ચેરિટી કાર્યો માટે પ્રતિબદ્ધ એવા નીલ રાડિયાને કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલા દ્વારા વિન્ડસર કેસલ ખાતે આયોજિત રિસેપ્શનમાં હાજરી આપવાનું સન્માન મળ્યુ હતું. કિંગ અને ક્વીન દ્વારા સમગ્ર યુકેમાંથી 300 મહેમાનોને આમંત્રણ અપાયું હતું.
કેર સેક્ટરમાં કામ કરતા વ્યક્તિ અને સંગઠનોના નિસ્વાર્થ યોગદાનને સન્માનિત કરવા આ સમારોહનું આયોજન કરાયું હતું. સમારોહમાં અન્યોની કાળજી અને સેવા માટે પોતાના જીવનો સમર્પિત કરનારા મહાનુભાવોના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા.
નીલ રાડિયા પણ યુકેની સંખ્યાબંધ ચેરિટી સંસ્થાઓમાં સ્વૈચ્છિક સેવાઓ આપી રહ્યાં છે. હાલમાં નેશનલ એસોસિએશન ઓફ કેર કેટરિંગ (એનએસીસી)ના નેશનલ ચેરમેન તરીકે સેવા આપી રહેલા નીલ રાડિયા સેન્ટ લૂક હોસ્પાઇસ, હેરો એન્ડ બ્રેન્ટના ટ્રસ્ટી તરીકે છેલ્લા 6 વર્ષથી સેવા આપી રહ્યા છે. નીલ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કેક ફોર કાઇન્ડનેસના સ્થાપક છે. આ સંસ્થા કેક તૈયાર કરવા માટે વૃદ્ધો અને ગરીબોને સુવિધા આપે છે. જેના દ્વારા તેમની એકલતા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા હોમલેસ લોકોને કેકનું વિતરણ પણ કરાય છે.
આ પ્રસંગે ડચેસ ઓફ એડિનબરો, ડ્યૂક અને ડચેસ ઓફ ગ્લુસેસ્ટર અને વડાપ્રધાન સર કેર સ્ટાર્મર પણ હાજર રહ્યા હતા.

