અથ યોગાનુશાસનમ્

- હેમુ ભીખુ Wednesday 17th June 2026 07:08 EDT
 
 

મહર્ષિ પતંજલિ દ્વારા રચિત સુપ્રસિદ્ધ ગ્રંથ ‘પતંજલિ યોગ-સૂત્ર’નું પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ સૂત્ર છે ‘અથ યોગાનુશાસનમ્’ એટલે કે હવે યોગની શરૂઆત થાય છે, આ યોગની શરૂઆત છે, હવે યોગ જરૂરી છે... આ બધાં વાક્યો એક બાબત તો સ્પષ્ટ કરે જ છે કે ‘હવે’ની સ્થિતિની સમજ જરૂરી છે. જ્યારે ખબર પડે કે આપણે બંધનમાં છીએ ત્યારે જ મુક્તિ માટેનો પુરુષાર્થ ચાલુ થાય. જિંદગીમાં કંઈક અયોગ્ય થઈ રહ્યું છે તેની પ્રતીતિ થતા જ શું યોગ્ય છે તે જાણવાનો અને તે દિશામાં જીવનને લઈ જવાનો પ્રારંભ થાય. શરીર રોગગ્રસ્ત થયું તેની ખબર પડે પછી જ સારવાર કરાવવાનો વિચાર આવે. પ્રશ્ન છે એની જાણ થતાં ઉત્તર શોધવાના પ્રયત્નો થાય. સબંધોમાં ખટરાગ છે એ સમજાય પછી જ તેને દૂર કરવાનો પ્રયત્ન થાય.
યોગ એટલે જોડાવાની પ્રક્રિયા. આમાં તમે કાં તો સ્વયં સાથે જોડાવ છો અથવા તે પરમ સાથે જોડાવ છો અથવા સ્વયં થકી તે પરમને પામો છો. જ્યારે ખબર પડે કે આપણે સ્વયંથી તથા પરમથી અલગ છીએ, અને આ અલગાવ યોગ્ય નથી, ત્યારે જ યોગ માટેની તત્પરતા જાગે. ત્યારે જ યોગ માટે - તે જોડાણ માટે વ્યક્તિમાં પુરુષાર્થ જાગે. ત્યાં સુધી તો બધું બરાબર જ લાગે. જોડાણની પ્રક્રિયા ત્યારે જ ચાલુ થાય જ્યારે આ પ્રકારનો અલગાવ તીવ્ર વિરહમાં પરિણમે.
યોગ એ કંઈ શારીરિક આસનોની ક્રિયા નથી. યોગ એ શારીરિક તંદુરસ્તી પામવાનું સાધન નથી. યોગ આયુષ્ય વધારવાનું માધ્યમ પણ નથી. હા, તેમાં સંલગ્ન થતાં આવા પરિણામો આવી શકે, પણ યોગ માટેનો હેતુ આવા પરિણામ લાવવાનો ન હોય. યોગની એક અતિ મહત્વની ક્રિયામાં પ્રાણાયમનો સમાવેશ થાય છે. આ પ્રાણાયામ એ કંઈ ફેફસા કે ઉદરપટલની કસરત નથી. આ તો પ્રાણને સાધવાની ક્રિયા છે. એક સિદ્ધાંત પ્રમાણે એમ પણ કહી શકાય કે ‘તે’ ચૈતન્ય પ્રાણમાં તથા શરીરની નાડીઓમાં પ્રવર્તમાન ‘પવન’માં ગતિ કરે છે. પ્રાણાયામથી આ પવનને / પ્રાણને ઈચ્છનીય દિશા તથા ગતિ આપવાની હોય છે. આવી ગતિ જ્યારે બ્રહ્મનું ‘તાળું’ ખોલી દે ત્યારે આત્મા-પરમાત્મા સાથેનું જોડાણ - સાથેનો યોગ સિદ્ધ થાય છે. આની શરૂઆત એટલે યોગાનુશાસનમ્.
યોગની શરૂઆત થતાં ક્રમશઃ બધું જ ગોઠવાતું જાય. યોગ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં સ્થૂળ, સૂક્ષ્મ તેમજ કારણ શરીર સમન્વયથી કાર્યરત થાય છે. અહીં આ ત્રણેય પ્રકારના અસ્તિત્વ વચ્ચે અભૂતપૂર્વ સંવાદિતતા સ્થપાય છે. આવી સંવાદિતતા આગળ વધીને જાણે સમગ્ર વિશ્વમાં પ્રસરી જાય છે. અહીં સ્થૂળ, સૂક્ષ્મ તેમજ કારણ, એ ત્રણેય અસ્તિત્વનો વિસ્તાર એટલો વધી જાય છે કે એમ જણાય કે સમગ્ર વિશ્વ સાથે વ્યક્તિ સંપૂર્ણતામાં ઓતપ્રોત થઈ ગયો છે. તે સમગ્ર વિશ્વમાં છવાઈ જાય છે અને સમગ્ર વિશ્વ તેનામાં સમાઈ જાય છે. આની શરૂઆત એટલે યોગાનુશાસનમ્.
એમ જણાય છે કે સ્થૂળ તથા સૂક્ષ્મ અસ્તિત્વમાં ઈશ્વરે એવી સંભાવનાઓ મૂકી છે કે જેના થકી કારણ અસ્તિત્વને પામી શકાય. સ્થૂળના બંધિયારપણાની તથા સૂક્ષ્મની ચંચળતાની ચાવી ભગવાને આ બંને અસ્તિત્વની અંદર જ મૂકી છે. સ્થૂળથી કઈ રીતે છૂટી શકાય, તેનો માર્ગ આ સ્થૂળ અસ્તિત્વમાં જ છે અને સૂક્ષ્મને શાંત પાડવાની રીતો પણ સૂક્ષ્મ અસ્તિત્વમાં જ ચોક્કસ રીતે સચવાયેલી છે. યોગથી આ બંને બાબતો ઉજાગર થાય છે. યોગ તે એ પ્રકારની સ્થિતિ છે જેમાં પ્રશ્ન જ ઉકેલની શરૂઆત કરી આપે છે. અહીં તો રોગની અંદર જ જાણે ઉપચાર છુપાયેલો છે.
એમ જણાય છે કે યોગ દ્વારા જે માર્ગે આપણે પરમ તત્વથી વિમુખ થઈ જ્યાં પહોંચ્યા હોઈએ છીએ ત્યાંથી જ પરત જવા તે જ માર્ગ ઉપયોગમાં લેવાય છે. ફેર એટલો કે તે માર્ગથી અત્યાર સુધી આપણે વિમુખ થતા ગયા જ્યારે હવે ધ્યાનની દિશા બદલી પ્રવાસ સન્મુખ તરફનો કરવાનો છે. આની શરૂઆત એટલે જ યોગના શાસનની શરૂઆત. આ બધી વાતો કહેવી સહેલી છે એમ જણાશે. પણ વાસ્તવમાં આ બધી વાતો ખરેખર સહેલી છે. કાં તો આપણે પ્રયત્નો નથી કર્યા, કાં તો પ્રયત્નમાં અધૂરાશ છે, કાં તો પ્રયત્ન સાથે વિશ્વાસ જળવાયેલો નથી - હજી શંકા રહેલી છે અને કાં તો આપણે એટલા અબુધ છીએ કે જે પરિસ્થિતિ હયાત છે તે સિવાય પણ કોઈ ભિન્ન પરિસ્થિતિ હોઈ શકે તેમ આપણા મનમાં આવ્યું જ નથી. જ્યારે આ બધી જ નકારાત્મક સંભાવનાથી મુક્ત થઈએ અને એક હકારાત્મક ભાવ સાથે ‘જોડાણનો’ પ્રયત્ન કરીએ ત્યારે યોગની શરૂઆત થાય. આ માર્ગ એવો છે કે જેના ઉપર એક ડગલું માંડવાથી જ અભૂતપૂર્વ રસ અને વિશ્વાસ જાગ્રત થાય. પ્રશ્ન શરૂઆતનો છે. આ શરૂઆત એટલે જ યોગ સાથેનું અનુસંધાન - યોગ પ્રત્યેનો વિશ્વાસ - યોગના શાસનનો પ્રારંભ.
શાસન એટલે એવી સ્થિતિ કે જ્યાં બધું જ કોઈ ‘શક્તિ’ના નિયંત્રણમાં હોય. શાસન એટલે એક ચોક્કસ પ્રકારની શિસ્ત - નિયમબદ્ધતા જ્યાં પ્રવર્તતી હોય અને તેને કારણે ચોક્કસ પરિસ્થિતિ અસ્તિત્વમાં આવવાની - ચોક્કસ પરિણામ પામવાની પૂરેપૂરી સંભાવના હોય. યોગના અનુશાસનમાં આવી જ સંભાવનાઓ હોય છે. અહીં પરિણામની ખાતરી છે. આ એક વિજ્ઞાન છે જેમાં અપવાદ માટે કોઈ અવકાશ નથી. અહીં ચોક્કસ પ્રકારની વૈજ્ઞાનિક ક્રિયાઓ દ્વારા તે કારણભૂત સત્ય સુધી પહોંચવાનો માર્ગ મળી રહે છે. સનાતનની સંસ્કૃતિમાં પૂર્ણતા પામવાના જે વિવિધ માર્ગો સૂચિત થયા છે તેમાં ‘યોગનું અનુસાશન’ એક પ્રશસ્ત માર્ગ છે. પ્રારંભ માટેના અને પ્રવાસ માટેના જે જે સિદ્ધાંતો છે તેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર, અનુશાસનમાં રહીને વિશ્વાસથી સૂચિત માર્ગે આગળ વધવું એટલે જ યોગમાં સંમેલિત થવું.


comments powered by Disqus