પીઓકેમાં અત્યાચારઃ 1100ની ધરપકડ, 4 દિવસથી બજાર-સ્કૂલ-ઈન્ટરનેટ બંધ

Wednesday 17th June 2026 06:28 EDT
 
 

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં શુક્રવારે પણ જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC) નું આંદોલન ચાલુ રહ્યું હતું. મુઝફ્ફરાબાદ અને મીરપુરમાં ચોથા દિવસે પણ બજારો બંધ રહ્યા હતા. શાળાઓ, કોલેજો અને ઓફિસો ખાલી રહી અને ઇન્ટરનેટ પણ બંધ રહ્યું હતું, જેથી PoK દુનિયાથી કપાઈ ગયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર દિવસમાં 1,100થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. જોકે, તેનાથી વિરોધીઓનો ઉત્સાહ ઓછો થયો નથી; તેનાથી વિપરીત તેમનો ગુસ્સો વધ્યો છે. JAAC સભ્યો ધરણા માટે તૈયારીઓ તેજ કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સેના અને સરકારે પૂંછ, મીરપુર અને મુઝફ્ફરાબાદમાં વધારાના અર્ધલશ્કરી દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. ક્રેકડાઉનમાં ગતિ લાવતા સરકારે JAACના નેતા શૌકત નવાઝ મીર, ખ્વાજા મેહરાન અને અન્ય પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે. અત્યાર સુધી 46નાં મોત થયા છે.
સગીરને બંધક બનાવ્યો
પાકિસ્તાનના બલુચિસ્તાન (ક્વેટા)માં સુરક્ષા દળોના અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં સેનાએ ગુરુવારે ધોરણ-9ના 14 વર્ષીય વિદ્યાર્થીને ઘરની બહારથી બળજબરીપૂર્વક કસ્ટડીમાં લીધો હતો, જેનો કોઈ પત્તો મળ્યો નથી. આ પહેલાં 6 જૂને પણ મોહંમદ હાશિમ અને યાસિર અહેમદ નામના બે યુવકોને અડધી રાત્રે ઉઠાવી લેવાયા હતા. વિરોધમાં ક્વેટામાં ઐતિહાસિક પ્રદર્શન 6,191મા દિવસે પણ ચાલુ છે, જેમાં પીડિત પરિવારો પોતાનાં સ્વજનોની સુરક્ષિત વાપસી માટે વિનંતી કરી રહ્યા છે.


comments powered by Disqus