે. સન ફાર્મા દ્વારા ઓર્ગેનોનનું આ એક્વિઝિશન કોઈપણ ભારતીય કંપની દ્વારા વિદેશોમાં થનારું બીજા ક્રમનું સૌથી મોટુ એક્વિઝિશન છે. આ અગાઉ ટાટા સ્ટીલે વર્ષ 2007માં કોરસને 12 બિલિયન ડોલરમાં ખરીદી હતી. ભારતી એરટેલે કુવૈત સ્થિત ઝૈન ટેલિકોમનો આફ્રિકન બિઝનેસ 2010માં 10.7 અબજ ડોલરમાં ખરીદી લીધો હતો.
આ એક્વિઝિશન બાદ સન ફાર્મા વિશ્વની વિમેન્સ હેલ્થની ટોચની ત્રણ કંપનીઓમાં સ્થાન પામશે જે ભવિષ્યના ગ્રોથ માટે મજબૂત કોમર્શિયલ પ્લેટફોર્મ પૂરું પાડશે. એ જ રીતે તે બાયોસિમિલરમાં વિશ્વની સાતમા ક્રમની કંપની બની જશે.
વિશ્વના 150 દેશમાં પહોંચશે સન ફાર્મા
સન ફાર્મા ઓર્ગેનોનને ખરીદી લેશે તે સાથે તેનો બિઝનેસ વિશ્વના 150 દેશોમાં ફેલાઈ જશે અને મહત્વના 18 માર્કેટમાં તેનો દબદબો જોવાશે, જે દરેકમાં 10 કરોડ ડોલરથી વધુની આવક તે મેળવશે. સન ફાર્માએ ઈન્વેસ્ટર પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે આ એક્વિઝિશનથી વેલ્યૂ ક્રિએશનના અનેક માર્ગો ખૂલશે અને તેને કારણે 2-4 વર્ષમાં 35 કરોડ ડોલરથી વધુની સંભવિત સિનર્જી જોવા મળશે. સન ફાર્મા અને ઓર્ગેનોન એ બન્નેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપી દીધી છે અને 2027ની શરૂઆત સુધીમાં ડીલ પાર પાડી લેવાશે તેવો અંદાજ છે. ત્યાં સુધીમાં જરૂરી રેગ્યૂલેટરી મંજૂરી લેવાશે. એ જ રીતે ઓર્ગેનોનના શેરધારકોની પણ મંજૂરી લેવાશે.
વિમેન્સ હેલ્થમાં ઓર્ગેનોન વૈશ્વિક લીડર
ઓર્ગેનોન વિમેન્સ હેલ્થમાં વૈશ્વિક લીડર છે. વિમેન્સ હેલ્થ અને જનરલ મેડિસિન્સમાં તે 70થી વધુ પ્રોડક્ટ્સનો વ્યાપક પોર્ટફોલિયો ધરાવે છે. તે અમેરિકા, યુરોપ, ચીન, કેનેડા, બ્રાઝિલ સહિત 140 દેશોમાં તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. ઓર્ગેનોનની આવક 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂરા થયેલા કેલેન્ડર વર્ષમાં 6.2 બિલિયન ડોલર થઈ હતી.
સન ફાર્મા ફાઈઝર જેવી કંપનીની હરોળમાં
સન ફાર્માનો ઓર્ગેનોન સાથેનો સોદો દર્શાવે છે કે ભારતીય કંપનીઓ પાસે હવે વિશ્વની અગ્રણી અમેરિકન અને યુરોપિયન કંપનીઓને હસ્તગત કરવાની નાણાકીય તાકાત છે. ઓર્ગેનોન તેની સાથે રૂ. 58,000 કરોડની આવક લાવશે, જેનાથી ભારતીય કંપનીને બજાર અને નાણાકીય શક્તિ બંને મળશે. આ બધું સન ફાર્માની વૈશ્વિક વિસ્તરણ વ્યૂહરચના સાથે સુસંગત છે. સન ફાર્મા ફાઈઝર-નોવાર્ટિસ સાથે સીધી સ્પર્ધા કરશે. આ પગલું ભારતને ઈનોવેટિવ અને સ્પેશલિટી દવાઓના ક્ષેત્રમાં વૈશ્વિક શક્તિ બની શકે છે.
આ એક્વિઝિશનથી
ખુશ છુંઃ દિલીપ સંઘવી
ઓર્ગેનોન સાથેના ડિલની જાહેરાત કરતા સન ફાર્માના ચેરમેન દિલીપ સંઘવીએ કહ્યું હતું કે આ એક્વિઝિશનથી હું ખુશ છું, ઉત્સાહિત છું. આ થોડું મોટું ટ્રાન્ઝેકશન છે. આ એક્વિઝિશન સાથે મને રેનબેક્સીનું ટ્રાન્ઝેક્શન યાદ આવે છે. તે સમયે અમારી કંપની નાની હતી, પરંતુ તે સમયે પણ અમે અમારી કંપનીના કદ કરતાં 80 ટકા કદ ધરાવતી કંપનીનું એક્વિઝિશન કરતા હતા. ઓર્ગેનોન લગભગ સન ફાર્મા જેટલું જ કદ ધરાવે છે. તેનો નફો સન ફાર્મા કરતાં થોડો વધારે છે, પરંતુ ટ્રાન્ઝેક્શન સન ફાર્માના વેલ્યૂએશન કરતાં 25 ટકા ઓછું છે. ફેર એટલો છે કે સન ફાર્મા સતત ગ્રોથ કરી રહી છે અને ઓર્ગેનોન સતત ગ્રોથ કરી રહી નથી. ઓર્ગેનોનનું દેવું વધારે છે અને તે માટે સન ફાર્માએ ફંડ મેળવવું પડશે. કંપની તરીકે અમે બને ત્યાં સુધી ડેટ (દેવું) ટાળીએ છીએ, પરંતુ જોખમ લેવાનું સાહસ નથી ટાળતા.
આ સોદો સન ફાર્માને બનાવશે ગ્લોબલ લીડર
સન ફાર્માએ ઓર્ગેનોનના એક્વિઝિશનની જાહેરાત કરીને ફાર્મા સેક્ટરમાં હલચલ મચાવી દીધી છે. આ બન્ને ટોચની કંપનીઓ વિશે કેટલીક પાયાની જાણકારી...
• સન ફાર્મા વૈશ્વિક સ્તરે કેટલી શક્તિશાળી?
દિલીપ સંઘવીની માલિકીની સન ફાર્મા જેનેરિક દવા બનાવતી વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. તેની માર્કેટ વેલ્યૂ આશરે 4 લાખ કરોડ રૂપિયા છે. તે વૈશ્વિક સ્તરે 2,000થી વધુ ઉત્પાદનોનું વેચાણ કરે છે. તેની પાસે પાંચ ખંડમાં 41 અત્યાધુનિક ઉત્પાદન યુનિટ્સ છે અને 150 દેશમાં કારોબાર કરી રહી છે.
• ઓર્ગેનોન કેટલી મોટી ફાર્મા કંપની છે?
આશરે 28,000 કરોડ રૂપિયાનું માર્કેટ મૂલ્ય ધરાવતી ઓર્ગેનોન વર્ષ 2021માં દવા જગતની દિગ્ગજ મર્ક એન્ડ કંપનીથી અલગ થઈ. આજે ચીન, અમેરિકા, કેનેડા, યુરોપ, બ્રાઝિલ સહિત 140 દેશમાં તેનું વિશાળ બજાર છે. કંપનીમાં 10 હજાર કર્મચારીઓ છે. તેની પાસે મહિલા સ્વાસ્થ્ય અને સામાન્ય દવાના ક્ષેત્રમાં 70થી વધુ ઉત્પાદનોનો પોર્ટફોલિયો છે. આમાં, સૌથી અગ્રણી પ્રોડક્ટ ‘નેક્સપ્લાન’ છે, જે એક ગર્ભનિરોધક છે અને 60 દેશમાં તેનું વેચાણ થાય છે.
• આ ડીલથી સન ફાર્માને શું ફાયદો થશે?
સન ફાર્મા ઓર્ગેનોન સાથેનો સોદો પાર પડતાં જ વિશ્વની ટોચની 25 દવા કંપનીઓના એલીટ ક્લબ અને મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રની ટોચની ત્રણ વૈશ્વિક કંપનીમાં સામેલ થશે.
• બાયોસિમિલર્સમાં કંપનીને શું લાભ?
બાયોસિમિલર્સ એ જૈવિક દવાઓના સસ્તા સંસ્કરણ છે. આ સોદો સન ફાર્માને વિશ્વની સાતમી સૌથી મોટી બાયોસિમિલર કંપની બનાવશે.
• ભારતીય કંપનીનું મોટું વિદેશી અધિગ્રહણ?
વર્ષ 2007માં ટાટા સ્ટીલે એંગ્લો-ડચ કંપની કોરસ ગ્રૂપને રૂ. 1.12 લાખ કરોડમાં ખરીદી હતી. 2010માં ભારતી એરટેલે જૈન ટેલિકોમના આફ્રીકી કારોબારને રૂ. 1.72 લાખ કરોડમાં ખરીદ્યો હતો.

