બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ અત્યંત આવશ્યક

Wednesday 18th February 2026 05:09 EST
 

લેબર સરકાર આ વર્ષમાં જ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદી શકે છે. સ્ટાર્મર સરકારે આશ્વાસન આપ્યું છે કે આ સમયમાં સલાહ સૂચનની પ્રક્રિયા પૂરી થતાની સાથે જ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણો લાદી દેવાશે. વિશ્વના ઘણા દેશો આ દિશામાં આગળ વધી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાએ કાયદો ઘડીને 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો છે. ફ્રાન્સ સહિતના અન્ય યુરોપિયન દેશો પણ આ દિશામાં આગળ વધી રહ્યાં છે.
યુકેમાં પણ ઘણા વર્ષોથી બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની માગ અને ચર્ચા ચાલી રહી છે. બાળકોના માનસિક આરોગ્ય, ઓનલાઇન સેફ્ટી અને લાંબાગાળાના વિકાસ માટે વધી રહેલી ચિંતાઓ મધ્યે હવે સ્ટાર્મર સરકાર પણ આ દિશામાં આગળ વધવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ચૂકી છે. ઇન્ટરનેટના યુગમાં બાળકોના રોજિંદા જીવનનો મોટો હિસ્સો સોશિયલ મીડિયા પર વ્યતીત થાય છે ત્યારે તેમની સુખાકારી માટે ચોક્કસ વયના બાળકો માટે સંપુર્ણ પ્રતિબંધ લાદવાની દલીલો લાંબા સમયથી થઇ રહી છે. સોશિયલ મીડિયાની સૌથી ખરાબ અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે. ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઇ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે વપરાશ કરનાર તેનો વ્યસની બની જાય. ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવી સ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે છે કે યુઝર્સ કલાકોના કલાકો તેનો ઉપયોગ કરતાં જ રહે. આમાંથી બાળકો પણ બાકાત રહી શક્તાં નથી. તેઓ તેમના અભ્યાસ, વાંચન, ગૃહકાર્ય અથવા તો શારીરિક પ્રવૃત્તિને કોરાણે મૂકીને સોશિયલ મીડિયા કલાકોના કલાકો વીતાવે છે જેની સીધી અસર તેમના અભ્યાસ અને ઊંઘ ઉપર પણ થાય છે. અપુરતી ઊંઘ તેમના આરોગ્યને નુકસાન કરે છે. તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટે છે અને સંવેદનશીલતા અસ્થિર બને છે. સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધને પગલે તેઓ આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓમાં વધુ સમય ફાળવી શકશે. જે આગળ જતાં પરિવાર અને અંતે સમાજ તથા દેશ માટે લાભકારક જ પૂરવાર થશે.
સોશિયલ મીડિયાના ઉપયોગના કારણે માનસિક આરોગ્ય પર થતી અસર સૌથી મોટી ચિંતાનો વિષય છે. લાંબાગાળા સુધી સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે બાળકો એન્ઝાઇટી, ડિપ્રેશનનો ભોગ બનવા સાથે આત્મવિશ્વાસ પણ ગુમાવે છે.
બીજી સૌથી મોટી ચિંતાનો વિષય બાળકોની ઓનલાઇન સિક્યુરિટીનો છે. ઊંમરના નિયંત્રણો હોવા છતાં ઘણા બાળકો સોશિયલ મીડિયા પર એકાઉન્ટ સરળતાથી તૈયાર કરી લેતાં હોય છે. જેના પગલે તેમના પર અયોગ્ય અને અશ્લિલ કન્ટેન્ટ અને ઓનલાઇન શોષણખોરોનું જોખમ અનેક ગણું વધી જાય છે. સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવવાના કારણે બાળકોનું શારીરિક શોષણ કરતા નરાધમોને પણ ફાવતું મેદાન મળી જાય છે અને બાળકો સહેલાઇથી તેમનો શિકાર બની જાય છે. સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધથી બાળકોને આવા અપરાધીઓથી પણ બચાવી શકાશે.
એવું નથી કે સરકારોએ બાળકોની ઓનલાઇન સુરક્ષા માટે પગલાં લીધાં નથી. હાલમાં ઓનલાઇન સેફ્ટી એક્ટ અસ્તિત્વ ધરાવે છે પરંતુ આટલા નિયંત્રણો પુરતાં નથી. કાયદામાં અપુરતી જોગવાઇઓના કારણે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપુર્ણ પ્રતિબંધ જ યથાયોગ્ય લાગે છે.
જો આ પ્રતિબંધ યુકેમાં અમલી બનશે તો તેનો ભાવિ પેઢીને મોટો લાભ થઇ શકે છે. બાળકોમાં વાસ્તવિક દુનિયાનું કૌશલ્ય વિકાસ પામશે, તેમની વિચાર ક્ષમતામાં વધારો થતાં સારી રીતે વાતચીત અને વ્યવહાર કરી શકશે અને મુશ્કેલ નિર્ણયો પણ સરળતાથી લઇ શકશે. તેમના પરિવાર સાથેના સંબંધો મજબૂત બનશે અને સમાજમાં પણ એકરૂપ થતાં શીખશે.
જોકે વિરોધીઓની દલીલ છે કે સોશિયલ મીડિયા શૈક્ષણિક સામગ્રી, રચનાત્મક અભિગમ અને સામાજિક સંપર્કો વિકસાવવામાં મદદરૂપ બને છે. આ દલીલ સાચી હોઇ શકે છે પરંતુ તેનો લાભ બાળક મોટું થયા પછી પણ ક્યાં લઇ શક્તું નથી. પુખ્તતા બાળકની સમજદારી અને વિચારક્ષમતાને વધુ જવાબદાર બનાવે છે. તેથી 16 વર્ષ પછી બાળક દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ આવકારી શકાય.
આજના આધુનિક સમયગાળામાં સોશિયલ મીડિયા જીવનનો મહત્વનો હિસ્સો બની રહ્યું છે પરંતુ સામે પક્ષે બાળકના સર્વાંગી વિકાસ માટે તેના પર નિયંત્રણ પણ અત્યંત આવશ્યક બની રહે છે.


comments powered by Disqus