અમેરિકા-ઇરાન શાંતિ કરાર કેટલી હદે સફળ થઇ શક્શે

Wednesday 17th June 2026 06:01 EDT
 

લગભગ ચાર મહિના સુધી ચાલેલા ભીષણ સંઘર્ષ બાદ આખરે ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ કરાર પર સહમતિ સધાતાં સમગ્ર વિશ્વે રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આ શાંતિ સમજૂતિ કેટલો લાંબો સમય ટકશે તે અંગે હજુ પણ શંકા અને કુશંકા પ્રવર્તી રહી છે. એક રીતે કહીએ તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલને હાંસિયામાં ધકેલીને આ સમજૂતિનો પ્રયાસ કર્યો છે. જે રીતે ઇઝરાયેલે યુદ્ધવિરામની ઐસી તૈસી કરીને યુદ્ધને આગળ ધપાવ્યું તે જોતાં નેતાન્યાહૂ કેટલી હદે બાંધછોડ કરવા તૈયાર થશે તે પણ એક મોટો સવાલ છે.
યુદ્ધની શરૂઆતમાં અમેરિકા અને ઈઝરાયેલ ખભેથી ખભો મિલાવીને ઊભા હતા પરંતુ યુદ્ધના અંતિમ તબક્કામાં ટ્રમ્પે જે રીતે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પડતા મૂકીને પોતે જ કરાર કરી લીધો તેનાથી ઈઝરાયેલના સત્તાધીશો ચિંતિત છે. અમેરિકા અને ઇરાન વચ્ચેના કરારથી એક વાત તો સ્પષ્ટ થઇ ચૂકી છે કે અમેરિકાએ ઇઝરાયેલ સામે લડતા હિઝબુલ્લા અને હૂથી જેવા ઇરાનના પ્રોક્સી પ્રત્યે આંખ આડા કાન કર્યાં છે. ઇઝરાયેલની મુખ્ય ચિંતાનો વિષય એ છે કે તેની સુરક્ષા અંગેના મુખ્ય પ્રશ્નો ઉકેલાયાં નથી. ઇરાનમાં સત્તા પરિવર્તન કરાવવાની તેના ઓરતા પણ અધૂરાં રહી ગયાં છે. ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે હજુ કોઇ નક્કર નિર્ણય લેવાયો નથી. એક રીતે કહીએ તો ઇઝરાયેલના હાથમાંથી સોદો નીકળી ગયો છે. એ પણ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે હવે અમેરિકા ઇઝરાયેલને ઇરાન સામેની કાર્યવાહીમાં પહેલાં જેવો સાથ આપવાનો નથી. અમેરિકા અને ટ્રમ્પની આ સોદાબાજીથી નેતાન્યાહૂ ઘણા નારાજ છે અને હવે દડો તેમના પાલામાં છે. તેમના દ્વારા થનારા નિર્ણયો ટ્રમ્પના શાંતિ કરારને જોખમમાં મૂકી શકે છે.
એ વાતમાં પણ કોઇ શંકા નથી કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધમાં ઇચ્છિત પરિણામ હાંસલ કરી શક્યાં નથી અને તેમને ઘણી છૂટછાટ સાથે ઇરાન સાથે સમજૂતિ કરવાની ફરજ પડી છે. યુદ્ધમાં ઇરાનને પણ વ્યાપક નુકસાન થયું છે પરંતુ તેણે છેલ્લી ઘડી સુધી મક્કમ વલણ અપનાવીને અમેરિકા સામે નહીં ઝૂકવાની નીતિ અપનાવીને પોતાના હિતમાં ઘણા લાભો અંકિત કર્યાં છે. સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામેનેઇ સહિતના 40 કરતાં વધુ વરિષ્ઠ નેતા અને અધિકારી ગુમાવ્યા છતાં હકીકત એ છે કે ઇરાનમાં ઇસ્લામિક શાસન યથાવત રહ્યું છે. ટ્રમ્પ ભલે સફળતાના દાવા કરી રહ્યાં હોય પરંતુ ઇરાનમાં સત્તા પરિવર્તનનું તેમનું લક્ષ્ય અધુરું જ રહ્યું છે.
પરમાણુ કાર્યક્રમ મુદ્દે પણ ઇરાને માત્ર એટલું જ આશ્વાસન આપ્યું છે કે તે પરમાણુ શસ્ત્રો વિકસાવશે નહીં. જે તેની 1970ની પરમાણુ અપ્રસાર સંધિ સમયથી ચાલી આવતી જૂની સત્તાવાર સ્થિતિ જ છે. ઇરાન પાસે ઉપલબ્ધ યુરેનિયમના નિકાલ અંગે પણ કોઇ સ્પષ્ટ જોગવાઇ શાંતિ કરારમાં થઇ શકી નથી. ઇરાનના મિસાઇલ અને અન્ય શસ્ત્રોના કાર્યક્રમ અંગે પણ અસંમજસતા પ્રવર્તી રહી છે. આમ ટ્રમ્પ આ લક્ષ્યાંકો હાંસલ કરવામાં પણ નિષ્ફળ રહ્યાં છે તો બીજીતરફ પોતાના પરના આર્થિક પ્રતિબંધો દૂર કરાવવા અને ફ્રીજ કરાયેલી સંપત્તિ છૂટી કરાવવામાં ઇરાનને સફળતા હાંસલ થઇ છે. ઈરાનની મુખ્ય માંગ તેના ફ્રીઝ થયેલા આશરે 25 બિલિયન ડોલરની સંપત્તિને મુક્ત કરવાની અને આર્થિક પ્રતિબંધો હટાવવાની છે. અમેરિકા આ ભંડોળ મુક્ત કરવા અને પ્રતિબંધોમાં રાહત આપવા માટે સહમત થયો છે. આમ ઇરાન હોર્મુઝની ખાડી બંધ કરીને પોતાનું ધાર્યું કરાવવામાં સફળ રહ્યો હોય તેમ પ્રતીત થઇ રહ્યું છે.
એકંદરે, આ પ્રસ્તાવિત શાંતિ કરાર કાયમી યુદ્ધવિરામ તરફનું એક પ્રારંભિક અને સકારાત્મક પગલું હોઈ શકે છે પરંતુ તેને સંપૂર્ણ શાંતિ કરાર તરીકે ઓળખાવવો ઉતાવળ ગણાશે. સાચી કસોટી આગામી 60 દિવસની વાટાઘાટોમાં થશે જેમાં બંને પક્ષોએ અસ્પષ્ટ શરતોને નક્કર યોજનામાં બદલવી પડશે. ત્યાં સુધી આ કરાર વૈશ્વિક રાજનીતિમાં મોટા વિજય કરતાં પ્રાયોગિક યુદ્ધવિરામ વધુ પ્રતીત થાય છે.


comments powered by Disqus