તારિક રહેમાન ભારત સાથેના સંબંધો સુધારી શક્શે ખરાં?

Wednesday 18th February 2026 05:11 EST
 

ભારત માટે કૂટનીતિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાતી બાંગ્લાદેશની ચૂંટણીના પરિણામ આવી ગયા અને તારિક રહેમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સત્તારૂઢ થઇ છે. આમ તો બાંગ્લાદેશની ચૂંટણીને સમાવેશી તો ન જ ગણી શકાય કારણ કે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી અવામી લીગ પર આ ચૂંટણીમાં પ્રતિબંધ લાદી દેવાયો હતો.
અવામી લીગના નેતા શેખ હસીનાને વડાંપ્રધાનપદ પરથી હટવાની ફરજ પડી ત્યારથી છેલ્લા 18 મહિનાથી મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં કટ્ટર વિચારધારા ધરાવતી જમાતે ઇસ્લામીના પ્રભાવ હેઠળની વચગાળાની સરકાર સત્તામાં હતી અને તેના ભારત વિરોધી અભિગમે બંને દેશ વચ્ચેના સંબંધોને વ્યાપક નુકસાન કર્યું હતું. હવે તારિક રહેમાનના નેતૃત્વ હેઠળની સરકાર સત્તામાં આવી છે ત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ફરી એકવાર પાટા પર આવે તેવી આશા અને અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય ઉપખંડમાં ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો કૂટનીતિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના માનવામાં આવે છે. તેથી જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલ કરીને તારિક રહેમાનને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી નરેન્દ્ર મોદીને તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.
ભારત માટે બાંગ્લાદેશ સાથેના સંબંધોમાં બે મુખ્ય મુદ્દા રહેલા છે. ભારતની સરહદી સુરક્ષા અને આર્થિક સહકાર. અત્યાર સુધી બાંગ્લાદેશ પાકિસ્તાનથી અળગો રહેતો હતો પરંતુ મોહમ્મદ યુનુસના કાર્યકાળમાં પાકિસ્તાનની ઘૂસપેઠ અને પ્રભાવ વધી ગયાં હતાં. યુનુસ સરકારે ભારતની સુરક્ષા જોખમાય તેવા સંખ્યાબંધ નિર્ણયો લીધાં હતાં. તે ઉપરાંત બંને દેશ વચ્ચેના આર્થિક અને વેપાર સંબંધો પર પણ કુઠારાઘાત થયો હતો. હવે સવાલ એ છે કે તારિક રહેમાન યુનુસ સરકાર દ્વારા અપનાવાયેલી ભારત વિરોધી નીતિનો અંત લાવીને ફરી એકવાર સંબંધો સુધારવાનો પ્રયાસ કરશે? તારિક રહેમાન માટે આ કામ સરળ નહીં રહે કારણ કે સંસદમાં જમાતે ઇસ્લામીએ પણ નોંધપાત્ર બેઠકો હાંસલ કરી છે. જમાતે ઇસ્લામી રહેમાનના નિર્ણયોમાં રોડા અટકાવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
તારિકે ભારત સાથે સંબંધો સુધારવાના સંકેત આપ્યાં તો છે પરંતુ તેઓ પાકિસ્તાન, ચીન, તૂર્કી અને અમેરિકાની ભારત વિરોધી ધરી સામે કેટલાં ટકી શકે છે તે પણ એક મહત્વનો સવાલ છે. તેમણે બાંગ્લાદેશની જૂની વિદેશનીતિ અપનાવવાનો ઇરાદો જાહેર તો કર્યો છે. હવે તેઓ દેશમાં જ રહેલા કટ્ટરવાદી વિચારધારા તત્વો સામે કેટલાં ટકી શકે છે તે જોવાનું રહ્યું.


comments powered by Disqus