અબુધાબીઃ અબુધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરની સ્થાપના, આધ્યાત્મિક સેવા, સામાજિક જોડાણ અને સાંસ્કૃતિક ભાઇચારાની બીજી એનિવર્સરીની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે 8,000 કરતાં વધુ શ્રદ્ધાળુ અને 1500થી વધુ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી. જે સમુદાયના મંદિર સાથેના ઊંડા લગાવ અને સાંસ્કૃતિક તથા આધ્યાત્મિકતાના કેન્દ્ર તરીકે તેની વધતી ભુમિકાનું પ્રતિબિંબ છે.
આ વર્ષની ઉજવણીની થીમ – મંદિરઃ અવર ફેમિલી, અવર ફ્યુચર – યુએઇમાં શાંતિ, મૂલ્યો અને ભાઇચારાના ઘર તરીકેની મંદિરની ભુમિકાને પ્રતિબિંબત કરતા કોમ્યુનિટી લીડર્સ, ડિપ્લોમેટ્સ, પરિવારો અને બાળકોને એક સાથે લાવી હતી. ઉજવણીનો પ્રારંભ બીએપીએસના સ્વયંસેવકો અને સમુદાયના સભ્યો દ્વારા કિર્તન ભક્તિ દ્વારા કરાયો હતો. જેના પગલે અદ્દભૂત ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
બે વર્ષ અગાઉ અબુધાબીમાં બીએપીએસ મંદિરનું ઉદ્દઘાટન કરાયું હતું. જેમની પ્રેરણાથી આ મંદિરનું નિર્માણ થયું તેવા પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ દરેકને આવકારતાં પ્રવચન આપ્યું હતું.
મંદિર કેવી રીતે વિશ્વ સાથે વાત કરે છે તેનો ઉલ્લેખ કરતાં સ્વામી બ્રહ્મવિહારીદાસે મંદિરની સ્થાપનાને નવજાત શિશુ સાથે સરખાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાળક એક વર્ષની ઉંમરે ચાલતું થાય છે અને બે વર્ષની ઉંમરે બોલવાનું
શરૂ કરે છે. તેવી જ રીતે આ મંદિર પા પા પગલી કરી ચૂક્યું છે અને હવે ભાઇચારાનો સંદેશ આપી રહ્યું છે.
સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરનો એક જ સ્પષ્ટ ભાઇચારા અને સહિષ્ણુતાનો સંદેશ છે. છેલ્લા બે વર્ષમાં 100 કરતાં વધુ દેશના ભક્તો, મહાનુભાવો, પર્યટકો, રાજદૂતો અને રાજદ્વારીઓ સહિત 4 મિલિયન લોકો મંદિરની મુલાકાત લઇ ચૂક્યાં છે.
યુએઇના શાસકોની પ્રશંસા કરતા બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, પહેલાં લોકોને મંદિર માટે ભારતની મુલાકાત લેવી પડતી હતી પરંતુ હવે ભારત જ અહીં છે. પરિવારોનું કહેવું છે કે હવે અમને અહીં જ ઘર અને વતન જેવી અનુભૂતિ થાય છે.
બ્રહ્મવિહારીદાસ સ્વામીના પ્રવચન બાદ શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાનનું તેમની સાંસ્કૃતિક સહઅસ્તિત્વ અને સામાજિક એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે સન્માન કરાયું હતું. તેમણે તેના સંબોધનમાં નોંધ્યું હતું કે, આ ભવ્ય મંદિર ફક્ત પૂજાનું સ્થળ નહીં પરંતુ સહિયારા માનવ મૂલ્યોનું પ્રતીક છે. ભારત અને યુએઇ વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, આ મંદિર બંને દેશ વચ્ચેની ગાઢ મિત્રતાનું પ્રતીક છે. અમે નામદારના નેતૃત્વ માટે ગૌરવ અનુભવીએ છીએ.
યુએઇ સ્થિત ભારતના રાજદૂત ડો. દીપક મિત્તલે મંદિરને ભારતીય સમુદાય માટે ગૌરવનું સ્થળ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ મંદિરને ફક્ત પથ્થરો દ્વારા નહીં પરંતુ મિત્રતા અને સંસ્કૃતિ દ્વારા આકાર અપાયો છે. મંદિરનું સ્થાપત્ય સહઅસ્તિત્વની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
‘મંદિર ટોક્સ ટુ ધ ફેમિલીઝ’ની થીમ જીવંત અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં મંદિર કેવી રીતે બીજા ઘર જેવું લાગે છે તે દર્શાવવામાં આવ્યું છે. સુંદર રીતે ક્યુરેટેડ ઇન્ટરેક્ટિવ ઓડિઓ-વિઝ્યુઅલ વાતચીત દર્શાવે છે કે મંદિર પરિવારોને કેવી રીતે એકબીજાની નજીક લાવે છે.
પરિવારોએ જણાવ્યું હતું કે, પહેલાં અમે ઘરોમાં જ ઉજવણી કરતાં હતાં પરંતુ હવે અમે મંદિરમાં ખુલીને ઉજવણી કરી શકીએ છીએ. મંદિરના અન્નકૂટ જેવા સેવાકાર્યો અર્થપૂર્ણ બંધન અને એકતા આપે છે. વિશેષ તો પરિવારો સાથે મળીને આનંદ માણી શકે છે.

