કાબુલઃ પાકિસ્તાને એકવાર અફઘાનિસ્તાનમાં ઘાતક એરસ્ટ્રાઇક કરી છે. અફઘાન સરકારના અધિકારીઓફરી અને સ્થાનિક સૂત્રોએ બુધવારે સવારે જણાવ્યું હતું કે, બંને દેશોની સરહદ નજીક અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હુમલામાં ઓછામાં ઓછા 19 લોકોનાં મોત થયાં છે. અફઘાનિસ્તાને કહ્યું છે કે, પાકિસ્તાની સૈન્ય વિમાનોએ રાત્રે તેના હવાઈક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું અને કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં સામાન્ય નાગરિકોનાં ઘરો પર બોમ્બમારો કર્યો. અફઘાન અધિકારીઓ અનુસાર આ હુમલામાં 11 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 14 મહિલાઓ અને બાળકો ઘાયલ થયાં છે.
કાબુલના તાલિબાન શાસકોએ આ હુમલાઓની નિંદા કરતાં તેને માનવીય અપરાધ અને આક્રમકતાની કાર્યવાહી ગણાવી છે. પાકિસ્તાન આ પહેલાં પણ ઘણી વખત અફઘાનિસ્તાનમાં ઘાતક હુમલા કરી ચૂક્યું છે. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ અનુસાર પાકિસ્તાની વિમાનોએ અફઘાનિસ્તાનના હવાઈક્ષેત્રનું ઉલ્લંઘન કરીને ખોસ્ત, કુનાર અને પક્તિકા પ્રાંતોમાં નાગરિક આવાસોને નિશાન બનાવ્યાં. તાલિબાને આ હુમલાઓને અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે.

