‘ફ્લેટ ટમી માટે મેં તો જાત પર બહુ જુલમ ગુજાર્યો હતો, તમે આવી ભૂલ ન કરતાં...’

Wednesday 17th June 2026 06:47 EDT
 
 

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ પોતાના ફેન્સને પોતાના શરીરને સ્વીકારવાની અને માત્ર સોશ્યલ મીડિયા પર પર્ફેક્ટ દેખાતી તસવીરો માટે પોતાને હેરાન ન કરવાની સલાહ આપી છે. આ સાથે જ તાપસીએ સ્વીકાર્યું છે કે તેણે ફ્લેટ ટમી મેળવા માટે પોતાને હદથી વધુ તકલીફ આપી હતી જેનો આજે પણ તેને અફસોસ છે.
તાપસીએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર આ સંદેશ આપતાં કહ્યું હતું કે ‘બાળપણમાં હું ખૂબ ફિટ હતી, પરંતુ મને ક્યારેય એ સમજાતું નહોતું કે પેટના નીચેના ભાગની ચરબી હંમેશાં કેમ રહેતી હતી. હું એને દૂર કરવા માટે આકરી કસરત કરતી હતી. આ પછી પણ પેટના નીચેના ભાગની ચરબી યથાવત્ રહેતી હતી. જોકે સાચી વાત છે કે જ્યારે તમે તમારી જાત પર જરૂર કરતાં વધારે દબાણ કરો છો ત્યારે તમારા મગજમાં એક અલાર્મ વાગે છે કે તમારા શરીરને સુરક્ષાની જરૂર છે. આ પછી વાસ્તવમાં વોટર-રિટેન્શન ઓછું થવાને બદલે શરીર એને જાળવી રાખવાનું શરૂ કરી દે છે. આમ વધુ કસરત કરવાથી આ સમસ્યા વધી પણ શકે છે. દરેક મહિલાનું શરીર અલગ હોય છે અને મહિલાઓએ એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે તેમનું પેટ દરરોજ એકસરખું જ દેખાશે, કારણ કે મહિલાઓના શરીરમાં અનેક હોર્મોનલ ફેરફારો થતાં રહે છે. તમારું શરીર કોઈ બીજી યુવતી જેવું ન જ દેખાઈ શકે, તેથી તમારે એને સ્વીકારવું પડશે. મેં આ વાત ખૂબ મોડેથી સ્વીકારી. આ દરમિયાન મારી ડાયટિશ્યને મને સમજાવ્યું કે પેટના નીચેના ભાગમાં થોડી ચરબી અને થોડું પાણી જમા થવું જરૂરી છે કારણ કે ત્યાં પ્રજનન અંગો હોય છે અને એમને સુરક્ષાની જરૂર હોય છે. એક મહિલા તરીકે આ સુરક્ષાની જરૂર પડે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. તેથી માત્ર પર્ફેક્ટ ફોટોઝ માટે પોતાની જાતને પરેશાન ન કરો. થોડો ઊપસેલો ભાગ અને થોડી ચરબી હોવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. પ્લીઝ પોતાની જાતને હેરાન ન કરો. મારા જેવી ભૂલ કરતા હો તો અટકી જજો.’


comments powered by Disqus