બલોચ બળવાખોરોએ સૈનિકોને બંધક બનાવી પાકિસ્તાન સરકારનું નાક વાઢ્યું

Wednesday 18th February 2026 06:14 EST
 
 

નવી દિલ્હીઃ બલુચિસ્તાનની આઝાદી માટે દાયકાઓથી લડી રહેલી બલોચ લિબરેશન આર્મી (બીએલએ)ના બળવાખોરોએ પાકિસ્તાની સૈન્ય સામે લડતા 17 સૈનિકોને બંધક બનાવ્યા અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જાહેર કરી પાકિસ્તાન સરકારનું નાક વાઢ્યું હતું. જોકે, બલોચ આર્મીએ 10 સૈનિકોને છોડી મૂક્યા હતા અને બાકીના સાત સૈનિકોને છોડવા માટે પાકિસ્તાન સરકારને ચેતવણી આપી હતી. બીએલએએ પાકિસ્તાન સરકારે કેદ કરેલા બલોચ લોકોને એક સપ્તાહમાં છોડશે તો જ 7 સૈનિકોને છોડવાની શરત રાખી છે. વધુમાં પાકિસ્તાની સૈનિકોને બલોચ નેશનલ કોર્ટમાં રજૂ કરી આરોપો ઘડાયા હતા.
પાકિસ્તાની સેનાનો અત્યાચાર યથાવત્
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાનો આતંક યથાવત છે. અને નિર્દોષ નાગરિકો પાકિસ્તાની સેનાના અત્યાચારનો ભોગ બની રહ્યા છે. માનવ અધિકાર સંગઠનોએ જણાવ્યું છે કે, પાકિસ્તાની સેનાએ શિકાર પજીર બલૂચ અને કરીમ જાન સહિત 4 બલૂચ નાગરિકોની કાનૂની કાર્યવાહી વિના જ હત્યા કરી છે. પાક. સેનાનો આ અત્યાચાર અમાનુષી છે.
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાનો કેર વકરી રહ્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાએ વિસ્તારમાં ટેન્કો ખડકી હતી અને સ્થાનિક નાગરિકો વિરુદ્ધ હિંસા પણ વધારી છે. માનવ અધિકાર સંગઠનો અનુસાર પાકિસ્તાની સેનાએ વધુ 4 લોકોની હત્યા કરી છે.


comments powered by Disqus